લંડનમાં ખાલિસ્તાની ઝંડા બતાવનાર ૧૩ની ધરપકડ

અહીં ભારતીય દૂતાવાસની બહાર ગઈ કાલે રવિવારે મોટા પાયે દેખાવો કરવામાં આવ્યા હતા અને એમાં ઘણા ખાલિસ્તાની ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ એ વિશે બ્રિટનના વિદેશ અને ગૃહ મંત્રાલયોને ફરિયાદ કરી હતી અને તેને પગલે લંડન મેટ્રોપોલિટન પોલીસે ટોળાને વિખેરી નાખ્યા હતા અને ૧૩ જણની ધરપકડ પણ કરી છે.

ટોળામાં એક જાણીતો ખાલિસ્તાની તત્ત્વ પરમજીત સિંહ પમ્મા પણ હતો, જે શીખ્સ ફોર જસ્ટિસ ગ્રુપનો છે. ભારતે આ ગ્રુપને ગયા વર્ષે ગેરકાયદેસર જાહેર કર્યું હતું. દેખાવકારોના ટોળામાં તે ઉપરાંત કુલદીપ સિંહ ચાહેરુ (ફેડરેશન ઓપ શીખ ઓર્ગેનાઈઝેશન) પણ જોવા મળ્યો હતો. આ ગ્રુપ બબ્બર ખાલસા સાથે સંકળાયેલું છે.

લંડનની ભારતીય દૂતાવાસના અધિકારી વિશ્વેસ નેગીએ કહૃાું કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બહાને રવિવારે લંડનમાં ભારત-વિરોધી અલગતાવાદીઓએ દેખાવો કરવાની તક ઝડપી લીધી હતી. દેખાવો શરૂ કરાયા એ પહેલા જ લંડન મેટ્રોપોલિટન પોલીસે દેખાવકારોને ચેતવણી આપી હતી કે કોવિડ-૧૯ને લગતા નિયમોનું ઉલ્લંઘન થવું ન જોઈએ. માત્ર ૩૦ જણે જ એકઠા થવું. તે છતાં એનાથી ઘણી વધારે સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે કોવિડ-૧૯ નિયમોના ઉલ્લંઘન બદલ ૧૩ જણની ધરપકડ કરી છે. ચાર જણ પાસેથી દંડની રકમ લઈને છોડી મૂકાયા હતા જ્યારે બાકીના ૯ જણને કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા છે.