અમરેલી,અમરેલી જિલ્લાના રીયલ હીરો અને જે છેલ્લા કેટલાય સમયથી નિરાતે ઉંઘ્યા નથી તેવા કોરોના વોરીયર્સ કલેકટરશ્રી આયુષ ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય અને ડીડીઓ શ્રી તેજસ પરમારની અવિરત મહેનત વચ્ચે આજે લોકડાઉનના 50માં દિવસમાં પ્રવેશતુ અમરેલી હજુ પણ લીલુછમ્મ એટલે કે ગ્રીન ઝોનમાં રહયું છે અને તે પોલીસ તંત્રના લોકડાઉનની કડક અમલવારીને કારણે શક્ય બન્યુ છે તેમાં કોઇ શંકા નથી છેલ્લા 5 દિવસથી ગ્રીન ઝોનને કારણે બજારોને અડધા દિવસની મળેલી છુટને કારણે લોકોના વેપાર ધંધાઓ શરૂ થયા છે લોકો નવી રોજગારી શોધવા બહાર નીકળી રહયા છે અને જનજીવન થાળે પડી રહયુ છે પણ આ ત્યાં સુધી જ શક્ય રહેશે જ્યાં સુધી અમરેલીમાં કોરોનાનો કેસ ન આવે અને જે લોકો અમદાવાદ સુરતથી આવ્યા છે તે કવોરન્ટાઇનના અને સામાજિક અંતરનો ચુસ્તપણે પાલન કરે બાકી કોરોના અમરેલી જિલ્લામાંથી પેદા થતો નથી તે આવશે તો બહારથી જ આવશે અને આપણે જ તેમને લાવશું.
બીજી તરફ શનિવારે કોઇ નવરાઓએ સોમવારે બંધ છે તેવી અફવા ફેલાવી હતી આ અંગે અમરેલી વેપારી મંડળના પ્રમુખ શ્રી સંજય વણજારાએ જણાવ્યુ હતુ કે સોમવારે બંધની કોઇ સુચના નથી માત્ર અફવા છે ગ્રીન ઝોનમાં અપાયેલી છુટ વચ્ચે મંગળવારથી ખુલેલા અમરેલી શહેરમાં આજે રવિવારે પણ બેકી સંખ્યાની દુકાનો શરૂ રહેશે.
દરમિયાન અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે કે હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોએ આખા કુટુંબે હોમ કવોરન્ટાઇન થવાનુ રહેશે તેમજ સરપંચશ્રીઓએ હોમ કવોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરાવવાનો રહેશે જે લોકોને તાવ, શરદી કે ઉધરશ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલીક કંટ્રોલ રૂમ ટેલીફોન નં. 02792 228212 ઉપર જાણ કરવાની રહેશે જિલ્લા આરોગ્ય અધિકારીના આ નિર્ણયથી સુરતથી અમરેલી જિલ્લામાં પ્રવેશેલા તમામ લોકોના પરિવારને પણ હવેથી હોમ કવોરન્ટાઇન પાળવુ પડશે સાથે સાથે સરપંચશ્રીએ તેમના ગામમાં અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાંથી આવેલ લોકોનું અદ્યતન રજીસ્ટર નીભાવવાનુ રહેશે અને બિનકાયદેસર લોકોની જાણ કરવાની રહેશે.