લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

મંગળવારે પ્રજાસત્તાક દિને પાટનગર નવી દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાના બહાને થયેલી હિંસા અને લાલ કિલ્લા પર ફરકાવાયેલા ધાર્મિક ધ્વજ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સવારે એક અરજી કરવામાં આવી હતી.
અરજદારે કોર્ટને દિલ્હીમાં થયેલી હિંસા અંગે સુઓ મોટો (સ્વયં) નોંધ લેવાની વિનંતી કરી હતી અને લાલ કિલ્લા પર બીજો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની માગણી કરવામાં આવી હતી.
વિશાલ તિવારી નામના ધારાશાસ્ત્રીએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને એવી પણ વિનંતી કરી હતી કે નવી દિલ્હીમાં થયેલી હિંસાની સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજના પંચ દ્વારા તપાસ કરાવવી અને હિંસાખોરોને સજા કરવી. આ વકીલની પહેલાં કાયદાના એક વિદ્યાર્થીએ પણ દેશના ચીફ જસ્ટિસ એસ એ બોબડેને પત્ર લખીને લાલ કિલ્લા પર ફરકાવાયેલા ધાર્મિક ધ્વજ બાબત સ્વયં નોંધ લઇને કેસ કરવાની વિનંતી કરી હતી.