રામનાથ કોવિંદ પછી હવે દ્રૌપદીને પસંદ કરીને મોદીએ ઉચ્ચ ધોરણો જાળવ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય કમઠાણ વચ્ચે દેશના બંધારણીય વડા મનાતા રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો ચકરાવો પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. કેન્દ્રના સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મૂળ ઓડિશાનાં આદિવાસી મહિલા નેતા અને ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી છે જ્યારે ભાજપ વિરોધી પક્ષોએ ભાજપ છોડીને મમત બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા યશવંત સિંહાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

કૉંગ્રેસે સિંહાને ટેકો જાહેર કર્યો છે તેથી હવે કોઈ ત્રીજો ઉમેદવાર ઊભો થવાની શક્યતા નથી એ જોતાં રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિંહા વર્સિસ દ્રૌપદી મુર્મૂનો જંગ છે. માનો કે કોઈ ત્રીજા ઉમેદવાર કૂદે તો પણ અસલી જંગ યશવંત સિંહા વર્સિસ દ્રૌપદી મુર્મૂનો જ રહેશે કેમ કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કરનારા મોટા ભાગના મતદારો આ બેમાંથી એક ઉમેદવારના સમર્થનમાં છે.
ભાજપ અને ભાજપ વિરોધી પક્ષોએ ઉમેદવાર તો જાહેર કર્યા પણ હજુ સુધી બંનેમાંથી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. શુક્રવારે દ્રૌપદી મુર્મૂ ઉમેદવારી નોંધાવવાનાં છે ને એ સાથે જ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના જંગનો વાસ્તવિક રીતે પ્રારંભ થશે. આમ તો આ જંગ એકતરફી છે કેમ કે એનડીએને ઓડિશાના નવિન પટનાઈકે સમર્થન આપી દીધું છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજના મતોના આધારે થાય છે. આ મતોની ગણતરીમાં એક તરફ લોકસભા-રાજ્યસભાના સભ્યોના મતો હોય છે ને બીજી તરફ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મત હોય છે. રાજ્ય પ્રમાણે દરેક ધારાસભ્યના મતને વેઈટેજ અપાયું છે ને લોકસભા-રાજ્યસભાના સભ્યોના મતોને પણ વેઈટેજ અપાયેલું છે. આ વેઈટેજને સભ્યોની સંખ્યા સાથે ગુણીને ઈલેક્ટોરલ કોલેજના મતોનું મૂલ્ય નક્કી થાય છે.
આ વખતે ઈલેક્ટોરલ કોલેજમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી. આ કારણે ભાજપે એક-બે વિપક્ષો પાસે મદદ માગવી પડશે એવું લાગતું હતું પણ મુર્મૂની પસંદગી કરીને ભાજપે ઓડિશાના નવિન પટનાઈકને ભાજપ તરફ ખેંચી લેતાં એ તકલીફનો પણ અંત આવી ગયો છે.

દ્રૌપદી ઓડિશાનાં છે તેથી નવિને ‘ઓડિશા કે બેટી’ને જ મત આપવાનું એલાન કરી દેતાં ભાજપને બહુ ચિંતા રહી નથી. અત્યાર સુધી દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર કોઈ આદિવાસી સમુદાયના મહાનુભાવ આવ્યા નહોતા તેથી આદિવાસી મહિલા નેતા દ્રૌપદીની જીત સાથે દેશને પહેલાં આદિવાસી સમાજનાં રાષ્ટ્રપતિ મળશે એ નક્કી છે. અત્યાર સુધીમાં પ્રતિભા પાટીલ દેશનાં રાષ્ટ્રપતિ બનેલાં એક માત્ર મહિલા નેતા છે તેથી બીજાં મહિલા રાષ્ટ્રપતિ પણ મળશે.

