રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની ઉપાધિ છે કે ચાલતા અર્થતંત્રને હવે કેમ દોડતું કરવું….? 

સંકટમાંથી પસાર થઇ રહેલી સમગ્ર દુનિયાની એકેએક અર્થવ્યવસ્થા, પડકારોનો મુકાબલો કરી રહી છે. ભારતમાં તો કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે. પરિસ્થિતિ જોતા અમુક રાજ્યો ફરીથી લોકડાઉન લાગુ પાડવા માટે વિચારી રહ્યા છે. પરંતુ જો લોકડાઉન લાદવામાં આવે તો અર્થવ્યવસ્થાની ઉતરી ગયેલી ગાડીને પાટા ઉપર ચડાવવાનો કાર્યક્રમ ફરી પાછો ઘણા મહિના પાછળ ધકેલાઈ જાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તકલીફો સતત વધી રહી છે. ગવર્નર શશિકાન્ત દાસ દેશની આગામી સરકારી અને પ્રજાલક્ષી નાણાંકીય નીતિના ઘડતરમાં ભારે મુંઝવણમાં છે.
કોરોનાની ગતિને અવરોધવા માટે જે પણ યોજનાઓ વિચારવામાં આવે છે તેનો અમલ અર્થવ્યવસ્થાના ભોગે કરવો પડે છે. સુસ્ત થઇ ગયેલી બજારમાં કઈ રીતે સ્ફૂર્તિ આવે, કઈ રીતે બંધ પડી ગયેલું ઔદ્યોગિક ઉત્પાદન વધે, લોકોની કાર્યશક્તિ નક્કર ઉપાર્જનમાં કઈ રીતે પરિણમે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નાજુક સમયમાં કોઈ નિર્ણય લેવો પડે છે. આરબીઆઈએ છેલ્લા થોડાક દિવસોમાં બેંકના વ્યાજ દરોમાં નહિવત્ ઘટાડો કરીને બેકિંગ સેક્ટરને વધુ ઓક્સિજન પૂરું પડવાની કોશિશ કરી છે, પરંતુ જયારે વાર્ષિક ઘરેલું ઉત્પાદન જ નીચું હોય તો બેંકિંગ સહિતના કોઈ પણ સેક્ટર કઈ રીતે ઊંચા આવે? આરબીઆઈએ હજુ સુધી તો હાર માની નથી અને અર્થવ્યવસ્થાને સુધારવાના લગાતાર પ્રયાસો કરી રહી છે એ એકે સંતોષજનક સ્થિતિ કહી શકાય. આ ચોમાસુ જેમ આખા દેશ માટે તેમ રિઝર્વ બેન્ક માટે પણ અનેક આશાઓ લઈને આવેલું છે. હવે આખી બાજી જ ચોમાસાના હાથમાં છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક કાર્યક્રમમાં વાતચીત કરતી વખતે કહ્યું કે કપરા કાળની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બેન્કિંગ સેક્ટરે તેની નીતિઓ ઉપર ફેરવિચાર કરવો રહ્યો. તેમને ઉદ્યોગજગત ઉપર તો પૂર્ણ વિશ્વાસ છે કે અર્થવ્યવસ્થાને સંભાળવામાં તે ક્ષેત્ર મોટો ભાગ ભજવશે. તેમણે કોરોના પછીના આ કાળમાં ઉદ્યોગ જગતના પ્રયત્નોના વખાણ કર્યા. ભારતીય કોર્પોરેટ જગત બેઠું થઈ રહ્યું છે પરંતુ એણે આવનારા મહિનાઓમાં ફરી અટકવું નહિ પડે એની કોઈ ખાતરી નથી. દેશના વિવિધ ઉત્પાદકીય સેકટરમાંથી માનવ સંસાધનો વેરવિખેર થઈ ગયા છે. એમને પાછા એકત્રિત કરવા અને સંબંધિત ઉદ્યોગોમાં પુનઃ કાર્યાન્વિત કરવાનું કામ કઠિન છે. સ્થળાંતરિત કામદારો જે વતન ગયા હતા તેમાંથી પચીસ ટકા કામદારો ફરી કામે લાગ્યા છે. આ ટકાવારીમાં એ લોકો પણ આવી જાય છે જેઓ વતન ગયા જ ન હતા. અત્યારે દેશમાં જે થોડીઘણી પ્રવૃત્તિશીલતા દેખાય છે તે એમને આભારી છે.
એક રીતે જોઈએ તો સરકારને અત્યારે સૌથી વધુ ભરોસો ઉદ્યોગજગત ઉપર જ છે, કારણ કે વાર્ષિક ઘરેલું ઉત્પાદનમાં નિર્ણાયક યોગદાન ઉદ્યોગક્ષેત્રનું જ હોય છે. પરંતુ લોકડાઉનને કારણે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને મરણતોલ ફટકો પહોચ્યો છે અને તેની અસર ભારતની અર્થવ્યવસ્થા ઉપર થઇ છે. વાહન, કાપડ, ખાણકામ અને વીજળીના ઉત્પાદન જેવા ઉદ્યોગો પણ લોકડાઉનની ઝપટે ચડી ગયા હોવાથી મંદ ગતિએ ચાલી રહ્યા છે. લોકડાઉન પછી સરકારે ઉદ્યોગજગતને મદદરૂપ થઇ શકે એવા રાહત પેકેજો પણ જાહેર કર્યા અને શ્રમિકો માટે યોજનાઓની જાહેરાત કરી. વિદેશથી આવતા આયાતી માલ ઉપર કડક જાપ્તો રાખવો અને સ્વદેશી માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજનાઓ શરુ પણ થઇ ગઈ જેથી સ્થાનિક બજારમાં ગરમી આવી શકે. પરંતુ આ બધા પ્રયાસો અત્યારે અપૂરતા લાગી રહ્યા છે. જો કે પોતાના વતન પાછા ફરેલા શ્રમિકો ફરીથી શહેરોમાં પરત ફરી રહ્યા છે તે શુભ સંકેત જ છે. પણ જ્યાં સુધી ઉદ્યોગજગત રાબેતા મુજબ ગતિમાં નહિ આવે ત્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવાના પડકારોનો સામનો સતત કરવો પડશે.
આરબીઆઈ ગવર્નર નિશંકપણે આર્થિક નીતિઓમાં પરિવર્તનશીલ રહ્યા છે અને બેન્કોને ઉત્સાહિત કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે, પરંતુ તેનનું નક્કર પરિણામ નથી આવી રહ્યું. રાહત પેકેજમાં જે જાહેરાતો કરવામાં આવી છે તેમાંથી એમએસએમઈના શ્રમિકોને પણ આસાનીથી ઉપલબ્ધ થાય એવી યોજનાઓ છે. જો કે આ બધી યોજનાઓ માટે પૈસાનો પ્રબંધ ક્યાંથી થશે તે મોટો સવાલ છે. રાજકીય કોષની સપાટી તો પહેલેથી જ ચિંતાજનક સ્તર ઉપર છે. કારોબારીના ક્ષેત્રમાં મંદીનો સમયગાળો તો કોરોના પહેલાથી ચાલુ થઇ ગયો હતો અને એના પરિણામસ્વરૂપ બેંકિંગ ક્ષેત્રમાં સુસ્તી રહે છે. નોન પરફોર્મિંગ એસેટ્સ વધતી જાય છે અને બેન્કોની મૂડી પણ ઓછી થઇ રહી છે. અર્થવ્યવસ્થાને સંભાળવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ તેનાથી કેટલો ફાયદો થશે તે સવાલનો જવાબ અત્યારે તો માત્ર કલ્પનાનો વિષય છે.