વડાપ્રધાને નવી શિક્ષણ નીતિ દ્વારા બહુ જ ઊંચી મહત્વાકાંક્ષા રાખી છે

દેશમાં લોકડાઉનના કારણે આવેલી આર્થિક મંદીથી લોકો રાડ પાડી ગયા છે ત્યારે આપણા વડા પ્રધાન લોકોને દર બીજા અઠવાડિયે કોઈ ને કોઈ મંત્ર આપી દે છે. અને એ દ્વારા પ્રજાને ઉત્સાહમાં રાખીને માર્ગદર્શન આપી રહ્યા છે. મોદી સાહેબ કોઈ પણ મોટા વિષય પર બોલવા ઉભા થાય એટલે લોકોને કોઈ ને કોઈ નવા મંત્ર પ્રેરણાત્મક જ્યોત આપણને આપી દે છે ને શુક્રવારે આ પરંપરા જાળવીને તેમણે શિક્ષણ માટે ‘ફાઈવ સી’નો મંત્ર આપી દીધો. મોદી સરકારે થોડા સમય પહેલાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) જાહેર કરેલી. આ નીતિની ચોવટ બધે ચાલી રહી છે, ચર્ચાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. તેના ભાગરૂપે શિક્ષણ વિભાગે એકવીસમી સદીમાં ‘સ્કૂલ એજ્યુકેશન’ વિષય પર સંબોધન કરવા મોદી સાહેબને નોંતરેલા.

આ સંમેલનમાં વડાપ્રધાને જાહેર કર્યું કે, નવી શિક્ષણ નીતિથી દેશમાં એક નવા યુગના મંડાણ થયાં છે ને આ નીતિ દેશને એકવીસમી સદીમાં નવી દિશા આપશે. મોદી સાહેબના મતે, નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના મગજ પરથી માર્કશીટનું દબાણ દૂર કરવા માટે છે કેમ કે માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશર શીટ અને પરિવાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગઈ છે. મોદી સાહેબે એ પછી ક્લાસરૂમને દીવાલોની વચ્ચે કેદ ના કરો ને એવી બધી ઘણી સારી સારી વાતો કરી ને માતૃભાષામાં શિક્ષણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. આ બધા પછી તેમણે છેવટે ‘ફાઈવ સી’નો મંત્ર આપી દીધો.

મોદી સાહેબના કહેવા પ્રમાણે, એકવીસમી સદીમાં શિક્ષકોએ ક્રિટિકલ થિંકિંગ, ક્રિયેટિવિટી, કોલાબરેશન, ક્યુરીયોસિટી અને કોમ્યુનિકેશન એ પાંચ કૌશલ્ય કેળવવાં પડશે ને વિદ્યાર્થીઓએ આ ગુણોને આત્મસાત કરીને તેના આધારે આગળ વધવું પડશે. વડાપ્રધાને ‘ફાઈવ સી’ની વાત કરી છે તેનો અર્થ મોટા ભાગનાં લોકો જાણે જ છે તેથી તેની વાત નથી કરતા કેમ કે મૂળ મુદ્દો મંત્ર શું છે તેનો નથી પણ આ પ્રકારના મંત્રોથી કશું બદલાય કે નહીં તેનો છે. ને હકીકત એ છે કે, આ પ્રકારના મંત્રોથી દેશને એક માર્ગ મળૈ છે. મોદી સાહેબે જે ક્ષેત્રને અનુલક્ષીને આ મંત્ર આપ્યો છે એ શિક્ષણ ક્ષેત્ર પણ નહીં બદલાય કેમ કે ખરી જરૂર આવા મંત્રો આપવાની નહીં પણ શિક્ષણને આધુનિક બનાવવાની છે, વિશ્ર્વના વિકસિત દેશોને પછાડીએ નહીં તો કંઈ નહીં પણ તેમની સમકક્ષ આપણા વિદ્યાર્થીઓ ઊભા રહી શકે એ પ્રકારનું શિક્ષણ આપવાની છે. મોદી સાહેબે એ કામમાં ધ્યાન આપવાનું હોય તેના બદલે એ મંત્રો આપવામાં વધુ રસ બતાવે છે.

