રામ જન્મભૂમિ શિલાન્યાસ અને ભૂમિ પૂજનમાં ટ્રસ્ટે ઝાઝા નોંતરાં દઈ દીધા

નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન ને શિલાન્યાસ કરવાના છે. એક તરફ કોરોનાના કાળમાં આવો કાર્યક્રમ કરવો જોઈએ કે નહીં તેની ચોવટ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ કાર્યક્રમ જમાવવાની મથામણ ચાલી રહી છે. આ માહોલમાં ગુરૂવારે સમાચાર આવ્યા કે રામમંદિરના પૂજારી અને મંદિરની સુરક્ષામાં તહેનાત 16 પોલીસોને કોરોનાનો ચેપ લાગી ગયો છે. રામમંદિરના નિર્માણનું કામ શરૂ થવાનું છે તેથી રામલલ્લાની મૂર્તિને એક કામચલાઉ રીતે બનાવાયેલા મંદિરમાં રખાઈ છે. રામલલ્લાની પૂજા નિયમિત રીતે થાય એ જોવાની જવાબદારી આચાર્ય સતેન્દ્રદાસની છે. આચાર્યના ચાર શિષ્ય આ જવાબદારી નિભાવે છે ને જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે એ સાધુ પ્રતાપદાસ આ ચાર સાધુઓમાંથી એક છે.

હવે સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસને કારણે સાધુને ચેપ લાગ્યો કે સાધુને કારણે પોલીસને ચેપ લાગ્યો એ ભગવાન જાણે પણ આ ઘટનાના કારણે બધા ધંધે લાગ્યા છે ને દોડતા થઈ ગયા છે. સાધુ ને પોલીસને તો ઘરભેગા કરીને હોમ ક્વોરન્ટાઈન કરી જ દેવાયા છે પણ તેમના સંપર્કમાં આવેલા બીજા લોકોને શોધી શોધીને તેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી ને તેની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. આ પૈકી બીજા કેટલાને કોરોનાનો ચેપ લાગ્યો છે એ પણ કોણ જાણે પણ આ ખતરાની ઘંટડી છે. રામમંદિરના નિર્માણની જવાબદારી જેના માથે છે એ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અતિ ભૂમિપૂજન ને શિલાન્યાસ ને પ્રતીકાત્મક કરવાના બદલે ટોળું ભેગું કરવાનો જે ઉપાડો લીધો છે તેના કારણે હજારો લોકો ખતરામાં મુકાઈ શકે છે તેનો આ અણસાર છે.

મોદી આ ખતરાને સમજે છે તેથી એ પહેલાં તો અયોધ્યા જઈને ભૂમિપૂજન કરવા જ તૈયાર નહોતા. તેના બદલે વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યક્રમ કરવાનો તેમનો આગ્રહ હતો. મોદી બરાબર કહેતા હતા કેમ કે ચેતતા નર સદા સુખી. ખાલી સંપર્કમાં જ આવવાથી કોરોના ફેલાતો હોય તો એવું જોખમ લેવાની ક્યાં જરૂર ? મોદીની વાત મુદ્દાની હતી પણ ટ્રસ્ટના કારભારી ન સમજ્યા. આ વાત શ્રદ્ધાની છે એટલે મોદીએ પણ નમતું જોખીને હાજર રહેવાની છેવટે હા પાડી પછી ટ્રસ્ટના કારભારીઓએ સાવ પ્રતીકાત્મક રીતે કાર્યક્રમ પતાવવાની જરૂર હતી. તેના બદલે તેમણે બસો લોકોને નોંતરાં મોકલી દીધાં. એ લોકો હજુ આવ્યા નથી ત્યાં કોરોનાના કેસો આવવા માંડ્યા છે એ જોતાં કાર્યક્રમ સમયે ગમે તે થઈ શકે એ સંકેત આ ઘટનાએ આપ્યો છે.

