રામ મંદિરની જેમ જ બાબરી ધ્વંસનો ચૂકાદો પણ દેશમાં સર્વસ્વીકૃત બન્યો

અયોધ્યા અને બાબરી મસ્જિદ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર જેવાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલાં ભાજપનાં નેતાઓ ઉપરાંત સાધ્વી ઋતંભરા, ચંપતરાય બંસલ, મહંત નૃત્ય ગોપાલ દાસ, વિષ્ણુહરિ દાલમિયા, રામવિલાસ વેદાંતી, બૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી, સતિષ પ્રધાન સહિતના હિંદુવાદી સંગઠનોના ધુરંધરો સહિત કુલ 53 આરોપી હતા ને તેમાંથી 32 હયાત છે. આ બધાંએ 6 ડિસેમ્બર, 1992ની કારસેવાના આગલા દિવસે વિનય કટિયારના ઘરે ભેગા થઈને બાબરી મસ્જિદને ભોંયભેગી કાવતરું ઘડેલું એવો આરોપ હતો.

સીબીઆઈનું કહેવું હતું કે અડવાણી, જોશી વગેરેએ પહેલાંથી નક્કી કરી રાખેલું કે બાબરી મસ્જિદનું કામ આજે તમામ કરી નાખવું ને એ મનસા પાર પાડવા તેમણે કારસેવકોને એટલા ઉશ્કેર્યા કે બધા રાજાપાઠમાં આવી ગયા ને મસ્જિદનું રામ બોલો ભાઈ રામ કરીને ત્યાં સપાટ મેદાન કરી દીધું ને તાબડતોબ કામલાઉ નાનકડું રામમંદિર ઊભું કરી દીધું. સીબીઆઈના આરોપ પ્રમાણે બાબરી મસ્જિદ તૂટી તેના આગલા દિવસે જ કારસો કરીને આ આખો કાર્યક્રમ તૈયાર કરી નખાયેલો.

લખનૌની સીબીઆઈ કોર્ટે આ આરોપોને ખોટા ગણાવીને બધાંને છોડી મૂક્યા. હિન્દી ફિલ્મોની ભાષામાં કહીએ તો બાઈજ્જત બરી કરી દીધા. આમ તો અયોધ્યા વિવાદનો ચુકાદો હિંદુઓની તરફેણમાં આવ્યો એ દિવસે જ નક્કી થઈ ગયેલું કે, બાબરી મસ્જિદને લગતા કોઈ કેસમાં કસ રહ્યો નથી ને અડવાણી, જોશી સહિતના ધુરંધરોનો છૂટકારો થઈ જશે. આ સંજોગોમાં સીબીઆઈ કેસનો ચુકાદો એક ટેકનાલિટીથી વધારે કંઈ નથી કેમ કે બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કશું બચ્યું નહોતું.

રામ જન્મભૂમિ મંદિરના જમીન વિવાદનો ચુકાદો તો હમણાં આવ્યો, પણ બાબરી ધ્વંસનો કેસ તો વરસો પહેલાં જ કોર્ટમાં ચાલતો એક કેસ બનીને રહી ગયેલો. કોર્ટ ચુકાદો આપે તેની ફોર્માલિટી જ બાકી રહી ગઈ હતી. આપણે ત્યાં ન્યાયતંત્ર ક્યારેક જોરદાર આશ્ચર્ય ને આઘાત પણ આપી દે છે. આ કેસમાં પણ એવું બને તેનો એક ટકા ચાન્સ હતો જ પણ સદનસીબે એવું થયું નહીં ને કોર્ટે ઘીના ઠામમાં ઘી પડી રહે એવો ચુકાદો આપીને પ્રકરણ પૂરું કરી નાખ્યું.

સીબીઆઈ કોર્ટનો આ ચુકાદો દેશના ફાયદામાં છે તેમાં શંકા નથી કેમ કે કોઈ આડોઅવળો ચુકાદો આપીને દેશમાં કોમી તણાવનો માહોલ પેદા કરવામાં જરાય શાણપણ નથી. હવે બાબરી મસ્જિદનું અસ્તિત્વ નથી ત્યારે તે કોણે તોડી તેની પંચાત કરવી એ કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું છે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદની તરફેણમાં ચુકાદો આપ્યો હોત ને ફરી એ સ્થળે મસ્જિદ ઊભી કરવા કહ્યું હોત તો અલગ વાત હતી પણ એવું થયું નથી. સુપ્રીમ કોર્ટ એ કરી શકે તેમ નહોતી કેમ કે સવાલ દેશનાં કરોડો લોકોની લાગણીનો હતો. આ જ વાત બાબરી ધ્વંસને પણ લાગુ પડે છે. બાબરી મસ્જિદ તોડનારાંને સજા કરવા જતાં લોકો ભડકે જ તેથી સીબીઆઈ કોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો છે.