વડાપ્રધાને શિક્ષણ નીતિના સંદર્ભમાં જે સારી સારી વાતો કરી છે તેની પણ વાત કરવી જરૂરી છે કેમ કે તેમણે દિલ બાગ બાગ થઈ જાય એવું ફૂલગુલાબી ચિત્ર ઊભું કરી દીધું છે. પરંતુ એ ચિત્ર અવાસ્તવિક નથી. આપણે વરસોથી એવી ડાહી ડાહી વાતો સાંભળ્યા કરીએ છીએ કે, એકવીસમી સદી જ્ઞાનની સદી છે ને શિક્ષણના ક્ષેત્રમાં હવે શિક્ષણ, સંશોધન અને શોધ કરવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ વાત સો ટકા સાચી છે ને દુનિયાના બધા વિકસિત દેશો એ જ રસ્તે ચાલીને મહાન બન્યા છે, તાકતવર બન્યા છે. દુનિયાના મોટા મોટા દેશોમાં બે-ત્રણ પેઢીઓ એ રીતે ભણીને મોટી થઈ ગઈ ને પોતાના દેશને આગળ લઈ જવામાં યોગદાન આપીને નિવૃત્ત પણ થઈ ગઈ ત્યારે આપણે ત્યાં હજુ એ જ જ્ઞાન પિરસાયા કરે છે. મોદી સરકારની નવી શિક્ષણ નીતિમાં પણ એ જ જ્ઞાન પિરસાયું છે ને કઈ રીતે વિદ્યાર્થીઓને સંશોધન કે શોધમાં આગળ લઈ જવાશે તેની વાત પણ કરવામાં આવી છે.

બીજું એ કે, આમ જુઓ તો આપણી પાસે એવું માળખું જ નથી કે જેના જોરે આપણે વિકસિત દેશોની સમકક્ષ શિક્ષણ આપી શકીએ. શિક્ષણને વિકસિત દેશો જેવું બનાવવું હોય તો સાયન્સ અને ટેકનોલોજી પર વધારે ધ્યાન આપવું પડે. સંશોધન વધારવું પડે, શોધો કરવી પડે ને એ માટે વરસોનાં વરસો આપવાં પડે. આપણે ત્યાં લોકોની માનસિકતા તો એવો સમય આપવાની નથી જ પણ સરકારની માનસિકતા હવે શિક્ષણે એ સ્તરનું કરવા માટેની છે એ સારી વાત છે.

મોદી સાહેબે માર્કશીટના પ્રેશરની વાત કરી છે એ મુદ્દે વાત કરવી પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ પર માર્કશીટનું પ્રેશર હોય છે એ વાત સાચી છે, પરિવારો પણ છોકરાં પર વધારે માર્ક્સ લાવવા દબાણ કરે જ છે તેમાં બેમત નથી નવી શિક્ષણ નીતિમાં તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન છે. નાનાં નાનાં છોકરાંને રેટ રેસમાં સામેલ કરીને કૂમળી વયે શિક્ષણના બોજથી કચડી નાંખવાની જોગવાઈ આપણી જુની પ્રથાઓમાં હતી. આ વાત ઘણાંને નહિ ગમે પણ સાવ સાચી વાત છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણનું નવું ફોર્મેટ બાળકો પર શિક્ષણનો બોજ કંઈક અંશે ઘટાડનારું છે.

આપણે ત્યાં વરસોથી 10 + 2 એટલે કે ધોરણ પહેલાથી ધોરણ 10 સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ને પછી ધોરણ 11 અને ધોરણ 12 નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એ ફોર્મેટ પ્રમાણે શિક્ષણ અપાય છે. તેના બદલે નવી શિક્ષણ નીતિમાં શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે 5+3+3+4ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે, મોદી સરકાર 10 + 2 ફોર્મેટને હવે પડતું મૂકશે. તેના બદલે શાળાકીય શિક્ષણ 15 વર્ષનું થઈ જશે. અત્યારે બાળકને 5 વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે તે પણ જતો રહેશે ને તેના બદલે 3 વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલી બનશે. બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નાંખીને તેમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ એવી વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે અહીં તો બાળકો પર ત્રણ વર્ષની ઉંમરથી જ શિક્ષણનો બોજ નાંખી દેવાની વાત છે.

