લવ જેહાદના થરથર કંપાવી દેનારા શ્રદ્ધા ખૂનકેસમાંથી વાલીને બોધપાઠ 

વરસો પહેલાં દિલ્હીમાં તંદૂર કાંડ ગાજેલો. કૉંગ્રેસના નેતા સુશીલ શર્માએ પોતાની પત્નિ નૈના સાહનીની હત્યા કરીને પછી તેના મૃતદેહના ટુકડા કરીને તંદૂરમાં નાંખી દીધેલા. સુશીલ અને નૈનાનાં પ્રેમ લગ્ન હતાં પણ નૈનાને બીજા કોઈની સાથે સંબંધ હોવાની આશંકાથી સુશીલ શર્માએ તેને પતાવી દીધી હતી. ૩ જુલાઈ, ૧૯૯૫ની રાત્રે સુશીલે નૈનાના મૃતદેહને તંદૂરમાં નાંખીને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો કે જેથી કોઈ પુરાવા જ ના રહે. જો કે માનવમાંસ સળગાવાથી ફેલાતી દુર્ગંધના કારણે સુશીલ પકડાઈ ગયો અને આખો દેશ હચમચી જાય એવા ઘૃણાસ્પદ હત્યાકાંડનો પર્દાફાશ થઈ ગયો. સુશીલ જેલ ભેગો થઈ ગયો પછી તેણે કઈ રીતે નૈનાની હત્યા કરી તેની વિગતો આપી એ સાંભળીને લોકો થથરી ગયેલાં.

નૈના સાહની હત્યા કેસ અથવા તો તંદૂર કાંડની યાદ તાજી કરાવે એવી ઘટના દિલ્હીમાં બની ગઈ. દિલ્હીમાં આફતાબ અમીન પૂનાવાલાએ જે ક્રૂરતાથી પોતાની પ્રેમિકા શ્રદ્ધા વોકરની હત્યા કરી એ જોઈને લોકો તો ઠીક પણ પોલીસ સુદ્ધાં થથરી ગઈ છે. શ્રદ્ધા અને આફતાબ મુંબઈનાં છે ને બંને પ્રેમમાં પડ્યા ને ભાગીને દિલ્હી આવી ગયેલાં. બંને લિવ ઈન રિલેશનશિપના કાયદા હેઠળ રહેતાં હતાં. શ્રદ્ધા અને આફતાબ તારીખ ૮ મેના રોજ દિલ્હી આવ્યા હતા. મુંબઈથી દિલ્હી આવ્યા પછી પહેલાં પહાડગંજની હોટલોમાં રહ્યાં અને પછી દક્ષિણ દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું. દક્ષિણ દિલ્હીમાં થોડા દિવસ રહ્યા પછી આફતાબે મહેરૌલીના જંગલ પાસે ફ્લેટ લીધો હતો. દરમિયાનમાં શ્રદ્ધા આફતાબ ને લગ્ન કરવા કહેતી હતી તેથી ૧૦ દિવસ પછી એટલે કે ૧૮ મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી.

મુંબઈથી પ્રેમિકાને ભગાડીને દિલ્હી લાવ્યાના ૧૦ દિવસ બાદ શ્રદ્ધાની હત્યા કર્યા પછી આફતાબે જે કંઈ કર્યું એ કોઈ સાયકો કિલર જ કરી શકે. આફતાબ અમીન પૂનાવાલાએ ૨૭ વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને હત્યા કરી પછી તેણે આરીથી શ્રદ્ધાના મૃતદેહના ૩૫ ટુકડા કરી નાંખ્યા હતા. આફતાબે ૩૦૦ લીટરનું ફ્રિજર ખરીદ્યું હતું કે જેથી તે ટુકડાને તેમાં રાખી શકે. દુર્ગંધને દૂર કરવા માટે અગરબત્તી સળગાવતો હતો.
આફતાબે નવું ફ્રીઝર ખરીદ્યું અને શરીરનાં અંગોને ફ્રિજમાં રાખ્યા. ૧૮ દિવસ સુધી દરરોજ એક-બે ટુકડા લઈ જઈને જંગલમાં જતો અને જંગલમાં ફેંકીને તેમને ઠેકાણે પાડતો હતો. આફતાબે બહુ પહેલાં જ શ્રદ્ધાની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું લાગે છે. સૌથી પહેલાં તો તેણે જંગલની નજીક ફ્લેટ લીધો કે જેથી લાશનો ઝડપથી નિકાલ કરી શકાય. હત્યા પહેલાં આફતાબે અમેરિકન ક્રાઈમ શો ડેકસ્ટર, અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા પછી લાશ દફન નિકાલ કઈ રીતે કરવો એ નક્કી કરેલું.

