લુવારા : કાઠી ક્ષત્રીય સમાજની જીત : કોન્સટેબલ સસ્પેન્ડ

  • કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સમાજની દિકરીને ન્યાય અપાવવા માટે ઠેર ઠેર ઉઠાવાયેલ અવાજને સફળતા : ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરાયેલ 
  • એસઓજીમાં ફરજ બજાવતા કોન્સટેબલ સંજયકુમાર પરમારને તાત્કાલીક અસરથી ફરજ મૌકુફ કરી કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપતા આઇજીશ્રી અશોકકુમાર

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે 26 જાન્યુઆરીએ ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલ પોલીસ પાર્ટીના કર્મચારી દ્વારા આરોપીના બહેન સાથે ગેરશિસ્ત દાખવી અને તેની સામે 307 મુજબ ગુનો નોંધ્યો હોવાની ફરિયાદ સાથે કાઠી ક્ષત્રીય સમાજમાં રોષની લાગણી જન્મી હતી અને લુવારામાં કાઠી ક્ષત્રીય સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો હતો તથા ત્યાર બાદ સુરજદેવળમાં મહા સંમેલન યોજાયુ હતુ અને 22મી એ અમરેલી એસપી કચેરીએ ન્યાયની માંગણી સાથે ઘેરાવ કરવાનો તથા રાજુલાના કોટડી, વડલી તથા દાધીયા, હાડીડા, ગોપાલગ્રામ, ગરમલી, વાવડી, ઢોલરવા, દહીંડા, માણા વાવ, ચલાલા, ટીમલા અને ક્રાંકચ તથા કડીયાળા, ધારાનાનેશ તથા વડ, સુરેન્દ્રનગરના કાંધાસર અને જાની વડલા ગામના કાઠી ક્ષત્રીય સમાજે શુક્રવારે સોશ્યલ મિડીયામાં મતદાનનો બહિષ્કાર કરનાર હોવાના બેનર અને વિડીયો વાયરલ કર્યા હતા.દરમિયાન આ ઘટના અંગે થયેલી રજુઆતો અને ફરિયાદોને પગલે ભાવનગર રેન્જના આઇજી શ્રી અશોકકુમાર (આઇપીએસ)એ તપાસ કરી હતી અને તેમણે તપાસના અંતે આજે જારી કરેલી યાદીમાં જણાવ્યુ છે કે, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના લુવારા ગામે અશોકભાઇ જૈતાભાઇ બોરીચા વોન્ટેડ હતા તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ તથા SOG લુવારા ગામે તા.26/01/2021ના રોજ રેડ કરવા ગયેલ હતાં. તે દરમ્યાન અમરેલી જિલ્લાના SOG ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી સંજયકુમાર ગીગાભાઇ પરમાર બ.નં.719નાઓએ અશોકભાઇ જૈતાભાઇ બોરીચાના બહેન હેમુબેન W/O દિનેશભાઇ વાસ્તુરભાઇ ખાચરનાઓ સાથે અશોભનિય વર્તન કરેલ, જે શિષ્તબધ્ધ પોલીસ ખાતાના સભ્ય હોવા છતાં હેમુબેન સામે ગેરશિસ્ત આચરી, અશોભનિય વર્તન કરી ફરજમાં નિષ્કાળજી અને ગેરશિસ્ત દાખવેલાનું જણાઇ આવેલ હોય તેઓએ ગુજરાત રાજ્ય સેવા વર્તૂણંક નિયમોનો ભંગ કરવાની કસુર કરેલ હોય જે કસુર સબબ પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી સંજયકુમાર ગીગાભાઇ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા સમગ્ર બાબતને ધ્યાનમાં લઇ ભાવનગર રેન્જ વડાશ્રી અશોક કુમાર IPS નાઓ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી સંજયકુમાર ગીગાભાઇ પરમારને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ (Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ગુનેગાર સામે પગલા લેવા જોઇએ પરંતુ તેમના પરિવારજનો સાથે ગેરબંધારણીય કામ ન થવુ જોઇએ તેવી રજુઆત અને ફરિયાદો કરાઇ હતી જેના પગલે આરોપીના બહેન સાથે અશોભનિય વર્તન કરનાર પોલીસ મેનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને કાઠી ક્ષત્રીય સમાજની માંગણીની જીત થઇ છે.