રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનાાવો તો ટીમની તાકાત વધશે

યુએઈ અને ઓમાનમાં ટી ૨૦ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. યુએઈ અને ઓમાનમાં રવિવાર ને ૧૭ ઓક્ટોબરથી શરૂ થયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં કુલ ૧૨ ટીમો રમવાની છે. આ પૈકી ટેસ્ટ ક્રિકેટ રમતા ૮ દેશો ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાને સીધો પ્રવેશ મળ્યો છે જ્યારે બાકીની ચાર ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડના આધારે નક્કી થશે. ચાર-ચાર ટીમનાં બે ગ્રુપ વચ્ચે ક્વોલિફાઈંગ મેચો રમાશે. બાંગલાદેશ અને શ્રીલંકા એ બે ટેસ્ટ ક્રિકેટ રમતા દેશોએ ક્વોલિફાય થવા આ રાઉન્ડમાં રમવું પડશે. આ રીતે બંને ગ્રુપમાંથી બે-બે ટીમ પસંદ થશે.

રવિવારે ઓમાન વર્સીસ પપુઓ ન્યુ ગિની અને સ્કોટલેન્ડ વર્સીસ બાંગલાદેશની મેચથી વર્લ્ડ કપના આ ૮ ટીમો વચ્ચેના ક્વોલિફાઈંગ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આ વાંચતા હશો ત્યારે બંને મેચનાં પરિણામ ખબર પડી ગયા હશે. એક અઠવાડિયા લગી આ ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાશે ને પછી સુપર ટ્વેલ્વનો અસલી જંગ શરૂ થશે. ભારત તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી કરશે. પાકિસ્તાન અને ભારત કટ્ટર હરીફ છે તેથી આ મેચ પહેલાં ભારે ઉત્તેજનાનો માહોલ છે. ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદી હાર્યું નથી ને આ રેકોર્ડ આ વખતે તૂટશે કે નહીં એ મુદ્દો ચર્ચામાં છે.  ટીવી ચેનલો પર અત્યાર પમૌકા, મૌકાથ એડ ફરી ધૂમ મચાવી રહી છે ને માહોલ જામી રહ્યો છે.

ભારત ૨૦૧૧માં વન-ડેનો વર્લ્ડકપ જીત્યું પછી છેલ્લા એક દાયકામાં કોઈ મોટી સ્પર્ધા નથી જીત્યું. વિરાટ કોહલી ભારતને વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા જીતાડી શકતો નથી એવું પણ કહેવાય છે. આ વખતે કોહલી ભારતને ચેમ્પિયન બનાવીને એ મહેણું ભાંગશે કે નહીં તેની પણ ચર્ચા છે. કોહલી ટી-૨૦ વર્લ્ડકપ પછી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું નેતૃત્વ કરવાનો નથી તેથી કોહલીનો કેપ્ટન તરીકે આ છેલ્લો ટી-૨૦ વર્લ્ડકપ છે. કોહલી ભારતને ચેમ્પિયન બનાવીને વટભેર વિદાય લે છે કે પછી વિરાટ કોહલી ભારતને વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા જીતાડી શકતો નથી એ મહેણું સાંભળ્યા કરવું પડે એ રીતે વિદાય લે છે તેના પર સૌની નજર છે.

કોહલીની જેમ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની વિદાયના પણ ભણકારા વાગી રહ્યા છે ને શાસ્ત્રીના સ્થાને હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ આવશે એવી પણ વાતો છે. બોર્ડ શાસ્ત્રીને ટી-૨૦ વર્લ્ડકપ પતે પછી વિદાય આપવાનું નક્કી કરીને બેઠું છે. શાસ્ત્રીના બદલે કોને લાવવો એ મુદ્દે લાંબા સમયથી ઘમ્મરવલોણું ચાલે છે ને બોર્ડની નજર અંતે દ્રવિડ પર ઠરી હોવાનું કહેવાય છે. બોર્ડ હેડ કોચની જગા ભરવા અરજીઓ મગાવે છે પણ દ્રવિડ આ રીતે અરજી કરીને કોચ બનવા તૈયાર નહોતો. પોતે અરજી કરે ને પસંદ ના થાય તો બેઈજ્જતી થાય. દ્રવિડ જેવો મહાન ક્રિકેટર ક્ષુલ્લક લાભ માટે એવી બેઈજ્જતી કરાવવા તૈયાર ના જ થાય તેથી અરજી નહોતો કરતો.

