રોહિત શર્માને મામલે ગુસ્સે ભરાયો સેહવાગ, બીસીસીઆઈ અને શાસ્ત્રીની કાઢી ઝાટકણી

ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ વિવાદ ચાલતા જ રહે છે. હાલમાં આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં હવે પ્લે ઓફની મેચો અને ફાઇનલ મેચ બાકી છે. આ સપ્તાહે તે રમાઈ જશે ત્યાર બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી છે. ઓસ્ટ્રેલિયા જનારી ભારતીય ટીમની પસંદગી થઈ ગઈ છે અને તમામ ખેલાડી હાલમાં દુબઈમાં છે. આમ આઇપીએલની ફાઇનલ બાદ ત્યાંથી જ તમામ ખેલાડી ઓસ્ટ્રેલિયા રવાના થશે. પ્રવાસે જનારી ટીમમાં રોહિત શર્માની બાદબાકી થઈ તેનાથી મોટો વિવાદ જાગ્યો છે.

હકીકતમાં રોહિત શર્મા આઇપીએલ વખતે ઘાયલ થયો હતો અને તે મુંબઈ ઇન્ડિયન્સની કેટલીક મેચ રમી શક્યો ન હતો. જોકે તે દુબઈમાં જ રોકાઈ ગયો હતો અને મુંબઈની ટીમની સાથે જ હતો તેમ છતાં ભારતીય પસંદગીકારોએ છેક ડિસેમ્બરમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે રોહિત શર્માની પસંદગી કરી ન હતી. હવે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોહિત શર્મા રમ્યો હતો અને તેણે જાહેર કર્યું હતું કે તે ફિટ છે. આમ થતાં ભારતનો એક સમયનો આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અકળાઈ ગયો  હતો અને તેણે બીસીસીઆઈ તથા ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રીની ઝાટકણી કાઢી હતી.

સેહવાગે જણાવ્યું હતું કે પહેલી વાત તો એ છે કે કોચ રવિ શાસ્ત્રીને રોહિતની તાજી હાલત કે તેની ઇજાની પરિસ્થિતિ અંગે જાણ ન હોય શક્ય નથી. સેહવાગે એવી પણ દલીલ કરી હતી કે જો આઇપીએલ દરમિયાન રોહિત શર્મા ખરેખર ઘાયલ હોત તો મુંબઈની ટીમના મેનેજમેન્ટે તેને બદલે અન્ય ખેલાડીને સામેલ કરી લીધો હોત પણ તેને બદલે રોહિતને ટીમની સાથે જ રાખવામાં આવ્યો હતો. હવે રોહિત ખુદ કહે છે કે તે ફિટ છે અને બાકી રહેલી પ્લે ઓફની મેચોમાં પણ રમવાનો છે તો પછી જો તે હાલમાં રમી શકતો હોય તો એ  જ ઇજાને કારણે બે મહિના બાદ નહીં રમે તેવો નિર્ણય કેવી રીતે લઈ શકાય આમ કહીને સેહવાગે ઉમેર્યું હતું કે તેનો અર્થ એ થયો કે બીસીસીઆઈ તરફથી આ મટો છબરડો વાળવામાં આવ્યો છે. બોર્ડમાં ગેરવહીવટ ચાલી રહૃાો છે તેનો આ મોટો પુરાવો છે.