આ ઘટના પછી ટ્રસ્ટે સમજી જવું જોઈએ કે, દેશના વડા પ્રધાન આવતા હોય એ આ કાર્યક્રમમાં મોટું ટોળું ભેગું કરવાની કે વણજોઈતો ખતરો ઊભો કરવાની જરાય જરૂર નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે આ કાર્યક્રમ માટે બસો લોકોને નોંતરાં આપ્યાં છે ને હવે તેના પર કાપ મૂકી દેવો જોઈએ કેમ કે દેશના વડા પ્રધાન પોતે આવે છે પછી બીજા માણસોની કંઈ જરૂર જ નથી. ટ્રસ્ટવાળા ભલે ઓછા માણસોને બોલાવ્યા છે એવી રેકર્ડ વગાડ્યા કરતા હોય પણ બસો માણસ ટોળું જ કહેવાય. મોદી સરકાર પોતે સત્તાવાર રીતે ધાર્મિક કાર્યક્રમ કરવાની મંજૂરી આપતી નથી ને મંદિરોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની જે વ્યાખ્યા કરે છે તેમાં એક સાથે દસ કરતાં વધારે માણસો ભેગા ન થવા જોઈએ એવું કહે છે. રામમંદિરના કાર્યક્રમને અપવાદ ગણીએ તો પણ તેમાં વધુમાં વધુ પચીસ માણસોને હાજર રાખી શકાય.

તેનાથી વધારેની જરૂર શું કરવા છે એ જ ખબર પડતી નથી. ને વાસ્તવમાં તો બસો લોકોને નોતરાં આપ્યાં છે એટલે બે હજાર લોકો તો રમતાં રમતાં થઈ જવાના એ જોતાં જોરદાર ટોળું જામવાનું જ છે. મોદી પોતે ભૂમિપૂજન ને શિલાન્યાસ કરવાના છે તેથી તેમની હાજરી જરૂરી છે. ધાર્મિક વિધિ કરાવવા માટે બે-પાંચ પંડિતો જોઈએ ને બધી વ્યવસ્થા જાળવવા બીજા પાંચ-સાત માણસો જોઈએ. એ સિવાય બીજા નમૂનાઓની ત્યાં જરૂર શું છે એ જ ખબર પડતી નથી. એ બધા શોભના ગાંઠિયાની જેમ બેસી રહેવા સિવાય કશું કરવાના નથી ત્યારે અયોધ્યામાં રામમંદિરના પ્રાંગણમાં જઈને બેસે કે ઘરે બેસે શો ફરક પડે ? કંઈ ફરક ન પડે. ઊલટાનું ગિરદી ઓછી થાય તો બધું શાંતિથી પાર પડે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે જેમને નોતરાં મોકલ્યાં છે એમાંથી મોટા ભાગનાં ખર્યાં પાન જેવા છે. લાલકૃષ્ણ અડવાણી ને મુરલી મનોહર જોશી જેવા ભાજપના જુના જોગીઓથી માંડીને શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી સુધીના અટધોઅડધ મહેમાનો તો એવા છે કે જે જીવનસંધ્યાએ પહોંચ્યા છે. એ બધા પરવારીને બેઠા છે ને આ કાર્યક્રમમાં એ લોકો આવે કે ન આવે, કશો ફરક પડવાનો નથી. ઊલટાનું એ લોકો આવા ભીડભાડવાળા કાર્યક્રમથી દૂર રહે તો કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઓછો થાય એ જોતાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે તેમની તો પહેલાં જ બાદબાકી કરી નાખવી જોઈએ. ટ્રસ્ટ આ રીતે ભીડ ભેગી કરીને અયોધ્યાના લોકોના જીવને પણ ખતરામાં મૂકી રહ્યું છે. આ વડીલોને બોલાવવામાં બીજો પણ ખતરો છે ને એ પણ ધ્યાનમાં નથી લેવાયો. અડવાણી, જોશી, શંકરાચાર્ય કે બીજું જે કોઈ આવે એ એકલા તો નથી આવવાના.

તેમની સાથે પણ નાનો-મોટો રસાલો તો આવવાનો જ છે. આ લોકોની સવલતો સાચવવા માટે કોઈની સાથે પરિવારના લોકો હશે તો કોઈની સાથે અંગત સ્ટાફ હશે. નેતાઓની સાથે સિક્યુરિટીવાળા હશે ને સાધુ-સંતોની સાથે ચેલાચપાટા હશે. બસો મહેમાનોને નોંતરાં મોકલાયાં છે એ જોતાં દરેક માણસ સાથે પાંચેક માણસો ગણીએ તો પણ વધારાના હજાર માણસ ઠલવાશે. આ બધા દેશના જુદા જુદા ભાગોમાંથી આવવાના ને અયોધ્યામાં જ ધામા નાખવાના. મોદી આ કાર્યક્રમમાં આવવાના છે તેથી આખા દેશના વિદેશી મીડિયાના લોકો પણ અહીં ઠલવાશે. ટીવી ચેનલોના રિપોર્ટરો, કેમેરામેન, બીજો સ્ટાફ, ફોટોગ્રાફર વગેરે પણ મોટા પ્રમાણમાં આવવાના. તેમની સંખ્યા કેટલી હશે એ તો કહી શકાય એમ પણ નથી. આ રીતે ઠેર ઠેરથી બહારથી આવેલા આ લોકોના કારણે અયોધ્યાના લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધી જશે.

