લદાખ સરહદ પર ૧૯૬૨ પછી સૌથી વધુ તણાવ: વિદેશમંત્રીનું નિવેદન

વિદેશ પ્રધાન એસ જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે બોલતાં સ્વીકાર્યું હતું કે લદ્દાખ સરહદ પર પરિસ્થિતિ ગંભીર હતી. ૧૯૬૨ પછી અને ખાસ તો છેલ્લાં ૪૫ વર્ષમાં પહેલીવાર આપણા જવાનો શહીદ થયા હતા. સ્થિતિ ધાર્યા કરતાં વધુ ગંભીર હતી.

તેમણે કહૃાું કે લાઇન ઑફ કન્ટ્રોલ પર બંને દેશના લશ્કરી જવાનો મોટી સંખ્યામાં હાજર હતા. તેમણે લદ્દાખ મોરચે ભારતના વલણને સ્પષ્ટ કરતાં કહૃાું કે સમાધાનની ફોર્મ્યુલા બંને પક્ષને સરખી રીતે લાગુ પડતી હોવી જોઇએ. ભારત એકપક્ષી સમાધાન નહીં સ્વીકારે.

તેમણે ઉમેર્યું કે છેલ્લા એક દાયકામાં ચીન સાથે ઘણીવાર સંઘર્ષ થયો હતો. ડેપસાંગ, ચૂમર અને ડોકલામ- આ ત્રણે સ્થળે સરહદી વિવાદ થતો રહૃાો હતો. હાલનો સંઘર્ષ એ તમામ સંઘર્ષો કરતાં જુદા પ્રકારનો છે. જો કે તમામ વિવાદોનો એક નિષ્કર્ષ હતો કે સમાધાન કૂટનીતિ દ્વારા થવું જોઇએ. લડાઇથી બંને પક્ષને વધતું ઓછું નુકસાન થવાનું જ હતું. જો કે આપણે કૂટનીતિ અને લશ્કરી પગલાં બંને રીતે ચીન સાથેના મામલાને હલ કરી રહૃાા છીએ.

ભારત-ચીન સંબંધ વિશે બોલતાં તેમણે કહૃાું કે આ બંને દેશો હાથ મિલાવીને કામ કરે તો આ આખી સદી એશિયાની હશે. જો કે હાલના અવરોધોએ એમ થતું અટકાવ્યું હતું.

આ બે પાડોશી વચ્ચે સુમેળ રહે એ સૌના હિતમાં છે. કેટલીક સમસ્યા બંને પક્ષે છે એ હકીકત હું સ્વીકારું છું. પરંતુ કોઇ પણ સંબંધમાં દ્વિપક્ષી સમજૂતી અને દીર્ઘસૂત્રતા (વીઝન ) જરૂરી બની રહે છે. આપણા તરફથી સંનિષ્ઠ પ્રયાસો થતા રહે છે.

અત્યાર અગાઉ ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવત કહી ચૂક્યા હતા કે ચીન સાથેની આપણી વાટાઘાટો નિષ્ફળ જાય અને જરૂર પડે તો આપણે લશ્કરી પગલાં માટે પણ તૈયાર છીએ.