અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ગયું ને ઈતિહાસના એક નવા પ્રકરણનો પ્રારંભ થયો. ભૂમિપૂજનની વિધિ તો એક ઔપચારિકતા હતી તેથી તેમાં લોકોને બહુ રસ નહોતો પણ આ પ્રસંગે મોદી શું કહે છે એ જાણવામાં ચોક્કસ લોકોને રસ હતો. એક યાદગાર પ્રસંગે મોદી કેવું યાદગાર ભાષણ આપે છે તેના પર સૌની મીટ હતી. મોદીએ ખરેખર જમાવટ કરી. મોદીએ તેમની સ્ટાઈલમાં લાંબું ભાષણ આપ્યું. મોદીના પ્રવચનમાં અનેક ઐતિહાસિક વિધાનો હતા. રામચરિતમાનસની ચોપાઈઓથી માંડીને તમિળ ભાષામાં ભગવાન રામ વિશે કહેવાયેલી વાતો સુધીનું જ્ઞાન મોદીએ પિરસી દીધું ને સાંભળી સહુ મુગ્ધ થઈ ગયા.
રામમંદિર ઝુંબેશ સાથે કરોડો લોકો સંકળાયેલા હતા ને લાખ લોકોએ તો સીધો ભાગ લીધો. આ બધાંને મોદી યાદ કરે એવી અપેક્ષા કોઈ રાખતું નથી પણ કમ સે કમ જેમણે રામમંદિર ઝુંબેશ માટે જાત ઘસી નાંખી તેમનેય જો યાદ કરવા બેસે તો પણ કલાક તો એ નામાવલિમાં જ પસાર થઈ જાય. આ યાદી બહુ લાંબી છે. રામમંદિર ઝુંબેશના કારણે તો ભાજપ મોટો પક્ષ બન્યો ને નરેન્દ્ર મોદીને પણ પોતાની ઓળખ ઊભી કરવાની તક રામમંદિરના કારણે મળી. વ્યાખ્યાનોમાં સંઘના વડા મોહનરાવ ભાગવતે લાલકૃષ્ણ અડવાણીનો ખૂબ સારી રીતે ઉલ્લેખ કર્યો હતો. રામમંદિરના નિર્માણનો રસ્તો ભલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે મોકળો બન્યો પણ સુપ્રીમ કોર્ટ હિંદુઓની તરફેણમાં જ ચુકાદો આપે એવો માહોલ લોકોએ જ ઊભો કરેલો. ભાજપ માટે જ નહીં પણ દેશના રાજકારણ માટે પણ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો મોટો ટર્નિંગ પોઈન્ટ છે. રામમંદિર ઝુંબેશને રાજકીય મુદ્દો બનાવીને ભાજપ અને તેનાં સાથી હિંદુવાદી સંગઠનોએ દેશમાં એક જબરદસ્ત લહેર ઊભી કરી હતી. આ લહેરના કારણે જ રામમંદિર અંગે હિંદુઓમાં જાગૃતિ આવી અને એ સ્થિતિ પેદા થઈ કે, રામમંદિરની જમીન હિંદુઓને સોંપવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન બચ્યો. ન્યાયતંત્ર બીજા કોઈ વિકલ્પ વિશે વિચારી જ ન શકે એવી સ્થિતિ આ લોકોએ ચોક્કસ પેદા કરી દીધી એ કબૂલવું જ પડે. અડવાણી કે જેમણે પણ રામમંદિરના મુદ્દાને ચગાવ્યો તેમનાં પોતાના સ્વાર્થ હતા ને હિત હતાં. એ બધા કંઈ હિંદુત્વની સેવા કરવા નહોતા નિકળ્યા પણ પોતાની દુકાન ચલાવવા જ માંગતા હતા. ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિના મોજાં પર લડાયેલી 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કૉંગ્રેસને 545 માંથી 414 બેઠકો જીતાડીને બીજા બધા પક્ષોના ડબલા ડુલ કરી નાંખેલાં. ભાજપની હાલત સૌથી ખરાબ હતી કેમ કે તેને તો માત્ર બે બેઠકો મળી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનો રામમંદિરના નિર્માણ માટેની લડત પહેલાં પણ ચલાવતાં હતાં પણ તેમાં ભલીવાર નહોતો આવતો કેમ કે રાજકીય પીઠબળ નહોતું. અડવાણીએ રામમંદિરના મુદ્દાને ચગાવવાનું નક્કી કર્યું એટલે એ બધાં તક જોતા જ કૂદી પડ્યાં ને આખા દેશમાં રામમય માહોલ કરી દીધો. અડવાણીએ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણના