લવ જેહાદના નામે પૂર્વોત્તર રાજ્યોમાં ચાલતા ધર્માંતરણને ભાજપ અટકાવશે

આપણે ત્યાં લવ જિહાદનો મુદ્દો બારમાસી છે. કોઈ ઘટના બને ત્યારે આ મુદ્દો ઊઠે છે ને પછી શાંત પણ પડી જાય છે. આવી કોઈ ઘટના બને ત્યારે મુદ્દો ચર્યા ને પછી બધું ભૂલાઈ જાય. આસામની ભાજપ સરકારે લવ જિહાદની વધતી ઘટનાઓના કારણે ‘લવ જિહાદ’ પર તૂટી પડવાનું નક્કી કર્યું એ સાથે જ આ મુદ્દો ફરી ચર્ચામાં છે. આસામમાં સર્બાનંદ સોનોવાલની સરકાર છે પણ હિંદુત્વના મામલે હિંમત બિશ્વ સરમા વધારે આક્રમક છે. સરમા વરસો સુધી કૉંગ્રેસમાં હતા ને ત્રણેક વરસ પહેલાં જ અમિત શાહની આંગળી પકડીને ભાજપમાં આવ્યા છે તેથી પોતાની વફાદારી સાબિત કરવા હિંદુત્વને મુદ્દે વધારે જોરથી બોલે છે. નવો બાવો બે ચીપિયા વધારે ખખડાવે એ હિસાબે સરમા હિંદુત્વના મુદ્દે વધારે સરસ બોલે છે ને તેમણે જ જાહેર કર્યું છે કે, આસામમાં ભાજપ સરકાર લવ જિહાદ ચલાવનારાંને જેલમાં ધકેલશે. આસામ સહિતના તમામ પૂર્વોત્તર રાજ્યોમાં લવ જેહાદીઓને જેલભેગા કરવાની સરકારની યોજના છે.

સરમાએ આસામમાં છેલ્લા કેટલાક સમયથી વધવા માંડેલી ‘લવ જિહાદ’ની ઘટનાઓ મુદ્દે માંડીને વાત પણ કરી છે. તેમનું કહેવું છે કે, ‘લવ જિહાદ’માં છેલ્લા કેટલાક સમયથી ત્રણેક પ્રકારની ઘટનાઓ મોટા પાયે બની રહી છે. પહેલું એ કે, મુસ્લિમ યુવકો હિંદુ નામ સાથેનાં પોતાનાં ફેસબુક એકાઉન્ટ બનાવે ને મંદિરોમાં હોય એવી તસવીરો મૂકે એવો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે. હિંદુ છોકરી ભોળવાઈને તેને હિંદુ માનીને લગ્ન કરે પછી ખબર પડે કે છોકરો તો હિંદુ નહીં પણ મુસ્લિમ છે. આ સહજ રીતે થયેલાં લગ્ન ન કહેવાય કેમ કે તેમાં છોકરો છોકરીને છેતરપિંડી કરીને લગ્ન કરે છે ને ખરેખર તો આ વિશ્વાસઘાત કહેવાય. સરમાએ ચોખવટ કરી છે કે, ભાજપ આંતરધર્મીય લગ્નોની વિરૂધ્ધ નથી પણ આ રીતે આપણી બહેન-દીકરીઓને છેતરીને મુસ્લિમ છોકરા લગ્ન કરે એ ના ચાલે ને ભાજપની સરકાર તેની સામે અભિયાન છેડશે.

સરમાએ ‘લવ જિહાદ’ મુદ્દે બીજી પણ વાતો કરી છે ને ઉદાહરણો પણ આપ્યાં છે. આ પૈકી મોટા ભાગનાં ઉદાહરણો સ્થાનિક સ્તરે બનેલી ઘટનાઓનાં છે તેથી તેની ચર્ચા કે સચ્ચાઈ વિશે વાત કરવાનો અર્થ નથી પણ સરમાએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ ગંભીર છે તેનો ઈન્કાર ના થઈ શકે. આ ખતરો વાસ્તવિક પણ છે તેથી તેને હળવાશથી ન લઈ શકાય. સામાન્ય સંજોગોમાં લગ્ન એ વ્યક્તિગત બાબત ગણાય ને તેમાં કોઈને દખલ કરવાનો અધિકાર ના હોય. બે પુખ્ત વયની વ્યક્તિ પ્રેમમાં પડે ને લગ્ન કરે કે પછી બીજી કોઈ રીતે પોતાની મરજીથી પરણે તેમાં કશું ખોટું નથી. આ બંને વ્યક્તિ ક્યા ધર્મની છે તે પણ મહત્ત્વનું નથી. એક વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરી જ શકે. આ દેશનું બંધારણ પુખ્ત વયની દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે જ છે ને એ અધિકાર આડે કશું ના આવવું જોઈએ તેમાં બેમત નથી પણ સરમાએ જે વાત કરી છે એ બે વ્યક્તિ એકબીજાના પ્રેમમાં પડે ને લગ્ન કરે તેની નથી. આ વાત હિંદુ છોકરીઓને પ્રેમમાં પાડવા માટે કરાતી છેતરપિંડીની છે.

