લાલુને હવે ઘરડે ઘડપણ સજા થાય ત્યારે બહુ અર્થ નથી

ઘાસચારા કૌભાંડને લગતા વધુ એક કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા રાંચીની સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને દોરાન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાની ઘાલમેલ કરવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. ઘાસચારા કૌભાંડમાં લાલુને પાંચમા કેસમાં સજા થઈ છે. આ પહેલાં ઘાસચારા કૌભાંડને લગતા ચાર કેસમાં લાલુને સજા થઈ ચૂકી છે. તેમને એક કેસમાં તો પાંચ વર્ષની સજા થયેલી ને તેના કારણે લાલુ પ્રસાદ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ આવી ગયો છે. એ પછી બીજા બે કેસમાં ત્રણ-ત્રણ વર્ષની ને એક કેસમાં ચાર વર્ષની સજા થઈ છે. લાલુ રાંચીની જેલમાં આ બધી સજા ભોગવતા જ હતા ને ત્રણ-ચાર મહિના પહેલાં જ જેલમાંથી બહાર આવેલા. હવે પાંચમા કેસમાં પણ દોષિત ઠરતાં લાલુએ પાછા જેલભેગા થવું પડશે.
રાંચીની સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને ઉપરાછાપરી કેસોમાં દોષિત ઠેરવ્યા તેના કારણે લાલુ પ્રસાદ લાંબા સમયથી જેલની હવા જ ખાતા હતા. એ માંડ માંડ હાઈ કોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવેલા ત્યાં હવે ફરી વધુ એક કેસમાં દોષિત ઠરતાં જામીન મેળવવા હાઈ કોર્ટમાં અરજી કરવી પડશે. લાલુને આ કેસમાં કેટલી સજા થઈ એ જજે નક્કી કર્યું નથી ને તેના માટે 21 ફેબ્રુઆરીની મુદત પાડી છે તેથી લાલુપ્રસાદે જામીન અરજી કરવા માટે પણ અઠવાડિયાની રાહ જોવી પડશે. પાંચમા કેસમાં દોષિત ઠરતાં જ લાલુને પાછા જેલભેગા કરી જ દેવાયા છે તેથી આ અઠવાડિયું લાલુનું જેલમાં જ જશે.
લાલુને સજા થઈ એ ચુકાદો ખરેખર સારો છે કેમ કે આપણે ત્યાં ભ્રષ્ટાચારી નેતાઓને બહુ સજા થતી નથી. એ રીતે આ ચુકાદાને વખાણવો પડે પણ કમનસીબે આ ચુકાદો બહુ મોડો છે આવ્યો છે. વાસ્તવિક રીતે જોઈએ તો આ પ્રકારના ચુકાદાનો હવે અર્થ રહેતો નથી. તેનું કારણ એ કે, લાલુને બહુ મોડી સજા થઈ છે ને તેમણે બધું ભરપૂર ભોગવ્યું છે. ન્યાયમાં થયેલા વિલંબના કારણે લાલુને બધું સેટ કરી દેવા માટે ભરપૂર સમય મળ્યો છે. તેનો તેમણે ભરપૂર લાભ લઈને પોતાના પરિવારને યોગ્ય રીતે ગોઠવી દીધો છે. સરવાળે તેમના દબદબામાં કે રાજકીય પ્રભુત્વમાં કોઈ ફરક પડ્યો નથી.
ઘાસચારા કૌભાંડ છેક 1996નું છે. આ કૌભાંડને 26 વર્ષ થઈ ગયાં ને આટલાં વરસે કોઈ પણ કેસમાં સજા થાય તેનો અર્થ નથી. આ સજા પણ છેલ્લાં પાંચેક વરસથી થઈ રહી છે. બાકી એ પહેલાંનાં 20 વર્ષ તો સાવ વેડફાયાં જ હતાં. આ 20 વર્ષથી ઘાસચારા કૌભાંડમાં ન્યાયના નામે ચલકચલાણું ચાલ્યું હતું. એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં કેસ ફંગોળાયા કરતો હતો પણ કેસનો નિવેડો નથી આવતો. પટણાની સીબીઆઈ કોર્ટે 2013માં ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને પહેલી વાર પાંચ વર્ષની સજા ફટકારી હતી. એ કેસમાં તેમને જામીન મળી ગયા હતા તેથી એ ખુલ્લેઆમ બહાર ફરતા હતા. તેના કારણે એ સજાનો અર્થ નહોતો. એ પછી તેમણે જેલમા જવું પડ્યું પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.
