રૂપાવટીમાં વાહન અથડાવા પ્રશ્ને કાકા બાપાના ભાઇઓ વચ્ચે બોલાચાલી હત્યામાં ફેરવાઇ ગઇ

ગારીયાધાર, ગારીયાધાર પંથકના રૂપાવટી ગામે એકજ પરિવારના કાકા – બાપાના કુટુંબ વચ્ચે યુવાનોની બાઇક અથડાયાની ઘટનાના પગલે મારામારી સર્જાતા એક બીજાને છરીઓ વડે મારામારી કરતા એકનું કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૃતક રમેશભાઇ ગોરધનભાઇ ઉનાવાના પુત્ર અને દેવાભાઇ જીણાભાઇ ઉનાવાના પુત્ર વચ્ચે બાઇક અથડાવવા બાબતે બોલા ચાલી સાંજના થયેલ હતી. જે પ્રશ્ને રમેશભાઇ અને તેના બે ભાઇઓ કનુભાઇ અને દિનેશભાઇ સાથે કૌશિકભાઇ ઠપકો આપવા દેવાભાઇના ઘરે ગયા હતા. જે સમયે દેવાભાઇ અને તેના બે પુત્ર જીતુ અને રાજુ સાથે ઉગ્ર બોલાચાલી થતા છરી વડે મારામારીમાં ફેરવાઇ જતાં રમેશભાઇ, દિનેશભાઇ, કનુભાઇ અને કૌશિકભાઇને 108 દ્વારા ગારીયાધાર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં રમેશભાઇનું મોત નિપજયુ હતું. જયારે દિનેશભાઇ, કનુભાઇ અને કૌશિકને ગંભીર હાલમાં વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ. ઘટનાની જાણ થતા ગારીયાધારના પી.એસ.આઇ. વી.વી. ઘ્રોંગુ, ડી. વાય. એસ.પી. આર.ડી. જાડેજા, સ્થાનીક પોલીસ અને એલ.સી.બી. સાથે ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.