કોઈ છોકરી મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડે ને તેને પરણે એ તેનો અધિકાર છે કેમ કે તેને ખબર હોય છે કે, પોતે જેને પ્રેમ કરે છે એ છોકરો મુસ્લિમ છે. આ સંજોગોમાં તેની સામે વાંધો લેવાનો કોઈને અધિકાર નથી પણ કોઈ મુસ્લિમ છોકરો હિંદુ બનીને કોઈ છોકરીના પરિચયમાં આવે ને છોકરી તેને હિંદુ સમજીને પ્રેમમાં પડે એ નૈતિક રીતે તો યોગ્ય નથી જ પણ કાનૂની રીતે પણ અયોગ્ય છે. કાયદો કોઈને પણ અંધારામાં રાખીને કે કોઈ વાત છૂપાવીને તેની સાથે લગ્ન કરવાની મંજૂરી નથી આપતો એ જોતાં એ અપરાધ જ કહેવાય. આ પ્રકારની અપરાધિક પ્રવૃત્તિ સામે ભાજપ સરકાર કંઈ પણ કરે તો તેમાં કશું ખોટું નથી.

સરમાની વાત સાવ મોંમાથા વિનાની છે એવું પણ નથી. સંખ્યાબંધ એવા કિસ્સા જોવા મળે જ છે કે જેમાં મુસ્લિમ છોકરા પોતાની ઓળખ છુપાવીને કે પોતાને હિંદુ ગણાવીને હિંદુ છોકરીઓ સાથે પરિચય કેળવે ને પછી પ્રેમમાં પડે. છોકરીને લગ્ન પહેલા એ વાતની ખબર પડી જાય તો પણ ત્યાં સુધીમાં બંનેના સંબંધો એ હદે આગળ વધી ગયા હોય કે છોકરી બિચારી કશું ન કરી શકે. મુસ્લિમ છોકરાને પરણ્યા વિના તેનો છૂટકો ન થાય ને પછી તેની જિંદગી સાવ નર્ક બની જાય. આ પ્રકારની ઘટનાઓ આપણે જોઈએ જ છીએ એ જોતાં સરમાની વાત સાવ કાઢી નંખવા જેવી નથી જ. આવી ઘટનાઓને રોકવા માટે પગલાં ભરવામાં કશું ખોટું નથી. આ પ્રકારની ઘટનાઓ ઠીક ઠીક પ્રમાણમાં બને છે પણ માનો કે એકલદોકલ ઘટના બને તો પણ સરકારે પગલાં ભરવાં જ પડે કેમ કે અપરાધ તો અંતે અપરાધ જ છે. પ્રેમમાં પડવામાં કશું ખોટું નથી પણ કોઈને છેતરીને પ્રેમ કરવો એ ખોટું જ છે.

આપણે ત્યાં ‘લવ જિહાદ’ની ચર્ચા થાય ત્યારે હિંદુ છોકરીઓને વટલાવીને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલે છે એવી ઉપરછલ્લી વાતો જ થાય છે પણ વાસ્તવમાં ઘણા કેસમાં ગંભીર અને ખરતનાક ઈરાદા પણ કામ કરતા હોય છે. ભારતમાં ‘લવ જિહાદ’નો સૌથી વધારે ગાજેલો કિસ્સો કેરળની અખિલાનો છે. આ કેસમાં પછીથી સુપ્રીમ કોર્ટે અખિલાનાં લગ્નને માન્યતા આપી કેમ કે અખિલા ફરી ગયેલી પણ એ પહેલાં કેરળ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને આ લગ્નને રદ કરેલાં. એ વખતે હાઈ કોર્ટે જે કહેલું અને કેરળની પોલીસે પણ જે રિપોર્ટ આપેલો તેના કારણે ‘લવ જિહાદ’ને ગંભીરતાથી લેવાની જરૂર છે.