હવે તમે જ વિચાર કરો કે, જે શિક્ષણ નીતિ ત્રણ વર્ષના બાળકને શિક્ષણના બોજ નીચે કચડી નાંખતી હોય એ માર્કશીટ કલ્ચરથી કઈ રીતે છૂટકારો અપાવશે? બિચારું છોકરૂં ત્રણ વર્ષની ઉંમરથી જ રેટ રેસમાં સામેલ થઈ જશે. આ અત્યાચાર છે ને મોદી તેની વાત નથી કરતા. કમનસીબે કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ પણ આ મુદ્દે ચૂપ છે. મોદી સાહેબે મંત્રો આપવાના બદલે દેશના શિક્ષણનું કલ્ચર બદલવાની જરૂર છે. શિક્ષણ વેપાર બની ગયું છે તેના બદલે રાષ્ટ્રનિર્માણનું માધ્યમ બને એવો માહોલ પેદા કરવાની જરૂર છે. રાષ્ટ્ર નિર્માણનો માહોલ પેદા કરવાનો અર્થ પાછો સંઘના વિચારોની પટ્ટી પઢાવવી કે ઈતિહાસની જૂની વાતો વાગોળ્યા કરવી એવો નથી થતો. રાષ્ટ્ર નિર્માણ આર્થિક પ્રગતિથી થાય ને આર્થિક પ્રગતિ ઉત્પાદનથી થાય. બાળકો આ બધું નાનપણથી શીખે એવું માળખું ઉભું કરવું પડે. અત્યારે તો બાળકોને ખાનગી સ્કૂલોના વેપારીઓના ભરોસે છોડી દેવાયા છે પછી ક્યાંથી કશું બદલાય? પ્રજાએ સરકારી સ્કૂલોમાં વિશ્વાસ વધારવાની જરૂર છે. વડાપ્રધાન આ પહેલાં પણ આત્મનિર્ભરતાથી માંડીને આર્થિક વિકાસ સુધીના મુદ્દે જાત જાતના મંત્રો આપી ચૂક્યા છે. અને એનો જનમાનસ પર પ્રભાવ છે.

આ પહેલાં મોદીએ ઈન્કમટેક્સ ભરનારા કરદાતાઓ માટે ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર લોંચ કર્યું ત્યારે ‘ફેસલેસ, ફેયર, ફીયરલેસ’નો નવો મંત્ર આપી દીધો હતો. તેના પહેલાં દેશના ઉદ્યોગોના સૌથી મોટા સંગઠન ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના વાર્ષિક સંમેલનમાં મોદીએ દેશને ‘આત્મનિર્ભર’ બનાવવાના શપથ લેવા ઉદ્યોગપતિઓને હાકલ કરી ને ‘આત્મનિર્ભર’ બનવા માટે પાચં મુદ્દાનો મંત્ર આપેલો. મોદીનો એ મંત્ર ઈન્ટેન્ટ (ઉદ્દેશ), ઈન્ક્લ્યુઝન (સમાવેશ), ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ), ઈન્ફ્રાસ્ટ્રક્ટર (માળખાકીય સવલતો) અને ઈનોવેશન (નવિનતા) એમ પાંચ ‘ફાઈવ આઈ’ પર આધારિત હતો. મોદીએ જાહેર કરેલું કે ભારતે ‘આત્મનિર્ભર’ બનવું હોય તો આ ‘ફાઈવ આઈ’ સૌથી મહત્ત્વના છે. આ તો નજીકના ભૂતકાળમાં આપેલા મંત્રોની વાત કરી પણ આ સિવાય પણ બીજા ઘણા મંત્રો મોદીએ આપ્યા છે.