દ્રવિડે અંગત કારણોને આગળ ધરીને ના પાડેલી. હાલમાં દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીનો ડિરેક્ટર હોવાથી પોતાના હોમ ટાઉન બેંગલુરુમાં જ રહે છે. તેના કારણે પરિવાર સાથે જ રહે છે ને જલસા કરે છે. પરિવારને વધુ સમય આપીને જલસા ચાલુ રાખી શકાય એ માટે પોતે હેડ કોચ બનવા તૈયાર નથી એવું કારણ આપીને દ્રવિડે નનૈયો ભણેલો પણ મૂળ કારણ અરજી કરીને શરમજનક સ્થિતિમાં મૂકાવાની તૈયારી નહોતી એ હતું. બોર્ડે તેને સામેથી બોલાવીને સમજાવ્યો છે ને અરજીની ઔપચારિકતા પૂરી કરે તો તેને જ હેડ કોચ બનાવવાની ખાતરી આપતાં દ્રવિડ અરજી કરવા તૈયાર થયો હોવાનું કહેવાય છે. બોર્ડે દ્રવિડને આઈપીએલની ફાઈનલ વખતે સામેથી યુએઈ બોલાવ્યો હતો. એ વખતે જ દ્રવિડને હેડ કોચ બનાવવાનો તખ્તો ગોઠવાઈ ગયેલો એવું કહેવાય છે.

આ વાતોમાં કેટલું સત્ય છે એ ખબર નથી પણ દ્રવિડને ખરેખર ભારતીય ટીમનો હેડ કોચ બનાવાશે તો તેમાં ભારતીય ક્રિકેટનું ભલું જ છે.  ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ક્રિકેટને સંપૂર્ણ સમર્પિત જે ક્રિકેટરો આવ્યા તેમાં એક રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમમાં એક સમયે સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, જવગલ શ્રીનાથ, અનિલ કુંબલે, વેંકટેશ પ્રસાદ વગેરે ક્રિકેટરોની આખી ફોજ હતી કે જેમને ક્રિકેટ સિવાય કશામા રસ નહોતો. દ્રવિડ પણ એ ક્રિકેટરોમાં એક હતો. તેની રગ રગમાં ક્રિકેટ છે ને ક્રિકેટ સિવાય બીજું કંઈ એ વિચારતો જ નથી તેથી તેના જેવો ક્રિકેટર હેડ કોચ બને તો ટીમનું ભલું જ થશે.

દ્રવિડનો કોચ તરીકેનો રેકોર્ડ જોતાં પણ તે ટીમનો હેડ કોચ બનવા માટે સૌથી લાયક છે તેમાં શંકા નથી. દ્રવિડે ભારતની અંડર ૧૯ ક્રિકેટ ટીમના કોચ તરીકે બજાવેલી કામગીરીના કારણે તેની કોચ તરીકેની ક્ષમતાનો સિક્કો વાગી જ ગયેલો છે. દ્રવિડ કોચ હતો ત્યારે ૨૦૧૮માં આપણી અંડર ૧૯ ટીમ વર્લ્ડકપ જીતી હતી. આ વર્લ્ડકપની જીતનું શ્રેય ભારતીય ક્રિકેટરોને જાય છે તેના કરતાં વધારે રાહુલ દ્રવિડને જાય છે કેમ કે ભારતની અંડર ૧૯ ક્રિકેટ વર્લ્ડકપના કોચ તરીકે રાહુલ દ્રવિડે બહુ મહેનત કરી હતી. દ્રવિડે શૂન્યમાંથી સર્જન કરેલું ને  આ મહેનતના કારણે ભારત ચેમ્પિયન બન્યું છે એમ કહીએ તો ચાલે.

રાહુલ દ્રવિડને ૨૦૧૮ના વર્લ્ડકપના દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬માં ભારતની અંડર ૧૯ ક્રિકેટ ટીમનો કોચ બનાવાયો ત્યારે ભારતની અંડર ૧૯ ક્રિકેટ ટીમની હાલત બહુ ખરાબ હતી. ભારત ૨૦૧૨માં અંડર ૧૯ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું હતું પણ એ પછીના બે વર્લ્ડકપમાં ભારતને સફળતા નહોતી મળી. ભારતની ટીમ ખરાબ રીતે હારતી હતી કેમ કે યુવા ટેલેન્ટને શોધીને ટીમમાં લેવડાવવાની દૃષ્ટિ જ કોઈની પાસે નહોતી. આ સંજોગોમાં રાહુલના માથે ભારતને ફરી વર્લ્ડકપ જીતાડી શકે તેવી ટીમ બનાવવાની જવાબદારી હતી. રાહુલે એ જવાબદારી સારી રીતે નિભાવી અને ભારતને ચેમ્પિયન બનાવ્યું.

