લીલીયાનાં ગુંદરણ નજીક બે સગી બહેનો પુરમાં તણાતા એકનું મોત

લીલીયા,
લીલીયા પંથકમાં મેઘરાજાની મહેર કહેર સાબિત થતી ઘટના લીલીયાના ગુંદરણ નજીક ખેતરાઉ પાણીના પ્રવાહમાં ઘટી હતી ને બે સગી બહેનો પૂરના પ્રવાહમાં તણાઈ જતાં એક યુવતીનો ખેત મજુર સવાભાઈ એ જીવના જોખમે બચાવી લીધી હતી જ્યારે એક યુવતી પાણીના પ્રવાહમાં એક્ટિવા બાઇક સાથે તણાઈ જતા એક દોઢ કિલોમીટર દૂર યુવતીની લાશ મળી આવતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી યુવતીઓ પાણીના પ્રવાહમાં તણાઇ જવાની ઘટના ઘટતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કલેકટર, પ્રાંત કલેકટર, મામલતદાર, ટી.ડી.ઓ. સહિત ભાજપના પદાધિકારીઓને ઘટના સ્થળે તાબડતોબ મોકલ્યા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે આજે લીલીયાના ઢાગલા ગામે રહીને પોસ્ટ માં સર્વિસ કરતી શેફાલી મહેશભાઈ વસાવા નામની યુવતી આજે પાંચતલાવડા ખાતે પોસ્ટનો થેલો લેવા જતી વેળાએ લીલીયાના ગુંદરણ ગામની નજીક આવેલા કોઝવે જેવા ખેતરાઉ પાણીનો પ્રવાહ વહેતો હતો ત્યારે બંને બહેનો ત્યાં ઊભી રહી ગયેલ પણ અચાનક પાણીનો પ્રવાહ જોશથી આવતા બન્ને બહેનો પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાઈ ગયેલી હતી ને રાડારાડ દેકારો કરતા શેફાલી વસાવા ને બાજુમાં ખેતી કરતા ખેતમજૂર સવાભાઇ એ જીવના જોખમે બચાવી લીધી હતી પણ કરમની કઠણાઈ કે સાફિયાં વસાવા (ઊ.વ.23) ને બચાવવામાં સફળતા ન મળતા પાણીના પ્રવાહમાં સાફીયા વસાવા બાઇક સાથે તણાઈ ગઈ હતી બે યુવતીઓ તણાઈ જવાની ઘટના લીલીયા પંથકમાં ઘટતા ધારાસભ્ય મહેશ કસવાળાએ તાકીદે કલેકટર અમરેલી, પ્રાંત કલેકટર સાવરકુંડલા, લીલિયા મામલતદાર અને ટી.ડી.ઓ. અને લીલીયા પોલીસને જાણ કરીને તાકીદે ઘટનાસ્થળે પહોંચીને ઘટતી કાર્યવાહી કરવાની સૂચનાઓ ધારાસભ્ય કસવાળાએ આપી હતી. લીલિયા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત, ભીખુભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા ઢાગલા સરપંચ વાસૂર ભાઈ ડેર ભરતભાઈ હુબલ સાથે લીલીયા હોમગાર્ડની આપદા ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી ને જરૂરી સેવાઓમાં નેતાઓ કામે વળગ્યા હતા ત્યારે સ્થાનિકોની એક દોઢ કલાકની જહેમત બાદ સાફીયા વસાવાની લાશ એક દોઢ કિલમીટર દૂર મળી આવી હતી ને યુવતીના મોતથી વસાવા પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ હતી.