આ સંજોગોમાં બાબરી ધ્વંસના ચુકાદા વિશે કશું કહેવા જેવું રહ્યું નથી પણ આ ચુકાદાએ આઝાદ ભારતના ઈતિહાસના સૌથી ચર્ચિત પ્રકરણની યાદ તાજી કરી દીધી. બલકે દેશના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયેલા એક યુગને જીવંત કરી દીધો. સાથે સાથે કહેવાતા હિંદુવાદી નેતા કેવા માટીપગા સાબિત થયેલા એ યાદ પણ તાજી કરી દીધી. અત્યારે સત્યનો વિજય થયો છે ને એવી બધી વાતો કરતા ભાજપ ને હિંદુવાદી સંગઠનના નેતાઓ બાબરી તૂટી ત્યારે સાવ પાણીમાં બેસીને ભાગવા માંડેલા એ વાતની યાદ પણ તાજી થઈ ગઈ.

રામમંદિર ઝુંબેશ વખતે વીએચપીનો જોરદાર દબદબો હતો. વિશ્વ હિંદુ પરિષદે રામમંદિરના નામે લોકોમાં જોરદાર ઉન્માદ પેદા કરી દીધેલો. વિશ્વ હિંદુ પરિષદના અસલી ચહેરા વિશે કોઈને ખબર નહોતી ને લોકો માનતા કે, હિંદુઓનું ભલું કરવા માટે આ સંગઠન મેદાનમાં આવ્યું છે. એ વખતે વિહિપના એક બોલ પર લાખો યુવાનો ઉમટી પડતા ને હિંદુત્વની જબરદસ્ત લહેર આખા દેશમાં ઊભી થયેલી. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ જે પણ કાર્યક્રમ આપે એ બધા બ્લોકબસ્ટર બની જતા. રાતોરાત ઉગ્ર હિંદુવાદી નેતા પેદા થઈ ગયેલા ને તેમનાં ભાષણો સાંભળીને લોકો વારી જતાં.

હિંદુવાદી નેતાઓનાં ભાષણથી હિંદુઓની નસોમાં વહેતું લોહી ઉછાળા મારવા માંડતું ને આ દેશમાં હવે હિંદુત્વ સિવાય કશું નહીં ચાલે એવું જ લાગતું હતું. હિંદુત્વના નામે દુકાન ચલાવતા ઘણા નેતાને ભાજપે પડખામા લીધેલા ને એ બધા ભાજપમાં મોટા ભા થઈ ગયેલા. સાધ્વી ઋતંભરા, યોગી આદિત્યનાથના ગુરૂ મહંત અવૈદ્યનાથ, ઉમા ભારતી, સાક્ષી મહારાજ વગેરેનો એ સમયે ભારે દબદબો હતો. આ બધા નેતા હિંદુત્વના પ્રતિક મનાતા હતા. ‘ખૂન સે તિલક કરો, ગોલિયોં સે આરતી’ ને ‘કસમ રામ કી ખાતે હૈં, મંદિર વહીં બનાયેંગે’ જેવાં સૂત્રો હવામાં હતાં.

વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં ઘણી વાર કારસેવાનાં એલાન આપેલાં પણ બે કારસેવા બહુ પ્રચલિત થઈ. પહેલી 6 નવેમ્બર 1990ની કારસેવા કે જ્યારે મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવીને અયોધ્યાની ભૂમિને રક્તરંજિત કરી હતી. એ પછી 6 ડિસેમ્બર, 1992 ના રોજ અપાયેલા કારસેવાના એલાન વખતે બાબરી મસ્જિદને ધ્વંસ કરી દેવાયેલી. એ વખતે ભાજપના કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ને તેમણે કારસેવકોને મોકળું મેદાન આપ્યું તેમાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ કરીને વિવાદાસ્પદ સ્થળે મેદાન બનાવી દેવાયેલું.

