લોકડાઉનમાં અમરેલી – સોમનાથની ટ્રેન છીનવી લેવાઇ

  • અમરેલીમાં એરોપ્લેનની સગવડ છે પણ રેલગાડી માટે લોકો તરફડીયા મારી રહયા છે
  • અમરેલીથી જુનાગઢ અને વેરાવળ જવા માટે બંને ટ્રેનો બંધ કરી દેતા મુશ્કેલી
  • લોકડાઉન પુરૂ થયું એસટી પણ શરૂ થઇ પણ માત્ર 35 રૂપીયામાં સોમનાથ પહોંચાડતી મીટરગેજ બાપુગાડી શરૂ ન થતા અનેક યાત્રીકો અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન

અમરેલી,કોરોના મહામારીને કારણે લોકડાઉન દરમિયાન એસટીની સાથે રેલ્વે તંત્રએ પણ રેલ સેવાઓ બંધ કરી એનો ઘણો સમય વિત્યો અને હવે એસટી પણ શરૂ થઇ ગઇ છે ત્યારે અમરેલીથી સમ ખાવા પુરતી અમરેલીથી જુનાગઢ અને અમરેલીથી વેરાવળની ટ્રેનો ક્યારે શરૂ થશે તેવો સવાલ લોકમાંથી ઉઠ્યો છે. છેલ્લા દસ મહિનાથી આ ટ્રેનો બંધ રહેતા લોકોએ ફરજીયાત એસટીનો સહારો લેવો પડે છે. જો કોરોના કારણરૂપ હોય તો એસટી સેવા શરૂ થતી હોય તો રેલવેનો શુ વાંધો છે. જો બ્રોડગેજનું કોઇ કારણ હોય તો હજુ એક વર્ષ સુધી બ્રોડગેજનાં દર્શન થાય તેમ નથી. તે સમયગાળા દરમિયાન તત્કાલ સાંસદશ્રીએ દરમિયાનગીરી કરીને પણ અમરેલીથી વેરાવળ અને જુનાગઢની ટ્રેન તત્કાલ શરૂ કરવી જોઇએ. લોકોએ પણ જાગૃતિ દાખવી યોગ્ય કરવું જોઇએ. જો આવુ જ ચાલશે તો રેલ્વેનાં પાટા પણ રેલવે તંત્ર ઉખેડી લેશે અને અમરેલીએ સુવિધા વિહોણુ રહેવું પડશે. તત્કાલ ટ્રેન શરૂ કરવા લોક માંગણમી ઉઠી છે.