લીલીયા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

લીલીયા, લીલીયા ભાભા માર્કેટયાર્ડમાં ભારત સરકારની પીપીએસ યોજના હેઠળ તા.7-3-22 સવારનાં 9 કલાકે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ યાર્ડ ખાતે યોજાયેલ સમારંભમાં યાર્ડનાં ચેરમેન હનુભાઇ ધોરાજીયા, વાઇસ ચેરમેન મગનભાઇ દુધાત, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાં વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, આઇએફએફડીસીનાં સંગીતાબેન રાજપુત, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનાં ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઇ દુધાત, ભીખાભાઇ ધોરાજીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે અંદાજે 400 મણ ચણાનીખરીદી કરવામમાં આવેલ છે. તેમજ લીલીયા તાલુકામાં બહોળા પ્રમાણમાં ચણાનાં વાવેતરનાં કારણે ખેડુતો દ્વારા વધારેમાં વધારે ટેકાના ભાવે સરકારશ્રીની ખરીદીનો લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ તકે યાર્ડનાં તમામ ડીરેક્ટરશ્રીઓ, સેક્રેટરી આર.ડી.ઉમરેઠીયા તથા ખરીદ કરનાર મંડળી એફપીઓનાં ચેરમેન મનીષભાઇ ધાનાણી, તાલુકા ભાજપનાં પદાધિકારીઓ તથા તાલુકાનાં અગ્રણી ખેડુત આગેવાનો અને સહકારી મંડળીઓનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ધર્મેશભાઇ દેશાઇ તથા કલ્પેશભાઇ માંદળીયાએ કર્યુ હતું.