લવ જેહાદ માટે કાયદો બનાવવો એ બંધારણની વિરુદ્ધ કહેવાય ?

ભારતમાં ભાજપ શાસિત રાજ્યોએ “લવ જિહાદ’ને રોકવા માટે બનાવેલા ધર્માંતરણ કાયદાને કારણે “લવ જિહાદ’નો મુદ્દો લાંબા સમયથી ગાજ્યા કરે છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ સરકારે બનાવેલા ધર્માંતરણ વિરોધી કાયદાની સમીક્ષા કરશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોએ બનાવેલા આ કાયદા સામે મૂળ તો તિસ્તા સેતલવાડની સંસ્થા સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસે અરજી કરેલી. એ સિવાય બીજા કેટલાક વકીલોને પણ વાંધા પડેલા તેથી તેમણે પણ અરજીઓ કરીને આ કાયદાના અમલ સામે મનાઈહુકમની માગણી કરેલી. સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ આપવાનો તો ઈનકાર કર્યો છે પણ આ કાયદાના કારણે આપણા બંધારણે અપનાવેલા બીજા કોઈ અધિકારોનો ભંગ તો થતો નથી ને તેની ચકાસણી કરવા માટે કાયદાની જોગવાઈઓની સમીક્ષા કરવાનું કબૂલ્યું છે.
ભાજપ શાસિત મોટા ભાગનાં રાજ્યો “લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાનું એલાન કરી ચૂક્યાં છે પણ અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ કાયદો બન્યો છે. મધ્ય પ્રદેશ સરકારે કાયદાને મંજૂરી આપી છે પણ હજુ સુધી બંધારણીય રીતે કાયદો પસાર કર્યો નથી. હરિયાણા, આસામ અને કર્ણાટકમાં લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની જાહેરાત થઈ છે પણ વાત આગળ વધી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે ને ગુજરાતમાં “લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની માગ ભાજપના નેતાઓ કર્યા કરે છે પણ વિજય રૂપાણી “લવ જિહાદ’ વિરોધી કાયદા મુદ્દે બહુ ઉત્સાહિત લાગતા નથી તેથી ગુજરાતમાં આવો કાયદો બને એવી શક્યતા ઓછી છે. ગુજરાત સિવાય બીજાં બધાં ભાજપ શાસિત રાજ્યોમાં લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાનો ઉત્સાહ પણ છે તેથી ગુજરાત સિવાય બધાં ભાજપ શાસિત રાજ્યોમાં આ કાયદો બની જશે એવું લાગે છે.
અત્યારે ઉત્તર પ્રદેશના “લવ જિહાદ’ વિરોધી કાયદાની ચર્ચા વધારે છે કેમ કે યોગી આદિત્યનાથ સરકારે તાબડતોબ આ કાયદાનો અમલ પણ કરી દીધો છે ને “લવ જિહાદ’ કરનારા કહેવાતા વિધર્મીઓને પકડી પકડીને જેલમાં પણ ભરવા માંડ્યા છે. ઉત્તર પ્રદેશના કાયદા હેઠળ લગ્ન માટે ધર્માંતરણ કરાવવા બદલ દસ વર્ષ સુધીની જેલની સજા થશે ને આ રીતે થયેલાં લગ્ન રદ્દબાતલ પણ ગણાશે. આ કાયદામાં લગ્ન કરનાર જ નહીં પણ લગ્ન કરાવનાર ધર્મગુરૂ અને લગ્નમાં સાથ આપનારાં બધાંને જેલભેગા કરીને આરોપી ગણવામાં આવે છે. આ કાયદામાં બળજબરીથી ધર્માંતરણ નથી કરાયું એ સાબિત કરવાની જવાબદારી આરોપીની છે એ પણ નોંધપાત્ર છે. આ કાયદા હેઠળ ધર્માંતરણ કરીને લગ્ન કરનારે જિલ્લા કલેક્ટર અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બે મહિના પહેલાં અરજી કરીને જાણ કરવી પડે છે. સત્તાવાળા મંજૂરી આપે પછી જ ધર્માંતરણ અને લગ્ન કરી શકાય એવી જોગવાઈ પણ આ કાયદામાં છે.
હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારનો કાયદો બનાવાયો છે ને તેમાં સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ સિવાય બાકીની જોગવાઈઓ સરખી જ છે પણ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં તેનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ ભાજપ શાસિત રાજ્યોમાં “લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવનારું પહેલું રાજ્ય હતું. હિમાચલ વિધાનસભાએ એક વર્ષ પહેલાં આ કાયદો પસાર કરેલો પણ છેક હમણાં આ કાયદો અમલી બન્યો છે. યુપીના “લવ જિહાદ’ વિરોધી કાયદાનો વિરોધ કરનારાની દલીલ એ છે કે આ કાયદો બંધારણે આપેલા લગ્નના સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ કરે છે ને બહુ આકરો છે. આ કાયદો અત્યાચારી તથા ભયંકર છે. તેમાં પણ લગ્ન પહેલાં મંજૂરી લેવાની વાત તો સાવ વાહિયાત છે. આ સિવાય બીજી પણ દલીલો કરાઈ છે ને તેનો સાર એ છે કે, કોઈ પણ લોકશાહી દેશમાં લગ્નની વાતમાં કાયદાને બહાને દખલ કરાય એ ચાલે જ નહીં તેથી આ કાયદાના અમલ સામે તાત્કાલિક મનાઈહુકમ આપવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ દલીલો અંગે વિચારવાની હા પાડી છે પણ સંબંધિત રાજ્ય સરકારોને સાંભળ્યા વિના મનાઈહુકમ આપવાનો સાફ ઈનકાર કર્યો છે. આ મુદ્દો મહત્ત્વનો છે તેથી ચાર સપ્તાહમાં રાજ્ય સરકારો જવાબ આપે ને પછી તરત સુનાવણી કરાય એ માટે સુપ્રીમે સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટનું વલણ યોગ્ય છે કેમ કે લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ સર્વોપરિ છે ને સંસદ કે વિધાનસભા જે પણ કાયદા બનાવે તેને સ્વીકારવા જ પડે. આ કાયદાના કારણે અન્ય બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો નથી તેની સમીક્ષાનું કામ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ કરે છે પણ વિધાનસભા કે સંસદે બનાવેલા કાયદાનો અમલ રોકી ન શકે. ભૂતકાળમાં આજ પ્રકારના કાયદા બનાવાયા હોય કે જાહેરાતો થઈ હોય એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ મનાઈહુકમ આપી શકે કેમ કે કોર્ટ તેની પહેલાં જ સમીક્ષા કરી ચૂક્યું હોય છે.
સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતની જોગવાઈની જાહેરાત થાય ત્યારે કોર્ટ એવા કિસ્સામાં તાત્કાલિક મનાઈહુકમ આપતી હોય છે કેમ કે અનામતને લગતી જોગવાઈની પાંચસો ને પચાસ વાર સમીક્ષા થઈ ચૂકી છે. અનામતની નવી કોઈ જાહેરાત એ દાયરાની બહાર નથી હોતી તેથી સુપ્રીમ કોર્ટ તાત્કાલિક નિર્ણય લે છે પણ “લવ જિહાદ’ વિરોધી કાયદાની સમીક્ષાનો આ પહેલો કેસ છે. આ સંજોગોમાં રાજ્ય સરકારોને સાંભળ્યા વિના કોઈ પણ નિર્ણય ન લઈ શકાય. સુપ્રીમ કોર્ટ આ કાયદાની સમીક્ષા માટે સુનાવણી શરૂ કરે પછી શું નિર્ણય લેશે તે ખબર નથી પણ સુપ્રીમ કોર્ટમાં આ કાયદા સામેના વાંધા ટકે એવી શક્યતા ઓછી છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં સૌથી મોટો વાંધો યોગી સરકારના “લવ જિહાદ’ વિરોધી કાયદા સામે લેવાયા છે તેથી તેના સંદર્ભમાં જ વાત કરીશું તો આ વાત સમજાશે.
