રુટે ભારતને એડિલેડ ટેસ્ટ યાદ અપાવતા જાફરે જડબાતોડ જવાબ આપ્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ હશે. આ મેચ ડે-નાઇટ હશે અને પિંક બોલથી રમાશે.

ભારતે છેલ્લે પિંક બોલ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પ્રવાસે રમી હતી, જેની બીજી પારીમાં ટીમ ઇન્ડિયા ૩૬ રન જ બનાવી શકી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું લોએસ્ટ સ્કોર પણ છે. અમદાવાદ ડે-નાઇટ ટેસ્ટ પહેલાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે માઇન્ડ ગેમ રમતાં ટીમ ઇન્ડિયાને આ મેચની યાદ અપાવી, તો ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

જો રૂટનું એક નિવેદન ટ્વિટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે ૩૬ રને ઓલઆઉટ અમારું ફોક્સ હશે. કેમ કે, આ તેમની માટે ચિંતાની વાત હશે. તેમના મગજમાં આ ચાલી રહૃાું હશે. આ અંગે જાફરે જવાબ આપતાં ટ્વિટ કર્યું. જાફરે કહૃાું કે, ગઇ વખતે ઇંગ્લેન્ડે ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. જેમાં તેમનો સ્કોર ૨૭/૯ હતો. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટીમ ૫૮ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. હું માત્ર જણાવી રહૃાો છું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની પ્રથમ બે મેચ ચેન્નઇમાં રમાઇ હતી. જેમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ અને બીજી મેચમાં ભારતની જીત થઇ હતી. સીરિઝ ૧-૧થી બરાબર છે. સીરિઝની બાકી બન્ને મેચો બન્ને ટીમ માટે મહત્વની છે.