રાહુલ ગાંધીના આગમન સાથે હવે અમરવલ્લીમાં ચૂંટણીનો રંગ જામશે

હિમાચલ પ્રદેશ પછી હવે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે અને હવે તો ખંભાળીયાથી આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી લડવાના હોવાથી દ્વારકા જિલ્લો કે હાલાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનું લક્ષ્ય ખેંચાયુ છે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ ઘણો જ રસાકસી ભર્યો બનશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાહુલ ગાંધી અમરેલી આવી રહ્યા છે એટલે હવે અમરવલ્લીમાં ચૂંટણીનો અસલી રંગ જામશે.

રાજનીતિમાં ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે. જાહેર થયેલા ઉમેદવારો રાતોરાત બદલી પણ શકે છે અને છેક વર્ષ ૧૯૯૮  થી ભાજપમાંથી ચૂંટણી લડીને જીતી રહેલા મધુ શ્રીવાસ્તવ જેવા દબંગ નેતાઓને ટિકિટ નહીં મળતા પાર્ટીને રામ રામ કરીને અપક્ષ કે અન્ય કોઈપણ પક્ષમાંથી લડવાની જાહેરાત પણ કરી શકે છે. તો બીજી તરફ ટિકિટ કપાવા છતાં ભાજપમાં જ રહીને વફાદારી પણ ઘણાં નેતાઓ બતાવી રહ્યા છે. આવું જ કોંગ્રેસમાં પણ બની રહ્યું છે. ગુજરાતમાં ત્રીજા પરિબળ તરીકે તાકાત દેખાડીને ગુજરાતની સત્તા હાંસલ કરવાનો દાવો કરી રહેલ આમ આદમી પાર્ટી પણ ગુજરાતના મતદારોના ત્રાજવે તોલાવા જઈ રહી છે. ત્યારે હવે પછી નો ચૂંટણી પ્રચાર ઘણો જ આક્રમક, તેજ અને રસપ્રદ બનવા જઈ રહ્યો છે.

ચૂંટણીઓના ચક્રવ્યૂહ અને પ્રચારના ઘોંઘાટ તેમ જ ઉમેદવારોની પસંદગી, નારાજગી, બળવા, રિસામણા, મનામણા, જ્ઞાતિ-સમાજના સમીકરણો અને ડ્રેનેજ તથા તેના કંટ્રોલના અહેવાલોની આંધીમાં કેટલાક બિનરાજકીય અને જનહિતના તેમજ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમો, નિવેદનો અને અભિપ્રાયો-મંતવ્યો દબાઈ જતા હોય છે. અથવા તેના તરફ લોકોનું ધ્યાન ઓછું ખેંચાતું હોય છે. તાજેતરના કેટલાક વૈશ્વિક સર્વેક્ષણો, આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો તેમજ અર્થકારણ-માર્કેટીંગ અને વિવિધક્ષેત્રના મહત્ત્વના નિવેદનો કે રિપોર્ટ્સ પણ ચૂંટણીના પ્રચારના કારણે ચર્ચામાં આવતા હોતા નથી, અથવા તેની ચર્ચા ઓછી થતી હોય છે. જો કે, જો તેમાં ચૂંટણી પ્રચારની દૃષ્ટિએ ફાયદો થતો હોય તો એ પ્રકારના નિવેદનો કે અહેવાલોને અચાનક ઉછાળવામાં પણ આવતા હોય છે.

તાજેતરમાં અદાલતી ક્ષેત્રોના કેટલાક ચુકાદાઓ, સુનાવણીઓ તથા તે દરમિયાન ન્યાયવિદેની ટકોરોના કેટલાક અહેવાલો લોકોમાં ખૂબજ ચર્ચાયા હતાં. તેમાં પણ તાજેતરમાં નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીસ યુ.યુ.લલિતે અદાલતોમાં પેન્ડીંગ કેસોના નિકાલ માટે અપનાવેલા ઝડપી અભિગમ તેમજ તેના અનુભવી ચીફ જસ્ટીસ ચંદ્રચૂડે પણ અદાલતોમાં કેસોનો ભરાવો ઘટાડવા તથા તદ્દન બિન્ જરૃરી કેસો પ્રત્યે કડક વલણ અપનાવવાના જે સંકેતો આપ્યા છે, તે ઘણાં જ લોકપ્રિય બની રહ્યા છે.