દ્રૌપદીની પસંદગી કરીને ભાજપે અને ખાસ તો નરેન્દ્ર મોદીએ સરાહનિય કામ કર્યું છે તેમાં બેમત નથી. નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીના રસ્તે ચાલીને નવો ચિલો ચાતરી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી રાષ્ટ્રપતિપદની પહેલી ચૂંટણી ૨૦૦૨માં આવી હતી. એ વખતે વાજપેયીએ ડૉ. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પસંદ કરીને સૌને આંચકો આપી દીધેલો. ભાજપની છાપ હિંદુવાદી પાર્ટી તરીકેની છે ત્યારે એક મુસ્લિમને રાષ્ટ્રપતિપદે બેસાડીને વાજપેયીએ સાચા સેક્યુલારિઝમનો પરચો આપ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી પછી ભાજપ શાસનમાં આ બીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી આવી છે. પહેલી ચૂંટણી ૨૦૧૭માં આવી ત્યારે મોદીએ રામનાથ કોવિંદને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ભાજપની છાપ સવર્ણોના પક્ષ તરીકેની છે ત્યારે એક દલિત આગેવાનને પસંદ કરીને મોદીએ હકારાત્મક મેસેજ આપ્યો હતો.મોદીએ દેશનાં મોટા ભાગનાં લોકો જેમને ઓળખતાં જ નથી તેવા કોવિંદને આગળ કર્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયેલું પણ કોવિંદ યોગ્ય પસંદગી હતા તેમાં બેમત નથી. કોવિંદ દેશના રાષ્ટ્રપતિપદના હોદ્દા માટે ખરેખર લાયક સાબિત થયા છે તેમાં કોઈ શક નથી. કોવિંદ એકદમ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા ને તેમનું નામ કોઈ કોઠાં-કબાડાંમાં આવ્યું નહોતું.

ભારતમાં એકદમ ચોખ્ખો કહેવાય એવો રાજકારણી શોધવો બહુ મુશ્કેલ છે. બધા રાજકારણી લબાડ હોય એવું નથી પણ ઉચ્ચ હોદ્દા પર બેસનારા મોટા ભાગના રાજકારણીઓ એવા છે કે જેમનો પગ ક્યાંક ને ક્યાંક કુંડાળામાં પડ્યો જ હોય. આપણે ત્યાં જેની પાસે સત્તા છે ને પૈસો છે તેથી એ બધાં પાપ દબાઈ જતાં હોય છે ને તેમનું કોઈ કશું બગાડી નથી શકતું પણ મોટા ભાગના રાજકારણી ક્યાંક ને ક્યાંક ખરડાયેલા હોય જ છે. રામનાથ કોવિંદનું નામ ક્યાંય ખરડાયેલું નહોતું ને તેમની સામે કહેવા ખાતર પણ કહી શકાય તેવી કોઈ નકારાત્મક વાત નહોતી. એ વરસોથી રાજકારણમાં હોવા છતાં લોકોનું કરી નાખીને પોતાનું ઘર ભરવાની દેશવિરોધી પ્રવૃત્તિથી એ સાવ અલિપ્ત રહ્યા હતા.

બલકે ગાંઠનું ગોપીચંદન કરીને પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દીધીને તેમાંથી લોકોનાં કામો કરાવતા હતા. દિલ્હીમાં એ સાવ નાનકડા ફ્લેટમાં રહીને સાવ સાદગીપૂર્ણ જિંદગી જીવતા કોવિંદના રૂપમાં ભાજપે દેશને ગર્વ થાય એવા રાષ્ટ્રપતિ આપેલા.દ્રૌપદી મુર્મૂ વિશે પણ એવો દાવો કરી શકાય એમ છે. ઓડિશાનાં મહિલા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂ ભાજપના પાયાના કાર્યકરોમાં એક છે. લાંબા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં દ્રૌપદી કોઈ વિવાદોમાં સપડાયાં નથી કે ભ્રષ્ટાચારમાં ખરડાયાં નથી. ઓડિશામાં ભાજપ અને બીજેડીનું જોડાણ હતું ને નવિન પટનાઈક ભાજપની પંગતમાં હતા ત્યારે દ્રૌપદી નવિન પટનાઈક સરકારમાં મંત્રી પણ રહ્યાં છે.

દ્રૌપદીએ મંત્રી તરીકે પણ કદી એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનું બહાર નથી આવ્યું એ જોતાં દ્રૌપદી પણ લાયક ઉમેદવાર છે, દેશને ગર્વ થાય એવાં રાષ્ટ્રપતિ બનવાની તમામ લાયકાત અને ક્ષમતા ધરાવે છે. દ્રૌપદી મુર્મૂએ રાજકીય રીતે પણ કદી જેની ટીકા કરી શકાય એવાં નિવેદનો નથી આપ્યાં એ જોતાં તેમની રાજકીય કારકિર્દી અત્યંત ગૌરવપૂર્ણ છે.દ્રૌપદીની પસંદગી કરીને મોદીએ ભાજપને રાજકીય ફાયદાનો તખ્તો ગોઠવ્યો છે પણ તેમાં કશું વાંધાજનક નથી. રાજકીય પક્ષ પોતાના ફાયદા માટે સારા માણસને ઉચ્ચ હોદ્દા પર બેસાડે તો તેમાં કશું ખોટું નથી. ફાયદાની લાલચમાં પણ સારી વ્યક્તિ દેશના સર્વોચ્ચ હોદ્દા પર બેસતી હોય તો તેને આવકારવી જ જોઈએ.