મોદીની વ્યવસ્થા કરવા માટે પણ તેમનો સ્ટાફ તેમની સાથે હશે. મોદી આવવાના છે તેથી તેમની સાથે મસમોટો કાફલો રહેવાનો. મોદીના પર્સનલ સ્ટાફથી માંડીને સિક્યુરિટી સ્ટાફ સુધીના કમ સે કમ પચાસેક માણસો હશે જ. મોદીની સલામતી માટે એ બધા જરૂરી છે તેથી તેમને ના ન પાડી શકાય પણ બીજા બધા શોભાના ગાંઠિયાઓને કારણે અયોધ્યાવાસીઓને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધે એ ઠીક ન કહેવાય. આ બધા કહેવાતા વીઆઈપીઓના આગમનના કારણે પોલીસનો પણ મોટા પ્રમાણમાં ખડકલો થવાનો. આ પોલીસ પણ ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાંથી આવેલી હશે ને તેમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગેલો હશે તો પણ બધાને ચેપ લાગશે. ટ્રસ્ટે આ સ્થિતિ વિશે વિચારવું જોઈએ ને મોદી સિવાયના બાકીના લોકોને કોરાણે જ મૂકવા જોઈએ. જેમની હાજરી મહત્ત્વની જ નથી એ લોકોના કારણે ભગવાન રામની જન્મભૂમિનાં લોકો પર ખતરો ઊભો કરવાનો કોઈ અર્થ નથી.

રામજન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ ઐતિહાસિક ઘટના છે. બહુ લાંબી લડાઈ પછી દેશના હિંદુઓને ભગવાન રામની જન્મભૂમિમાં મંદિર બનાવવાની તક મળી છે. આ પ્રશ્ન શ્રદ્ધાનો છે ને દેશના કરોડો હિંદુઓની લાગણીઓને સ્પર્શે છે તેથી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે સામાન્ય સંજોગોમાં ગમે તેવો મોટો જલસો કર્યો હોત તો કોઈને વાંધો નહોતો પણ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં તો બસો માણસ પણ સાવ બિનજરૂરી છે ને સંખ્યા ડંખે એવી છે. આ કાર્યક્રમમાં મોદી આવવાના છે તેથી તેને જોરદાર પબ્લિસિટી મળી જ રહી છે. મોદી ભૂમિપૂજન ને શિલાન્યાસ કરશે એ આખા કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. અત્યારે તો સોશિયલ મીડિયાનો પ્રભાવ છે તેથી લોકોએ ટીવી પર પણ એ બધું જોવાની જરૂર નથી.

જ્યાં બેઠા હશે ત્યાં મોબાઈલ પર આ કાર્યક્રમ જોઈ શકશે. આ રીતે કરોડો લોકો આ કાર્યક્રમના સાક્ષી બનશે. જે રીતે દેશના કરોડો લોકો આ કાર્યક્રમ ઘેરબેઠાં જોશે એ રીતે ટ્રસ્ટે નોંતરેલા મહેમાનો પણ તેના સાક્ષી બની શકે. આ સંજોગોમાં તેમને બોલાવવાની જરૂર જ નથી. ટ્રસ્ટ પાસે હજુ સમય છે એ જોતાં એ પોતાની ભૂલ સુધારી શકે છે. હજુ કાર્યક્રમ આડે થોડા દિવસ બાકી છે ત્યારે ટ્રસ્ટ જાગ્યા ત્યાંથી સવાર કરીને જેમને નોંતરાં મોકલ્યાં છે એ બધાંની માફી માગીને તેમને નહીં પધારવા વિનંતી કરી દે તો બધું સુખરૂપ થઈ જશે, ભગવાન રામના મંદિરનું ભૂમિપૂજન ને શિલાન્યાસ નચિંત બનીને કરી શકાશે.