તાજેતરમાં નવા નિમાયેલા ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડને તો ન્યાયના સંસ્કાર વારસામાં જ મળ્યા છે, અને તેઓના પિતા વાય.બી.ચંદ્રચુડ પણ લાંબા સમય સુધી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. તેઓની કારકીર્દિ પણ ઘણી જ પથદર્શક રહી હતી અને દેશના ન્યાયતંત્રને વધુ મજબૂત્ બનાવવા તથા ન્યાયક્ષેત્રને લોકલક્ષી અને પારદર્શક બનાવવા માટેના તેઓના પ્રયાસો પણ જે-તે સમયે વખણાયા હતાં. તેમના પુત્ર પણ દેશના ચીફ જસ્ટીસ બન્યા છે , તેથી એક ઈતિહાસ પણ સર્જાયો છે.

ચિફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદો કોઈ માટે દમનકારી નહીં પણ સમાધાનકારી અને ન્યાયિક હોવો જોઈએ, તેમણે કહ્યું કે લોકો પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખવી એ સારી વાત છે, પરંતુ આપણે સંસ્થા તરીકે કોર્ટની મર્યાદાઓ અને ક્ષમતાઓને પણ સમજવી પડે. તેઓએ એક સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલમાં મહિલાઓને કાયદાની વ્યવસ્થામાં પ્રવેશ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે યોગ્ય નથી અને આ માટે કાયદાના વ્યવસ્થાનું માળખું (સ્ટ્રકચર) બદલવું પડે તેમ છે. આપણે એ વાત સમજવી પડે તેમ છે કે ન્યાયતંત્ર એ ફીડીંગ પુલ છે. જે કાયદાના વ્યવસાયમાં કોણ પ્રવેશી શકે, તે નક્કી કરે છે, તેથી ન્યાયપાલિકામાં  મહિલાઓની સહભાગિતા વધારવા તેઓને જવાબદારીઓ સંભાળવા આપણે રસ્તો કરી આપવો પડે.

આ નિવેદન દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે કાયદો ઘડનારાઓ અને તેનો અમલ કરનારાઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કાયદો કોઈને દબાવવા માટે નથી પરંતુ લોકોને ન્યાય અપાવવા માટે છે. તેમણે કહ્યું કે બ્રિટિશ શાસનકાળમાં અંગ્રેજો દ્વારા જે રીતે કાયદાનો દૂરપયોગ થતો હતો, તેવો અત્યારે ન થવો જોઈએ. આપણે અંગ્રેજો દ્વારા થયેલો કાયદાનો દૂરૃપયોગ શાળા-કોલેજોમાં ભણતા આવ્યા છીએ, અને તેવું હવે ન બને તે જોવાની જવાબદારી આપણી સૌની છે.

આપણે કાયદાનો ઉપયોગ ન્યાય અપાવવા માટે જ કરીએ, તે આપણી સૌની ફરજ બને છે, તેમ જણાવી તેઓએ એ વાત પર ભાર મૂક્યો કે આ જવાબદારી ફકત ન્યાયતંત્ર કે ન્યાયાધીશોની નહીં, પરંતુ સૌ કોઈની છે. જો કોઈપણ સ્થળે, સમાજના કોઈ પણ હિસ્સામાં કે વર્ગમાં વધારે પડતો અન્યાય થતો હોય ત્યારે વંચિતોને ન્યાય અપાવવાની સૌની ફરજ બને છે. દેશના ચિફ જસ્ટીસના આ નિવેદનમાંથી બે સંદેશ સ્પષ્ટ રીતે પ્રસ્તૂત થાય છે. એક તો ન્યાયતંત્ર એટલે કે કાયદાની વ્યવસ્થામાં મહિલાઓની સહભાગિતા વધે, તેવા પ્રયાસો વધારવાની જરૂર છે, અને બીજો સંદેશ એવો છે કે કાયદાઓનો અમલ માત્ર ‘ન્યાય’ માટે જ થવો જોઈએ, અને અંગ્રેજોની સલ્તનતે ભૂતકાળમાં જેવી રીતે લોકોને દબાવવા માટે કાયદાનો દૂરુપયોગ કર્યો હતો તેમ હવે થવો ન જોઈએ.