રાહુલ એકદમ શિસ્તબદ્ધ ક્રિકેટર તરીકે જાણીતો છે અને આ શિસ્ત દ્વારા તેણે એવી ટીમ બનાવી જે કે વર્લ્ડકપ જીતી શકે.  પોતાની કારકિર્દી દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદમાં નહીં ફસાયેલા રાહુલે પોતાની શિસ્તની આદત ભારતીય યુવા ક્રિકેટરોમાં પણ નાંખી હતી. નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાહુલે ક્રિકેટરો પાસે આકરી મહેનત કરાવી અને સાથે સાથે તેમને ધીરજના પાઠ પણ ભણાવ્યા. યુવા બેટ્સમેનને ટાઈમિંગ અને શોટ સીલેક્શન પર ભાર મૂકવા તથા બોલરોને લાઈન-લેંથ જાળવીને બોલિંગ કરતાં તેણે શીખવ્યું.૨૦૧૮નો.અંડર-૧૯ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડમાં રમાવાનો હતો તેથી પેસ બોલરોને સ્વિંગની ખાસ તાલીમ આપી. ભારતે અંડર ૧૯ વર્લ્ડકપ જીત્યો તેમાં બોલરોનો ફાળો મોટો હતો. રાહુલે તેમને શિસ્તબદ્ધ રીતે બોલિંગ કરવાની ફરજ પાડી તેના કારણે ભારત જીત્યું. ક્રિકેટ બોર્ડે પણ રાહુલના યોગદાનને વખાણ્યું હતું અને સૌથી વધારે ઈનામ દ્રવિડને આપ્યું હતું.

બીસીસીઆઇએ અંડર-૧૯ ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ૫૦ લાખ રૂપિયાના પુરસ્કારનું એલાન કર્યું હતું. દ્રવિડ માટે આ રકમ બહુ મોટી નહોતી કેમ કે ભારત વતી એક દાયકા કરતાં વધારે ક્રિકેટ રમીને રાહુલ ઘણા રૂપિયા કમાયો છે પણ વાત રકમની નથી. આ રકમ બધા કરતાં વધારે હતી ને બોર્ડે પોતે કહ્યું હતું કે, રાહુલની શિસ્તના કારણે ટીમ જીતી એ વાત મોટી હતી. રાહુલે એ પછી નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર તરીકે પણ સારી કામગીરી બજાવી છે. યુવા ટેલન્ટેડ ખેલાડીઓને શોધી શોધીને તેમને તાલીમ આપવાની કામગીરી દ્રવિડે સારી રીતે બજાવી છે. તેના કારણે ભારતને ઘણા સારા ક્રિકેટરો મળ્યા છે.

દ્રવિડ હેડ કોચ બનશે તો બીજો પણ એક ફાયદો થશે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ મનમાની કરીને ટીમમાં સારા ખેલાડી આવી જ ના શકે એવી સ્થિતી પેદા કરી દીધી છે. અનિલ કુંબલે ભારતીય ટીમના કોચ હતા ત્યારે ખેલાડીઓમાં શિસ્ત હતી. કુંબલે ક્રિકેટને સમર્પિત અને જીતવાના ઝનૂન સાથે જ રમવામાં માનતા હતા. તેના કારણે ભારતીય ટીમ એક નવો જ આકાર ધારણ કરી રહી હતી ત્યાં જ રવિ શાસ્ત્રીને હેડ કોચ બનાવાતાં ટીમ વેરવિખેર થઈ ગઈ છે.
શાસ્ત્રી કોહલીના કહ્યાગરા કોચ તરીકે વર્તે છે તેથી કોહલીને પસંદ છે પણ તેના કારણે ટીમ ઈન્ડિયાને બહુ મોટો ફટકો પડ્યો છે. વિરાટ કોહલી મેરિટના આધારે નહીં પણ પોતાના માનીતા કોણ તેના આધારે ટીમ નક્કી કરે છે. શાસ્ત્રી કોહલીની આ મનમાનીમાં સાથ આપ્યા કરે છે. દ્રવિડ આવશે તો આ સ્થિતિ બદલાશે ને ટીમને ફાયદો થશે.