બહાને હિન્દુવાદની લહેર પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ઊભી કરી તેની પાછળ રાજકીય રીતે મજબૂત થવાનો સ્વાર્થ હતો. હિંદુવાદી સંગઠનોએ અડવાણીને મદદ કરી તેના પાછળ પોતાની તાકાત વધારવાનો સ્વાર્થ હતો કેમ કે આ બધાં સંગઠનો વરસોથી કામ કરતાં હતાં પણ તેમને કોઈ ગણકારતું જ નહોતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એ સમયે પોતાની કોઈ તાકાત નહોતી તો પછી તેના બગલબચ્ચા જેવા સંગઠનોનું તો શું ઊપજે ? ચારે બાજુ કોંગ્રેસના પડાવ હતા. રામમંદિર ઝુંબેશના કારણે સહુને પોતાની તાકાત વધારવાની તક હતી તેથી તેમણે ભાજપને મદદ કરી. ટૂંકમાં રામમંદિર ઝુંબેશ સાથે સ્વાર્થ તો જોડાયેલો હતો જ પણ તેનું પરિણામ એ આવ્યું કે, આ મુદ્દો હિંદુવાદીઓનો મુદ્દો બની ગયો. આ જમીન કોની હતી એ વાત બાજુ પર જ રહી ગઈ ને એ જમીન હિંદુઓને આપવી જ પડે એવો માહોલ થઈ ગયો. હિંદુઓને આ જમીન ન અપાય તો દેશ ભડકે બળે તેથી વરસો પહેલાં જ કોર્ટનો ચૂકાદો શું હશે એ નક્કી થઈ ગયેલું. ઘણાંને આ વાતો વાહિયાત લાગશે પણ આ વાત વાહિયાત નથી. આ ઝુંબેશની રાજકીય અસર કેટલી મોટી પડી તેનો અંદાજ એ વાત પરથી આવે કે, નરસિંહરાવ સરકારે 1993માં કાયદો બનાવેલો કે દેશનાં ધર્મસ્થાનો 15 ઓગસ્ટ, 1947 ના રોજ એટલે કે દેશ આઝાદ થયો ત્યારે જે સ્થિતિએ હશે એ જ સ્થિતિએ રખાશે. ભવિષ્યમાં ધર્મસ્થાનો અંગે કોઈ વિવાદ ન થાય એટલે આ કાયદો બનાવાયેલો પણ તેમાંથી અયોધ્યા વિવાદને બહાર રખાયેલો. હિંદુવાદી સંગઠનો એ વખતે પણ દાવો કરતાં હતાં કે, અયોધ્યા, કાશી અને મથુરામાં મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો હિંદુઓને સોંપી દો, બીજું કશું અમને નથી જોઈતું. અયોધ્યાના સંદર્ભમાં પણ તેમનું સૂત્ર હતું જ કે, યે તો અભી ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ. હિંદુવાદીઓના દબાણ છતાં કાશી ને મથુરા મંદિરને બાકાત જ રખાયાં ને આ બંને મસ્જિદો હિંદુઓને મળે એવી કોઈ શક્યતા નથી. હિંદુઓ ને હિંદુવાદી સંગઠનો પણ તેની વાત કરતા નથી પણ રામમંદિરની કોઈ અવગણના ન કરી શક્યું. તેનું કારણ અડવાણી, સિંઘલ, કિશોર વગેરેએ ઊભું કરેલું જબરદસ્ત દબાણ હતું. 6 ડિસેમ્બર, 1992 ના રોજ બાબરી મસ્જિદ તૂટી તેનું કારણ આ નેતાઓએ ઊભો કરેલો ઉન્માદ જ હતો ને એ વખતે પણ સ્પષ્ટ થઈ ગયેલું કે, હવે ફરી બાબરી મસ્જિદ ઊભી થવાની નથી ને રામમંદિર હિંદુઓને જ મળશે શ્રીરામના જયઘોષ સાથે શિલાન્યાસ થઈ ગયો. સમગ્ર દેશમાં આ પ્રસંગની ઐતિહાસિક ઉપલબ્ધિથઈ. હવે રામજન્મભૂમિ ન્યાસ અને ટ્રસ્ટને રામમંદિર નિર્માણનું કાર્ય કરવા દઈએ અને દેશની પ્રવર્તમાન મુશ્કેલીઓ, મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ તથા ખાસ કરીને કોરોનાના સંકટ તથા પડોશી દેશો સામે નિપટવાના કામે લાગીએ. અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ એ ઐતિહાસિક પ્રસંગ હતો અને તેનું ભૂમિપૂજન અને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું, અને તેના માટે કરોડોના ખર્ચે ભવ્ય ઉજવણીનો