વટવામાં દિપડા દેખાવાનાં સીસીટીવી ફૂટેજથી સ્થાનિકોમાં ખળભળાટ

અમદાવાદમાં થોડા દિવસો પહેલા વસ્ત્રાલમાં એક દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર મળ્યા બાદ એક સનસનાટી મચી ગઈ હતી, બાદમાં વનવિભાગ દ્વારા તેનું ખંડન કરવામાં અવાયું હતું, હવે વટવામાં દિપડા દેખાવાનાં સીસીટીવી ફૂટેજથી સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહૃાું છે કે વટવાના બીબીપુરા સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં દીપડો સીસીટીવીમાં જોવા મળ્યો છે. જો કે, તે દીપડો છે કે અન્ય કોઈ હિંસક પ્રાણી છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં વન વિભાગ આ મામલે તપાસ કરી રહૃાું છે.

મળતી માહિતી મુજબ હિંસક પ્રાણી હોવાની બાતમી મળતાં વન વિભાગે આસપાસ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજની મદદથી, આ પ્રાણીને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. વન વિભાગની ૪૦ થી વધુ ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહૃાું છે.

તે જ સમયે, સંકુલના આસપાસના વિસ્તારોમાં ૪ પાંજરા પણ રાખવામાં આવ્યા છે. વન વિભાગે માહિતી આપી હતી કે ટીમ બીબીપુરાના ૮ ગામોમાં સર્વે કરી રહી છે. હાલમાં નજીકના ખેતરોમાં બીબીપુરા, વાંચ, હાથીજણ, ગત્રાલ, મેમદપુરા, વટવા, ગેરતપુર, ધામત, વણ સહિતના નજીકના ખેતરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહૃાા છે.