બાબરી ધ્વંસનું કાવતરું નહોતું ઘડાયું એવું કોર્ટે જ કહી દીધું છે તેથી કશું કહેવાનું રહેતું નથી, પણ બાબરી ધ્વંસ માટે ભાજપ અને હિંદુવાદી સંગઠનોના નેતાઓ જવાબદાર હતા તેમાં શંકા નથી. ભાજપના લાભાર્થે વિહિપ સહિતનાં સંગઠનોએ રામમંદિરના મુદ્દાને બરાબરનો ભડકાવીને કારસેવાના નામે અયોધ્યામાં લાખો લોકોને ખડકી દીધેલાં. તેમાં બીજાં હિંદુવાદી સંગઠનોના નેતાઓ ને શિવસૈનિકો પણ હતા. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતની ભાજપની એ વખતની કહેવાતી બધી તોપો હાજર હતી. એ બધાંએ જોરદાર ભાષણબાજી કરી ને તેમાં કારસેવકોને શૂર ચડી ગયું. જોરદાર હઈસો હઈસો ચાલ્યું તેમાં બાબરી મસ્જિદને જમીનદોસ્ત કરી દેવાઈ.

આ બધા નેતાઓ મસ્જિદ તૂટે એમ ઈચ્છતા જ હતા તેથી પહેલાં તો સૌને લાગ્યું કે જે થયું એ સારું થયું. ભલું થયું ભાંગી જંજાળ. બાબરી તૂટી પછી એ બધા ખુશ હતા ને બહુ મોટી જીત મેળવી હોય એવો માહોલ અયોધ્યામાં પેદા કરી દેવાયેલો પણ જેમ જેમ મીડિયામાં બાબરી ધ્વંસના સમાચાર પ્રસરતા ગયા ને રિએક્શન આવતા ગયાં તેમ તેમ આ નેતાઓના મુંઝાઈ ગયા હતા. બલ્કે તેમની ફેં રીતસરની ફાટી ગઈ. નરસિંહરાવની સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સહિતની ભાજપની ચાર સરકારોને સસ્પેન્ડ કરી ને બાબરી ધ્વંસ માટે ફોજદારી કેસ દાખલ કર્યો તેમાં આ બધા ધુરંધરો સાવ બધા ફફડી ગયા ને બાબરી મસ્જિદ ધ્વંસની જવાબદારી લેવા કોઈ તૈયાર નહોતું. આ કેસમાં જેલમાં જવાનું આવે તો કારકિર્દી પૂરી થઈ જાય એટલે બધા હાથ ખંખેરીને ઊભા થઈ ગયેલા. એ વખતે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેએ ડંકે કી ચોટ પર કહેલું કે, બાબરી મસ્જિદ મારા શિવસૈનિકોએ તોડી હોય તો તેનો મને ગર્વ છે ને એ માટે મારા પર કેસ કરવો હોય તો કરો. અમે કોઈનાથી ડરતા નથી. બાળાસાહેબે જે ભાષામાં વાત કરી એ મરદની ભાષા હતી.

આ કેસમાં પહેલી એફઆઈઆર નોંધાઈ તેમાં હજારો કારસેવકોને આરોપી બતાવાયેલા. પછીથી અડવાણી, જોશી સહિતના નેતાઓને ઉશ્કેરણી કરવા બદલ આરોપી બતાવાયેલા. એ લોકોએ પહેલાંથી જ હાથ અધ્ધર કરી દીધેલા ને જાહેર કરેલું કે, અમે કોઈ ઉશ્કેરણી કરી નથી. બાબરી ધ્વંસનો કેસ એ પછી ચાલ્યો ત્યારે પણ આ ધુરંધરો ભાગતા જ ફરતા હતા. 1998માં કેન્દ્રમાં ભાજપની સરકર આવી પછી તો કાવતરાનો કેસ પણ કાઢી નખાયેલો. એ મુદ્દે પાછો લાંબો કાનૂની જંગ ખેલાયો ને છેવટે 2017માં પાછી કાવતરાની કલમો ઉમેરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં આ કેસ પાછો ચાલ્યો ને હવે ચુકાદો આવ્યો. આ ચુકાદા સામે બાબરી મસ્જિદ એક્શન કમિટીએ ઉપલી અદાલતમાં જવાનું એલાન કર્યું છે પણ તેનો મતલબ નથી. સુપ્રીમ કોર્ટના રામ જન્મભૂમિ મંદિરની જમીન અંગેના ચુકાદાને પણ પડકારાયેલો પણ કશું ટક્યું નહોતું. આ જ હાલત આ કેસમાં પણ થવાની છે. હવે સત્તાનાં સમીકરણ બદલાયાં છે ત્યારે તો બીજા કોઈ ચુકાદાની આશા રખાય પણ નહીં પણ આ ચુકાદો પણ યોગ્ય છે ને દેશના હિતમાં પણ છે.