અયોધ્યામાં માહોલ ઊભો કરાયો, તે અંગે પણ ટિકા-ટિપ્પણીઓ થવા લાગી છે, અને ઘણાં લોકોએ સમગ્ર રામમંદિર આંદોલન માટે આપેલા યોગદાન અને બલિદાનો છતાં આ દિવસ અવસરના ટાણે કોઈ એકાદ-બે વ્યક્તિનો મહિમા ગવાઈ રહ્યો હોવાની આલોચના પણ થઈ. અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાએ આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાને હાજરી આપી, તેની સામે વાંધો લઈને કેટલાક વિવાદાસ્પદ શબ્દપ્રયોગ કર્યા, તો કોઈ મુસ્લિમ સંસ્થાએ હજુ પણ આ સ્થળ બાબરી મસ્જિદ જ છે, તેવું કહીને વિવાદ જગાવ્યો. બીજી તરફ કેટલાક હિન્દુ સંગઠનો તરફથી પણ એનો ઉગ્ર જવાબ અપાયો. આ તમામ વિવાદોનો હવે કોઈ અર્થ નથી. ઘણાં મુસ્લિમ અગ્રણીઓ સહિત સર્વમાન્ય અભિપ્રાય એવો નીકળી રહ્યો છે કે હવે શિલાન્યાસ થઈ ગયો, અને સદીઓ જુનો વિવાદ ખતમ થઈ ગયો. હવે આ જ વિવાદને મમળાવીને હજુ પણ તેનો રાજકીય હથિયાર તરીકે ઉભયપક્ષે ઉપયોગ કરવાના પ્રયાસો બંધ કરવા જોઈએ. અત્યારે દેશની સામે કોરોનાનું મોટું સંકટ છે. લોકો ટપોટપ મરી રહ્યા છે અને કેસોની સંખ્યા વેગ પકડી રહી છે. અમરેલીમાં પણ વધુ કેસો આવી રહ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. સરકારી તંત્રો આંકડા (ની રમત) રમે છે. કોરોના વોરિયર્સ હવે હાંફવા લાગ્યા છે અને પબ્લિક પણ કોરોનાને લઈને એટલી બેદરકાર થઈ ગઈ છે કે ગાઈડલાઈન્સનું કોઈ પાલન થતું જણાતું નથી. કેટલાક બેવકૂફ નેતાઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર મોઢે માસ્ક પહેર્યા વગરના ટોળા ભેગા કરી રહ્યા હોવાના દૃશ્યો રોજ-બ-રોજ ન્યૂઝ ચેનલોમાં જોવા મળે છે. ભગવાન શ્રીરામ આ અંગે સૌને સદ્બુદ્ધિ આપે અને કોરોનાને મહાત કરવામાં દેશને સફળતા મળે તેવું ઈચ્છીએ. મોદી સરકારની વિદેશનીતિનો મહિમા છેલ્લા છ વર્ષથી ગવાઈ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વૈશ્વિક છબિ ઊભી કરી અને દરેક આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ભારતની ધાક જમાવી. વિશ્વની મહાસત્તાઓ મોદીની આજુબાજુ રહેવા લાગી અને સૌરઊર્જા, પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ અને માહિતીના આદાન-પ્રદાન જેવા મુદ્દે ભારતે વિશ્વને રાહ ચિંધ્યો. એની સામે અત્યારે ચીન લાંબી સરહદ પર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. કેટલીક ભારતીય ભૂમિ પરથી હજુ ચીની સેના પૂરેપૂરી ખસી નથી, તેવું કહેવાય છે. ચીનના ઈશારે હવે પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘન કરીને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓના પરોક્ષ યુદ્ધના બદલે જુઠ્ઠો નક્શો જાહેર કરીને ભારતના સાર્વભૌમત્વને પડકારવા લાગ્યું છે, તો નેપાળ પણ તેવું જ કરી રહ્યું છે. જે દેશો ભારત સાથે ખુલ્લેઆમ વિરોધ કરવાની હિંમત કરી શકતા નહોતા, તેઓ આંખો દેખાડવા લાગ્યા છે. હવે રામમંદિરથી રામરાજ્ય અને દેશની સુરક્ષા તથા દેશવાસીઓને પરેશાન કરતી સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધી જવું જોઈએ, તેમ નથી લાગતું?
|
|
|