રિઝર્વ બેન્કની રાહતો અને મુખ્યપ્રધાન રૂપાણીની નવી ઉદ્યોગનીતિની જાહેરાત

કોરોનાને કારણે લોકડાઉન જાહેર થવાના પગલે દેશનું અર્થતંત્ર સ્થગિત થયું તેથી  જેઓ વ્યક્તિગત અને ધંધાકીય હેતુસર લોન લેનારા આર્થિક સંકટમાં મુકાયા છે  ત્યારે તેમને માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા લોનના એક વારના પુનર્ગઠનની જાહેરાત એક મોટી ઇમારત ધ્વસ્ત થાય તે પહેલા તેમાં ટેકા મુકવા જેટલી મહત્વની છે. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) વતી આરબીઆઇનો પુનર્ગઠન કરી આપવાનો ગુરુવારનો નિર્ણય સમયસરનો છે.  જેમના બેન્ક લોન એકાઉન્ટ્સ 31મી માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ ( વ્યાજ અને હપ્તા નિયમિત ચુકવાતાં ) હોય તેમની જ લોનનું  31મી ડિસેમ્બર  2020 સુધીમાં પુનર્ગઠન કરી આપવામાં આવશે. પુનર્ગઠનમાં બેન્કોને વધુ લોન આપવાની અને વ્યાજદરમાં અનુકૂળતા કરી આપવાની છૂટ હોય છે, તેથી તેઓ પણ એનપીએની ચિંતા કર્યા વિના જરૂરતમંદોને મદદ કરી શકશે.

અગાઉ માર્ચના અંતભાગે જેઓ લોનના હપ્તા કોવીડની આર્થિક અસરના કારણે ચૂકવી શક્યા ન હોય તેમની લોનને એનપીએ ગણ્યા વિના આરબીઆઇએ મોરેટોરિયમનો લાભ આપ્યો હતો. આ મુદત આ મહિનાના અંતે પુરી થાય ત્યારે શું કરવું તેની ચર્ચા વધી હતી. બેન્કર્સ અને ઉદ્યોગોની માંગણી લોનના પુનર્ગઠન કરી આપવાની હતી, જે સ્વીકારાઈ છે. પર્સનલ લોનની મુદત બે વર્ષ લંબાવી આપવાનો બેન્કોને વિકલ્પ મળ્યો છે. હાઉસિંગ કે ઓટોમોબાઇલ ખરીદી માટે પર્સનલ લોન લેનારાને આ મોટી રાહત હશે. કોવીડની આર્થિક અસરમાંથી બહાર આવવા માટે આટલો સમય પૂરતો છે. બેન્કોની તો સુળીની ઘાત સોઇથી ગઈ છે. તેઓ લોનના પુનર્ગઠનની રકમના ફક્ત દસ ટકા નાણાંની જોગવાઈ તારવીને એનપીએની પીડામાંથી બચી શકશે.

એમપીસીએ સૂચક નિવેદન કર્યું છે કે કોરોનાના નવા નોંધાતા કેસ આર્થિક વિકાસના માર્ગમાં અવરોધક છે.  આર્થિક વિકાસ આ વર્ષના પૂર્વાર્ધ કરતા ઉત્તરાર્ધ (ઓક્ટોબર 2021થી માર્ચ 2022) સુધીમાં અવશ્ય સુધારો બતાવશે તેવું આરબીઆઇ પણ કહે છે.  તેથી લોનના પુનર્ગઠનની યોજના પર્સનલ લોન લેનારા બહોળા વર્ગને અર્થતત્રના સંવેદનશીલ એવા  એમએસએમઈ ક્ષેત્રને એવા અણીના સમયે મદદે આવશે જેમનું રોજગાર સર્જન અને વિકાસ દરમાં મહત્વનું યોગદાન છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર આવી રહ્યાના ગઈકાલના અહેવાલો પછી તંત્રો દોડતા થયા હતાં અને મુખ્યમંત્રીની સમીક્ષા દરમિયાન તંત્રના રિપોર્ટીંગની તૈયારી થવા લાગી હતી. વિવિધ જિલ્લાઓમાં તેઓના આગમનના સંદર્ભે સ્થાનિક નેતાઓ પણ દોડાદોડી કરવા લાગ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના શાસનના ચાર વર્ષ પૂરા કર્યા છે, અને તેના સંદર્ભે ગઈકાલે કેટલીક નવી જાહેરાતો પણ કરી છે. રૂપાણી સરકારે આ સમયગાળામાં દોઢ હજારથી વધુ જનહિતના નિર્ણયો લીધા હોવાનો દાવો કર્યો છે. અનેક ઝંઝાવાતો, આંદોલનો, આંતરવિરોધ અને પડકારો છતાં રૂપાણી સરકાર આગળ વધતી જ રહી છે, તેની સિદ્ધિઓના ગુણગાન પણ ગવાયા અને સિક્કાની બીજી બાજુ પણ ચર્ચાય, તેને જ લોકતંત્ર કહેવાય.

