રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શક્યતા

કેવડિયા ખાતે ૩૧મી ઓક્ટોમ્બરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. ૩૧ ઓક્ટોબર દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. સરદાર પટેલની જન્મ જયંતિની કેવડિયા રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ૩ વર્ષ પુરા થઈ રહૃાા છે. જેને પગલે સરદારની આ જન્મ જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ૩૧ ઓક્ટોબર ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે એવું સૂત્રો જણાવી રહૃાા છે.

આગામી ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી કેવડિયા ખાતે ઉપસ્થિતિ રહેશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. સૂત્રો અનુસાર પીએમ મોદીના આગમનવને લઇ કાર્યક્રમની તૈયારી અંગે ગૃહ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ૧૯ ઓગસ્ટના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાશે. બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા નિગમ, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહેશે ત્યાં જ જિલ્લા કલેકટર અને એસપી ઓનલાઇન આ બેઠકમાં જોડાશે.

કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી થશે. હાલની સ્થિતિ જોતા કાર્યક્રમનું કદ નાનુ રહે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન કેન્દ્રીય દળોની એકતા પરેડ અને લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાશે.