લાલ કિલ્લા હિંસા: હિંસાખોરો સામે દેશદ્રોહનો કેસ દાખલ

ગયા પ્રજાસત્તાક દિને ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થયેલી હિંસા અને ઉત્પાતની ઘટનાઓના સંબંધમાં દિલ્હી પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. પોલીસ તે ઘટના વિશે તપાસ કરી રહી છે અને ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ ૧૨૪-એ (દેશદ્રોહ)નો કેસ નોંધ્યો છે. પોલીસનો દાવો છે કે ઉપદ્રવીઓ-દેખાવકારોને તે દિવસે વારંવાર સમજાવાયું હતું કે તેમણે આ રૂટ પરથી જવાનું નથી, તે છતાં તેઓ માન્યા નહોતા અને લાલ કિલ્લા પરિસરમાં ઘૂસી ગયા હતા. એમના હાથમાં તલવાર, પિસ્તોલ, ડંડા, ફરસી જેવા હથિયારો હતા. પોલીસોને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે તેમણે પોલીસ જવાનોને દોડાવી-દોડાવીને માર્યા હતા અને એમની પાસેની રાઈફલ, કારતૂસ જેવી સામગ્રી છીનવી લીધી હતી. તેમણે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરાયેલા સરકારી આયોજનમાં અવરોધ ઊભો કર્યો હતો અને હિંસા કરી ૧૪૧ પોલીસ જવાનોને જખ્મી કર્યા હતા.
આ પહેલાં, દિલ્હી પોલીસ લાલ કિલ્લા ખાતે થયેલા હિંસાના બનાવના સંબંધમાં અભિનેતા દૃીપ સિધુ અને ગેંગસ્ટરમાંથી સમાજસેવક બનેલા લાખા સિધના સામે એફઆઈઆર નોંધી ચૂકી છે.