લાઠીના અલીઉદેપુરમાં વ્યાજંકવાદીઓનો આતંક : પોલીસ દ્વારા કડક કાર્યવાહી

  • 16 લાખની સામે 27 લાખનું વ્યાજ લીધુ, કાર પડાવી અને જમીન પડાવી લીધી
  • હોસ્પિટલના ખાડામાં ઉતરેલા મધ્યમ ખેડુતે લીલીયાના ત્રણ શખ્સો પાસેથી મજબુરીવશ વ્યાજે નાણા લીધા હતા : ત્રણ ટકાના સીધા પાંચ ટકા થઇ ગયા અને….

અમરેલી,
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાના 300 જેટલા વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરાયા પછી એક બાદ એક વ્યાજખોરોનો વારો ચડી રહયો છે અને વ્યાજખોરો જેલના સળીયા પાછળ ધકેેલાય રહયા છે વ્યાજખોરીના નેટવર્કનો વધુ એક પર્દાફાશ લાઠી પોલીસમાં થવા પામ્યો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે લાઠીના અલીઉદેપુરમાં રહેતા કિશોરભાઇ ભીમજીભાઇ માલવીયા નામના ખેડુતના પિતાને કેન્સર થતા તેની સારવાર માટે 20 લાખની જરૂરત હોય મુળ ટોડા ગામના અને હાલ લીલીયા રહેતા ભુપત અરજણભાઇ બંધીયા તથા હાર્દિક ભુપતભાઇ બંધીયા અને વિજય હાદાભાઇ બેલાએ કિશોરભાઇને તેની સાડા સાત વીઘા જમીનમાંથી પાંચ વીઘા જમીન પોતાના નામે કરાવી ત્રણ ટકાના વ્યાજે 16 લાખ રૂપીયા ત્રણ વર્ષ પહેલા આપ્યા હતા અને રૂપીયા વ્યાજે લીધાના ચોથા મહિનાથી તેમણે વ્યાજ ત્રણ ટકાને બદલે પાંચ ટકા કરી નાખ્યુ હતુ.
ત્રણ વર્ષમાં 16 લાખની સામે કિશોરભાઇએ 27 લાખ રૂપીયા ચુકવી દીધા હતા અને વધારાના 10 લાખ માંગતા હોય 10 લાખ આપ નહીતર તારી વધેલી અઢી વીઘા જમીન મારા નામે કરી આપ તેમ કહેલ અને કિશોરભાઇની હપ્તેથી લેવાયેલી મહિન્દ્રા કંપનીની કાર તેને માર મારી ઉઠાવી ગયા હતા આથી કિશોરભાઇએ તેમને ફોન કરી આ કાર હપ્તાની લીધેલી છે તે લોકો હપ્તા માંગે છે અને કાર માંગે છે તે પાછી આપો તેમ કહેતા આ શખ્સોએ હવે તારે 10 ને બદલે 20 લાખ અને કારના 2 લાખ મળી 22 લાખ બીજા દેવા પડશે તેમ કહેતા કિશોરભાઇએ લાઠી પોલીસમાં આ ત્રણેય વ્યાજંકવાદીઓ સામે ગુનો દાખલ કરાવતા લાઠી પીએસઆઇ શ્રી યશવંતસિંહ ગોહિલે ગુનો દાખલ કરી વ્યાજખોરોની શોધખોળ શરૂ કરી છે.