અખિલા કેરળનાં કોચીની છે ને તેના પિતા કે.એમ. અશોકન ભારતીય લશ્કરમાં હતા. અખિલા કોચીમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી. અખિલાએ મેટ્રિમોનિયલ સાઈટ પર ઓગસ્ટ 2016માં પોતાનો પ્રોફાઈલ મૂક્યો પછી શફીને સંપર્ક કર્યો હતો. મેસેજની આપલે પછી શફીન અખિલાને મળ્યો પછી અચાનક અખિલા ગાયબ થઈ ગઈ. આ વાતની તેના પિતાને ખબર નહોતી તેથી તેમણે આમતેમ તપાસ કરી ને પછી ઓગસ્ટ 2016માં હાઈ કોર્ટમા હેબિયસ કોર્પસ અરજી કરી. અશોકને આક્ષેપ કર્યો કે, તેમની દીકરીને કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનના લોકોએ ગોંધી રાખી છે ને મુસ્લિમ સાથે પરણાવી દેવા દબાણ કરાય છે.

હાઈ કોર્ટે પોલીસને અખિલાને શોધવા ફરમાન કર્યું પછી મહિનાઓની શોધ પછી અખિલાનું ધર્માંતરણ કરી દેવાયું છે ને તે હાદિયા બનીને શફીન જહાન નામના મુસ્લિમ સાથે કોલ્લમ જિલ્લામાં રહે છે તેની ખબર પડી. પોલીસે કોલ્લમ જઈને શફીનને પકડ્યો ત્યારે તેણે કથા સંભળાવી કે અખિલા પોતાની મરજીથી મુસ્લિમ બની છે ને ડિસેમ્બરમાં બંનેના નિકાહ પણ થયા છે. પોલીસે અખિલાને પૂછ્યું તો તેણે પોતાને ગોંધી રખાયેલી ને પરાણે મુસ્લિમ બનાવીને નિકાહ પઢાવાયા છે તેવું કહ્યું. શફીન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનનો સભ્ય છે ને તેની સામે કેટલાક ગુના નોંધાયેલા છે તેવું પણ તપાસમાં બહાર આવ્યું.

પોલીસે અખિલાને હાઈ કોર્ટમાં રજૂ કરીને રજેરજ રિપોર્ટ આપ્યો. અખિલાએ પિતાને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી પછી હાઈ કોર્ટે સલામતી ખાતર અખિલાને કોચીની હોસ્ટેલમાં મોકલી આપી હતી. પોલીસે ‘લવ જિહાદ’નો મામલો હોવાનો રિપોર્ટ આપેલો. હાઈ કોર્ટે ‘લવ જિહાદ’ની વાત સ્વીકારીને અખિલાને તેનાં મા-બાપ પાસે મોકલી દેવા ફરમાન કરેલું. હાઈ કોર્ટે કેટલીક ગંભીર કોમેન્ટ્સ પણ કરેલી. ‘લવ જિહાદ’ પાછળજ ચોક્કસ કોઈ ટોળકી કે સંગઠન કામ કરે છે ને આ ઉદ્દેશ માટે જ યુવકોની ભરતી કરાય છે તેની તપાસ કરીને આવા બીજા કેસ બન્યા હોય તો તેની વિગતો શોધવા પર હાઈ કોર્ટે ભાર મૂકેલો. શફીને તેની સામે સુપ્રીમમાં અરજી કરી પછી સુપ્રીમ કોર્ટે એનઆઈએને તપાસ કરવા ફરમાન કર્યું હતું.

કેન્દ્રમાં મોદી સરકાર છે તેથી આ પ્રકારના કેસોની તપાસ ઝડપથી કરવાની હોય તેના બદલે છેક આ આમથી કામ શરૂ થયું છે. કમનસીબે હિંદુઓનાં ઠેકેદાર બનીને વર્તતાં સંગઠનોએ પણ કંઈ ન કર્યું. હિંદુવાદી સંગઠનો વચ્ચે વચ્ચે ‘લવ જિહાદ’ની પારાયણ માંડીને બેસી જાય છે ને કકળાટ કરે છે કે, ભારતમાં ‘લવ જિહાદ’ના નામે હિંદુ છોકરીઓને ભોળવીને મુસ્લિમો સાથે પરણાવી દેવાનું એક સુનિયોજીત કાવતરૂં ચાલે છે પણ આ કકળાટ ભાદરવાના ભીંડા જેવો હોય છે. ઘટના બને ત્યારે બહુ હોહા થાય ને પછી અચાનક બધું હોલવાઈ જાય. હિંદુવાદી સંગઠનોનો ઈતિહાસ જરૂર ના હોય ત્યાં ચોળીને ચીકણું કરવાનો છે તેથી ‘લવ જિહાદ’ની વાતને તેમણે કદી ગંભીર સમસ્યા તરીકે ન ઉઠાવી. હવે આસામ સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ખરેખર કશુંક નક્કર થાય એવી આશા રાખીએ.