મોદી સરકારે સંસદમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, બંધારણમાં “લવ જિહાદ’ની કોઈ વ્યાખ્યા કરાઈ નથી તેથી “લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવી ન શકાય. આ નિવેદન એકદમ ટેક્નિકલ ને વાસ્તવમાં તો કુશળતા પૂર્વકનું છે ને ભાજપ શાસિત રાજ્યો “લવ જિહાદ’ વિરોધી કાયદામાં આ વાતનું પૂરું ધ્યાન રાખીને જ આગળ વધી છે. યોગી સરકારે પણ એ વાતનું ધ્યાન રાખ્યું જ છે કેમ કે તેના કાયદામં ક્યાંય લવ જિહાદની વાત જ નથી. યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશ વિધિ વિરૂદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ, 2020 નામે બહાર પાડેલા વટહુકમમાં “લવ જિહાદ’ની વાત જ નથી. આ કાયદો કહેવાતી “લવ જિહાદ’ કરનારા સામે છે પણ વાસ્તવિક રીતે આ કાયદો ધર્માંતરણ વિરોધી છે. આ કાયદામાં ધર્માંતરણ સાથે જોડાયેલા લગ્નની વાતને આવરી લેવાઈ છે પણ કોઈનો મનપસંદ વ્યક્તિ સાથે લગ્નનો અધિકાર નથી છિનવી લેવાતો.
ભારતમાં અત્યારે જે કાયદા છે તેમાં બળજબરીથી કરાતું ધર્માંતરણ અપરાધ છે જ. આપણું બંધારણ પુખ્ત વયની દરેક વ્યક્તિને મનપસંદ જીવનસાથી સાથે લગ્નનો અધિકાર આપે છે અને ધર્માંતરણની પણ મંજૂરી આપે છે પણ ધર્માંતરણ બળજબરીથી કરાવાય તો એ અપરાધ છે. યોગી સરકારના કાયદામાં આ જ મુખ્ય જોગવાઈ છે. આ કાયદા હેઠળ એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે એ માટે સજાની જોગવાઈ નથી પણ બળજબરીથી ધર્માંતરણ કરાવીને લગ્ન કરાવાય તો તેના માટે સજાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ કોઈ પણ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવવાના ઉદ્દેશથી જ કરાતાં લગ્ન બદલ દસ વર્ષ સુધીની જેલની સજા ને ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
આ જોગવાઈઓ દેશના બંધારણની કોઈ જોગવાઈની વિરૂદ્ધ નથી કે દેશના લોકોનો કોઈ અધિકાર છિનવી લેતી નથી. બંધારણ દરેક મૂળભૂત અધિકારો હેઠળ દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ આપે છે. વ્યક્તિ ઈચ્છે તો ધર્મ પણ બદલી શકે ને જ્યારે બદલવો હોય તેયારે બદલી શકે. યુપીના “લવ જિહાદ’ના કાયદામાં આ હક છિનવી નથી લેવાતો પણ માત્ર આગોતરી જાણ કરવાની રહે છે. અત્યારના ધર્માંતરણને લગતા કાયદામાં પણ ધર્માંતરણ કરવા ઈચ્છનારે મહિના પહેલાં જાણ કરવી જ પડે છે એ જોતાં આ જોગવાઈ પણ બંધારણથી વિરૂદ્ધ નથી. ફરક એટલો જ છે કે, કોઈ યુવતી કે યુવક લગ્ન પછી પોતાનો ધર્મ બદલવા માગતાં હોય તો તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને બે મહિના પહેલાં અરજી કરવાની રહેશે. જે લોકો રાતોરાત છોકરીઓના ધર્મ બદલાવીને લગ્ન કરે છે તેમને આ વાત માફક આવે એવી નથી તેથી એ બધા દેકારા કરે છે પણ આ જોગવાઈ બંધારણની વિરૂદ્ધ નથી. આ બધું જોતાં “લવ જિહાદ’ વિરોધી કાયદાને સુપ્રીમ કોર્ટ ફગાવે એ શક્યતા ઓછી છે.