1996માં આ કૌભાંડ બહાર આવેલું ત્યારે બહુ હોહા મચેલી. એ વખતે એવી વાતો થતી હતી કે લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડમાં ભૂંડી રીતે ભેરવાઈ ગયા છે ને તેમનું બોર્ડ પતી જવાનું. કમનસીબે લાલુને તેમનાં કરમોની સજા મળવાની વાત તો છોડો પણ તેમનું કોઈ કશું બગાડી પણ શક્યું નથી. ઘાસચારા કૌભાંડમાં નામ ઉછળ્યું પછી લાલુએ નૈતિકતાનું નાટક કરીને રાજીનામું ધરી દીધેલું. જો કે પોતાના સ્થાને તેમણે પોતાની પત્ની રાબડીદેવીને બિહારની ગાદી પર બેસાડી દીધેલી ને હળાહળ પરિવારવાદ શરૂ કર્યો હતો.
લાલુએ પોતે સાડા સાત વરસ જેટલું રાજ કરેલું ને પછી રાબડીદેવીએ બીજાં સાડા સાત વરસ ખેંચી કાઢ્યાં. એ રીતે તેમણે પંદર વરસ લગી બિહારની બરાબરની દુર્દશા કરી ને બિહારમાં એકચક્રી શાસન ભોગવ્યું. પછી બિહારની જનતાને લાલુ-રાબડીનો મોહ ઊતરી ગયો અને નીતીશ કુમાર ગમવા માંડ્યા એટલે લાલુ પ્રસાદ કેન્દ્ર સરકારમાં ગોઠવાઈ ગયા હતા. કોંગ્રેસ સાથે ગોઠવણ કરીને લાલુ કેન્દ્રમાં મંત્રી બન્યા ને કેન્દ્રમાં તેમણે પાંચ વરસ લગી રેલવે જેવું મલાઈદાર ખાતું ભોગવ્યું હતું. વચ્ચે વચ્ચે આ કેસમાં નાના નાના આંચકા આવી ગયા પણ લાલુ પ્રસાદ જેવા ખેલાડીને તેની કંઈ અસર ના થઈ ને એ નફફટાઈથી સત્તા ભોગવતા રહ્યા છે.
લાલુ પ્રસાદે આ સમયનો ઉપયોગ પોતાના પરિવારનું બિહારમાં વર્ચસ્વ ઊભું કરવા કર્યો છે. પટણાની સીબીઆઈ કોર્ટે 2013માં ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફટકારી તેના કારણે લાલુ પ્રસાદની રાજકીય કારકિર્દીને ગ્રહણ લાગી ગયું હતું. બંધારણીય જોગવાઈ એવી છે કે તમને ફોજદારી કેસમાં બે વર્ષ કરતાં વધારે સજા થાય એટલે તમે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ના રહી શકો. લાલુ ફોજદારી કેસમાં અપરાધી ઠર્યા એટલે સૌથી પહેલાં તો લાલુએ બંધારણીય જોગવાઈ પ્રમાણે રાજ્યસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. ફોજદારી કેસમાં દોષિત ઠર્યા છે એટલે લાલુ પ્રસાદ ચૂંટણી પણ ના લડી શકે. આમ આ ચુકાદાને કારણે લાલુ ના ચૂંટણી લડી શકે કે નથી સત્તા ભોગવી શકતા પણ તેના કારણે તેમને ઝાઝો ફરક નહોતો પડ્યો.
લાલુએ ઘાસાચારા કૌભાંડ બહાર આવ્યું ત્યારે જ રાબડીદેવીને મુખ્યમંત્રીપદે બેસાડીને રાષ્ટ્રીય જનતા દળને પોતાની બાપીકી પેઢી બનાવી દીધી હતી. તેની મદદથી વરસોથી તેમની દુકાન ચાલે છે. તેમણે પોતાના બદલે પોતાના દીકરાઓને ગોઠવી દીધા ને અત્યારે તેજસ્વી બિહારમાં વિપક્ષનો નેતા છે. લાલુ અને નીતીશ સાથે મળીને ચૂંટણી લડ્યા પછી તો તેજસ્વી બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે ગોઠવાઈ ગયો હતો.
લાલુ પ્રસાદ પણ નાયબ મુખ્યમંત્રીના પિતા તરીકે પોતે પણ વટ મારી ખાતા હતા તેથી આ બધા કેસોના કારણે તેમને કોઈ ફરક પડ્યો નહોતો. તેમનો દીકરો તેજસ્વી પણ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયો પછી નીતીશ બગડ્યા તેથી તેમની સાથેના સંબંધો બગડ્યા ને સરકારમાંથી જવું પડ્યું પણ રાજકીય રીતે લાલુ મજબૂત જ છે ને બીજો કશો ફરક પડ્યો નથી. લાલુએ પોતાની સત્તાનો ઉપયોગ તેમણે રાજકીય દબાણ સર્જીને કેસને લંબાવવામાં ને મજા કરવામાં કર્યો છે. ઝારખંડમાં તેમના મળતિયા હેમંત સોરેનની સરકાર છે તેથી જેલમાં હોવા છતાં તે મજા કરતા હતા. કેન્દ્રમાં તેમના વિરોધી ભાજપની સરકાર આવી તેમાં થોડુંક દબાણ આવે પણ તેના કારણે પણ કશું વધારે થયુું નથી. અત્યારે વિરોધી ભાજપની સરકાર છે તેથી સીબીઆઈ કોર્ટે સજા કરી પણ લાલુને બહુ ફરક પડતો નથી. લાલુ-રાબડીદેવીનું પંદર વર્ષ લગી બિહારમાં એકચક્રી શાસન હતું. એ દરમિયાન તેમણે બેફામ લૂંટ ચલાવીને ઘર ભર્યું છે. આ પૈસે જ એ કેસો લડ્યા કરે છે તેથી તેમણે એ પણ ચિંતા કરવાની નથી.
લાલુ સામેના કેસોમાં ન્યાયતંત્રે પણ અસહ્ય વિલંબ કર્યો છે. ઘાસચારાના કૌભાંડમાં વારંવાર નવા નવા ફણગા ફૂટ્યા છે ને કોર્ટે અલગ અલગ વાતો કરી તેમાં પણ કેસ લંબાયો છે. ઉદાહરણ તરીકે, લાલુ સામે જે મૂળ કેસ નોંધાયો તેમાં ગુનાઈત કાવતરાનો આરોપ હતો. તેની સામે લાલુએ અપીલ કરતાં નવેમ્બર 2014માં ઝારખંડની હાઈ કોર્ટે એ આરોપ કાઢી નાંખેલા. હાઈ કોર્ટનું કહેવું હતું કે, એક માણસ સામે એકના એક અપરાધ માટે બે વાર કેસ ના ચલાવી શકાય.
સીબીઆઈ તેની સામે સુપ્રીમ કોર્ટમાં જતાં સુપ્રીમ કોર્ટે ફરમાન કરેલું કે, 900 કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સામેના પાંચ કેસોમાં ગુનાઈત કાવતરાનો આરોપ પણ ઉમેરાય ને એ રીતે કેસ ચલાવાય. હાઈ કોર્ટની મનાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અઢી વર્ષ નિકળી ગયેલાં. સુપ્રીમે હાઈ કોર્ટનો ચુકાદો ફેરવી નાંખીને લાલુ સામે ગુનાઈત કાવતરાની કલમ ઉમેરીને કેસ ચલાવવા ફરમાન કર્યું તેમાં અઢી વરસ વેડફાઈ ગયાં હતાં.
આ તો એક જ ઉદાહરણ આપ્યું પણ આવા તો ઘણા દાવપેચ આ કેસમાં થયા છે ને તેના કારણે કેસ લંબાતો જ ગયો છે. તેના કારણ લાલુને તેમનાં કરમોની સજા મળવી જોઈએ ત્યારે મળી નહીં. હવે ઘરડે ઘડપણ સજા થાય ત્યારે બહુ અર્થ નથી.