આફતાબે આરાથી લાશના ટુકડા કર્યા પછી ફર્શ પર લોહી ફેલાયું હતું. ગૂગલ પર સર્ચ કરીને લોહી સાફ કરવાનો રસ્તો પણ પહેલાં જ શોધી કાઢ્યો હતો. આ રીતે પરફેક્ટ મર્ડરનો પ્લાન કર્યા પછી તેણે પ્રેમિકાની હત્યા કરી અને મૃતદેહને આરીથી કાપીને ૩૫ ટુકડા કરીને ફ્રીઝમાં મૂકી દીધા. આફતાબ જૂનમાં શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકતો રહ્યો કે જેથી શ્રદ્ધા જીવતી હોવાનું લાગે. આફતાબ ફ્લેટમાં જ રહેતો ને બહારથી યુવતીને બોલાવીને જલસા પણ કર્યા હતા. વચ્ચે વચ્ચે જંગલમાં લાશના ટુકડાનો નિકાલ કરવા માંડ્યો. આફતાબે મોટાભાગના ટુકડાનો નિકાલ કરી નાંખેલો ને કદાચ પકડાયો ના હોત પણ શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરને શંકા ગઈ તેમાં આફતાબનો ભાંડો ફૂટી ગયો. શ્રદ્ધા અને આફતાબ વચ્ચે હંમેશાં ઝઘડા થતા હતા તેની લક્ષ્મણને ખબર હતી. જુલાઈમાં આવા જ ઝઘડા દરમિયાન લક્ષ્મણે કેટલાક મિત્રો લઈને શ્રદ્ધાને છતરપુરના ઘરેથી બચાવી હતી.

એ વખતે તેણે આફતાબને પોલીસ ફરિયાદની ચેતવણી આપી હતી. જો કે શ્રદ્ધાએ તેને રોકતાં આફતાબ બચી ગયો હતો. શ્રદ્ધા અને આફતાબ બંને સાથે રહેવા લાગ્યાં હતાં. આ ઘટનાના બે મહિના સુધી શ્રદ્ધા સાથે વાત ના થતાં લક્ષ્મણે ઘણા મેસેજ અને કોલ કર્યા પણ જવાબ ન મળ્યો. ચિંતા થતા તેણે પૂછપરછ કરી પણ ક્યાંયથી માહિતી ન મળતાં આખરે લક્ષ્મણે તેના ભાઈ શ્રીજયને કહ્યું ને તેમણે શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરને કહ્યું. વોકરે મુંબઈ પોલીસને ફરિયાદ કરી ને તેના આધારે તપાસ શરૂ થઈ તેમાં આફતાબનો ભાંડો ફૂટી ગયો. આફતાબે શ્રદ્ધાની હત્યા ક્યારે કરી એ વિશે ગૂંચવાડો છે. લક્ષ્મણનું કહેવું છે કે, જુલાઈ મહિનામાં શ્રદ્ધાએ તેનો વૉટ્સએપ કોલ કરીને સંપર્ક પણ કર્યો હતો. એ વખતે શ્રદ્ધા ખૂબ ડરેલી હતી ને તેણે કહ્યું હતું કે, આફતાબ સાથે રહી તો આફતાબ તેને મારી નાખશે. પોલીસનું કહેવું છે કે, આફતાબે શ્રદ્ધાની મે મહિનામાં હત્યા કરી હતી. આ બંને વાતનો તાળો નથી બેસતો તેથી ખરેખર ક્યારે શ્રધ્ધાની હત્યા થઈ એ મોટો સવાલ છે.

ખેર, શ્રદ્ધા ક્યારે ગુજરી ગઈ એ પોલીસ શોધી કાઢશે પણ શ્રદ્ધા ગુજરી ગઈ વાસ્તવિકતા છે. તેના મોત પછી તેના પિતાએ લવ જિહાદની આશંકા વ્યક્ત કરી છે. તેના કારણે આ કેસ જુદી દિશામાં ફંટાઈ જાય એવી શક્યતા છે. આફતાબનો ખરેખર લવ જિહાદનો ઉદ્દેશ હોય એવું પણ શક્ય છે ને એવું હોય તો ખરેખર આઘાતજનક કહેવાય. જો કે એ બધું પોલીસ તપાસમાં બહાર આવશે પણ આ ઘટના પરથી દરેકે બહુ મોટો બોઠપાઠ લેવાની જરૂર છે. મોટાભાગનાં માતા-પિતા પોતાનાં સંતાનો કોઈ ભૂલ કરે પછી તેમને એકલાં છોડી દે છે. તેના બદલે ગમે તે પરિસ્થિતિમાં તેમની સાથે રહેવું જોઈએ. સંતાનને પોતાની ભૂલ ના સમજાય તો પણ તેમનો સાથ ના છોડવો એ આ ઘટનાનો બોધપાઠ છે. તેના કારણે સંતાન થોડાક સમય માટે કદાચ દૂર જશે પણ શ્રદ્ધાનાં માતાપિતાની જેમ કાયમ માટે છિનવાઈ નહીં જાય. સંતાન સાથે સંપર્કમાં રહેવું, તેની ચિંતા કરવી એ દરેક માતા-પિતાની ફરજ છે. સંતાનને એ અહેસાસ કરાવવો કે, પોતાના દરવાજા તેમના માટે હંમેશાં ખુલ્લા છે એ પણ તેમની ફરજ છે ને એ ફરજ કદી ના ચૂકવી.