રૂપાણી સરકારે ગઈકાલે નવી ઉદ્યોગનીતિ જાહેર કરી છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 માં નાના અને મધ્યમ ઉદ્યોગો તથા ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માંગતા ઉદ્યોગકારો માટે અનેક મહત્ત્વની જોગવાઈઓ કરી છે. નાના-મધ્યમ ઉદ્યોગો માટે માત્ર ધિરાણના રપ ટકા સુધી અને મહત્તમ ૩પ લાખની કેપિટલ સબસિડીની જાહેરાત કરી છે, તે નોંધપાત્ર જોગવાઈ છે. આ ઉપરાંત સરકારે ઉદ્યોગો માટે લીઝ પર જમીન, નવા યુનિટોને લોન માટે મદદ, રૂપિયા પાંચ કરોડ સુધીની સહાય, કૃષિ સેક્ટરને પ્રાધાન્ય, સૌર ઊર્જા, સ્ટાર્ટઅપ, ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને સસ્ટેનન્સ એલાઉન્સ સહિતની ઘણી જાહેરાતો નવી ઉદ્યોગનીતિમાં થઈ છે. આ નવી ઉદ્યોગનીતિ વર્ષ ર૦રપ સુધી અમલમાં રહેશે. રૂપાણી સરકારની આ જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

રૂપાણી સરકારે ગમે તેમ મેળ કરીને અને તડજોડ કરીને પણ ભાજપનું શાસન જાળવી રાખ્યું અને ઊભા થયેલા પડકારો સામે લડત આપી, એ જમા પાસુ છે, પરંતુ રૂપાણી શાસનમાં અમલદારશાહી વધી છે, અને તંત્રો શાસનના અંકુશમાં નથી, તેવી ટીકાઓ પણ થતી રહે છે. મુખ્યમંત્રી કોરોનાના સંકટની સમીક્ષા કરવા સૌરાષ્ટ્રની મુલકાતે છે ત્યારે તેઓ સ્થાનિક અન્ય કેટલીક સમસ્યાઓ અને તાંત્રિક, વહીવટી અને ટેકનિકલ દૃષ્ટિએ જરૂરિયાતો પ્રત્યે લક્ષ્ય આપે, તેવી આશા રાખીએ.

અમરેલી શહેર સહિત હાલારમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રોની હડિયાપટ્ટી અને કોરોના વોરિયર્સની રાત-દિવસની સેવાની નોંધ લેવી પડે, પરંતુ સાથે સાથે કોરોનાની સારવાર, કોરોનાના કેસો, પોઝિટિવ-નેગેટીવ અને સાજા થનાર અને મૃત્યુ પામનાર દર્દીઓની વિગતો તથા આંકડાઓનો ડેટા વ્યવસ્થિત તૈયાર થાય અને આ તમામ વિગતો મીડિયા-પ્રેસને સમયસર મળી રહે તે માટે કોઈ અલાઈદી વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે. ગઈ કાલે થયેલી સમીક્ષાના સંદર્ભે ઝડપી સુધારા જરૂરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે મહામારી વચ્ચે ઉદ્યોગોને રાહત મળે તે માટે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી છે. જેમાં વિવિધ સબસિડી અને કેપિટલ ઇનસેન્ટિવ ઉદ્યોગોને અપાશે. સૌથી મોટી રાહત એવી છે કે ઉદ્યોગોને જમીન ખરીવાના બદલે લાંબાગાળા માટે લીઝ ઉપર આપવામાં આવશે જેમાં ઉદ્યોગોએ લીઝ માટે જમીનની કિંમત ના 6 ટકા લેખે રેન્ટ સરકારને આપવાનું રહેશે.
રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ,આજે રૂપાણી સરકારની ચોથી વર્ષગાંઠે આ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 બહાર પાડવામાં આવી છે.

મોટા ઉદ્યોગોને કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI) એટલે કે પાત્ર મૂડીરોકાણના 12% ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે. કોઇપણ ઔદ્યોગિક એકમને વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી 10 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. 40 કરોડ જ રહેશે તેવી શરત સાથે 10 વર્ષની સમયમર્યાદામાં વધુ 10 વર્ષનો વધારો કરી આપવામાં આવશે.

વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો મળવાપાત્ર કેપીટલ સબસીડી 20 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ છે. એમ એસ એમ ઈને પાત્ર ધિરાણની રકમના 25% સુધીની અને મહત્તમ 35 લાખ સુધીની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.

જો પ્રોત્સાહનપાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને 10 લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે. એમએસએમઇને 7 વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના 7% સુધી અને મહત્તમ 35 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની 1% ઈન્ટરેસ્ટ સબસીડી મળશે. આ ઉપરાંત, 35 વર્ષની નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજુર થયાના દિવસે 1% વધારાની ઈન્ટરેસ્ટ સબસીડી મળશે.