લુણસાપુરની સિન્ટેક્ષનો બેન્કોને સાડા ચાર હજાર કરોડનો ધુબો

  • માંદા યુનિટમાંથી પણ બેન્ક નફો કરે છે ત્યારે સિન્ટેક્ષ ઇન્ફ્રા કંપનીમાં માલિકો શા માટે નિષ્ફળ ગયા ? કૌભાંડની આશંકા : તપાસ થવી જોઇએ 

અમરેલી,
રાજુલા તાલુકાનાં લુણસાપુરની સિન્ટેક્ષ નામની કંપનીએ બેન્કોને સાડા ચાર હજાર કરોડનો ધુબો માર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કુલ છ હજાર કરોડના પ્રોજેકટમાં સિન્ટેક્ષ ઇન્ફ્રા એનપીએ થઇ છે અને તેની સાથે સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લી. કંગાળ થવાની હાલતમાં હોવાનું ચર્ચાઇ છે ત્યારે આ માંદા યુનિટને સંભાળી લઇ અને તેમાથી નફો કરે છે ત્યારે સિન્ટેક્ષ ઇન્ફ્રા કંપનીમાં માલિકો શા માટે નિષ્ફળ ગયા ? તેની ચર્ચાથી મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ મામલે સરકાર દ્વારા તપાસ થવી જોઇએ.
અંદાજે દસેક વર્ષ પહેલા છ હજાર કરોડનો પ્રોજેક્ટ રાજુલાથી જાફરાબાદ જતા માર્ગમાં આવતા લુણસાપુર પાસે નાખવામાં આવ્યો હતો. અહીં રૂ માંથી દોરા બનાવવામાં આવે છે અને ભારતમાં એક જ ઠેકાણે બનતા લીલન અને મીલાન્જ પ્રકારનાં દોરા બને છે. આવા દસ લાખ સ્પીન્ડલ (મશીન) આ ફેક્ટરીમાં છે. અને આ ફેક્ટરી વિશ્ર્વ કક્ષાની ગણવામાં આવે છે. આવુ મોટુ યુનિટ ભાગ્યે જ ક્યાંક હશે. આ ફેક્ટરીની અંદર શરૂઆતમાં આઠ હજાર કરતા વધારે લોકોને રોજી મળતી હતી.
કંપની માટે સિન્ટેક્ષના માલિકોએ સાડાચાર હજાર કરોડની 11 જેટલી બેન્કોમાંથી લોન લીધી હતી. જેમાં સૌથી મોટી લોન પીએનબીની છે. ટેક્સ ફ્રી, જીએસટીમાં ફાયદો સહિતનાં લાભો અને સબસીડીના લાભ લઇ બેન્કને સમયસર હપ્તા દેવાને બદલે હપ્તા ન ચુકવાતા આ સિન્ટેક્સનાં બે યુનીટ પૈકીનાં સિન્ટેક્સ ઇન્ફ્રાને બેન્કે એનપીએ જાહેર કરી તેનો કબ્જો સંભ્ળાયો હતો જ્યારે બીજા યુનિટ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ને પણ એનપીએ કરવાની દિશા તરફ હિલચાલ થતા તેનો વિવાદ શરૂ છે.
જાણવા મળતી માહિતી અનુસાર જો આ યુનિટ બંધ થાય તો પાંચેક હજાર લોકોની રોજગારી બંધ થાત તેથી બેન્કે આ બિમાર પડેલા ઉદ્યોગનું સુકાન સંભાળ્યુ અને નફો થઇ રહ્યો છે. ત્યારે જો બેન્કો બેઠા બેઠા માત્ર ઓબ્ઝર્વેશન કરી અને કમાણી કરી રહી હોય અને તે પણ ફેક્ટરીની મશીનરી વાપરીને કારણ કે અત્યારે અહીં સિન્ટેક્સની પોતાની બ્રાન્ડને બદલે બીજી મીલોનું જોબવર્ક કરવામાં આવે છે અને તેમાં પણ બે પૈસાનો નફો થાય છે. જો બેન્કો નફો કરતી હોય ત્યારે માલીક નિષ્ફળ કેમ જાય તે તપાસનો વિષય છે અને સરકાર દ્વારા આ મામલાની તપાસ થઇ જોઇએ. ચેક રિટર્નનાં પાંચ દસ હજાર રૂપિયામાં કે બે પાંચ રૂપિયામાં કોર્ટમાં આરોપીઓને સજા થતી હોય છે ત્યારે અહીં તો મામલો સાડા ચાર હજાર કરોડનો છે તેમાં આવા પગલા શા માટે નહીં તેવો સવાલ પણ જનતામાં જાગ્યો છે.
જો કે, આ ફેક્ટરીનાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કોન્ટ્રાકટરોએ કરેલા કામના રૂપિયા પૈકી રૂપિયા 55 કરોડ કંપની પાસે હજુ બાકી હોવાનું મનાઇ રહ્યું છે. જેમાં 30 કરોડ તો માત્ર રાજુલા પંથકનાં જ લોકોનાં છે અને બાકીનાં 25 કરોડ બહારનાં કોન્ટ્રાક્ટરોનાં છે. અને સ્થાનિક મેનેજમેન્ટની કચાસને કારણે આ કંપની સામે લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે હકીકતમાં કંપનીની હાલત એવા તબક્કામાં છે કે તે અત્યારે ચાલે છે તો ચાર પાંચ હજાર લોકોનાં ચુલા સળગે છે.