વડાપ્રધાન પાસે કાયદા રદ કરાવવાનો દુરાગ્રહ એ કિસાનોની ગંભીર ભૂલ છે

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજ્યસભામાં પ્રવચન આપવાના હતા તેના પર સૌની મીટ મંડાયેલી હતી. મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદા નાબૂદ કરાવવા આંદોલને ચડેલા ખેડૂત સંગઠનોના આંદોલનને અઢી મહિના પૂરા થઈ ગયા છે ત્યારે મોદી આ મુદ્દે કશુંક બોલશે એ તો નક્કી હતું પણ બધાં આશા રાખતાં હતાં કે, મોદી ખેડૂતોને શાંત પાડવા માટે કશુંક કરવાનો સંકેત આપશે. રાષ્ટ્રપતિએ સંસદના બજેટ સત્રમાં સંસદના સંયુક્ત સત્રને કરેલા સંબોધન પરની ચર્ચાનો જવાબ મોદી આપવાના હતા તેથી એ કોઈ મોટી જાહેરાત કરે એવી અપેક્ષા કોઈને નહોતી પણ મોદી કોઈ સંકેત આપશે જ એવી સૌને આશા હતી. મોદીએ સંસદનું બજેટ સત્ર શરૂ થયું એ પછી બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં પોતે ખેડૂતોથી એક ફોન કોલ દૂર છે એવું કહેલું તેના કારણે પણ આ આશા બંધાઈ હતી.

મોદી સંસદમાં કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન વિશે બોલ્યા ખરા પણ તેમના પ્રવચનમાં એવું કશું નથી કે જે સાંભળીને ખેડૂત આંદોલનનો સંકેલો કરાવી લેવા માટે સરકાર કશુંક નવું કરવા માગે છે એવો સંકેત મળે. સરકારે અનેકવાર કાયદાના ફાયદાઓ કિસાનોને સમજાવ્યા છે. પરંતુ જેમને સમજવું જ નથી એનું શું ? અત્યાર સુધી મોદી સરકારના પ્રધાનો કે ભાજપના નેતાઓ જે કંઈ કહી ચૂક્યા છે તેનાથી વધારે પણ મોદીના ભાષણમાં કંઈ નહોતું. અને શા માટે હોવું જોઈએ ? વડાપ્રધાન મોદી એમની જવાબદારી પ્રમાણે બધા પ્રધાનોને મોકલી ચૂક્યા છે. કિસાનો છતાં ય હજુ કોઈની વાત સમજવા તૈયાર નથી. એટલે જ આ આંદોલન લાબું ચાલ્યું છે ને હજુ ચાલશે.

ભાજપના નેતા એ વાતો પણ પહેલાં કરી ચૂક્યા છે કે, કૉંગ્રેસ પણ ભૂતકાળમાં આ પ્રકારના સુધારા કરવા માગતી હતી. ખેડૂતો પોતાનો માલ સીધો એપીએમસીમાં વેચવાના બદલે ઈચ્છે તેને વેચી શકે એવા કાયદા બનાવવા કૉંગ્રેસ ૨૦૧૦થી મથતી હતી એવી વાતો ભાજપના નેતા વારંવાર કર્યા કરે છે. શશી થરૂરથી માંડીને ચિદંબરમે ભૂતકાળમાં કરેલી વાતો ટાંકી ટાંકીને ભાજપના નેતા એ સાબિત કરવા મથ્યા જ કરે છે કે, અમે જે કર્યું એ કૉંગ્રેસ પણ કરવા માગતી જ હતી પણ અમે કર્યું તેથી રાજકીય ફાયદો લેવા માટે કૉંગ્રેસ ખેડૂતોને ઉઠાં ભણાવી રહી છે ને અવળા રસ્તે દોરીને ભડકાવી રહી છે. મોદીએ પણ એ જ વાત કરી ને ફરક એટલો કે તેમણે ડો. મનમોહનસિંહની જૂની વાત સંસદ સામે મૂકી. મનમોહનસિંહે ભૂતકાળમાં કહેલું કે, ૧૯૩૦ના જમાનાના કૃષિ કાયદા બદલીને ખેડૂતો પોતાનો માલ સીધો વેચી શકે એવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે જ. મોદીએ આ વાત યાદ અપાવીને કૉંગ્રેસના ચાવવાના ને બતાવવાના જુદા એવો દાવો કર્યો ને તેમાં કશું નવું નથી.

મોદીએ ભાજપના નેતાઓની જૂની બધી વાતો દોહરાવીને સતત એ વાત પર ભાર મૂક્યો કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાની બહુ જરૂર છે ને અત્યાર લગી જે રીતે કૃષિ ક્ષેત્ર ચાલ્યું છે એ રીતે ના ચલાવી શકાય. મોદીની વાત સો ટકા સાચી છે. દુનિયા બદલાય એમ બધું બદલાતું હોય છે તેથી સુધારા તો કરવા જ પડે. બાવા આદમના જમાનામાં બધું ચાલતું હોય એ રીતે ના જ સલાવી શકાય ને એ વાત કૃષિ ક્ષેત્રને પણ લાગુ પડે જ છે તેમાં શંકા નથી. બીજાં બધાં ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે જ ને સુધારાનો કોઈ વિરોધ કરી નથી રહ્યું પણ સવાલ આ સુધારા કિસાનોને કઈ રીતે ગળે ઉતરે એ છે.

અત્યારે આંદોલને ચડેલા ખેડૂત સંગઠનો પણ સુધારાના વિરોધમાં છે જ નહીં ને તેમનું આંદોલન પણ કૃષિ ક્ષેત્રના સુધારાની વિરૂદ્ધ નથી. તેમનું આંદોલન મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાની વિરૂદ્ધ છે, તેમનું આંદોલન મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં જે રીતે સુધારા કરવા માગે છે તેની સામે છે. મોદીએ આ આંદોલનને કૃષિ ક્ષેત્રના સુધારાની વિરૂદ્ધનું આંદોલન ગણાવવાનો પ્રયાસ કર્યો છે. મનમોહને તો એવું કહેલું કે, ૧૯૩૦ના દાયકામાં સ્થપાયેલા બજારના તંત્રના કારણે આપણા ખેડૂતો એવી જગાએ પોતાનો માલ નથી વેચી શકતા કે જ્યાંથી તેમને તેમના સૌથી વધારે વળતર મળે. ભારતમાં એક સમાન્ય બજાર ઊભું થાય અને તેનો ફાયદો મેળવવાની વિશાળ તકો આડે આવતા અવરોધ દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે.

મોદીએ પોતે સંસદમાં મનમોહનનું જે ક્વોટ વાંચ્યું તેનો આ અક્ષરશ: અનુવાદ છે. મનમોહને ખેડૂતો એપીએમસીની બહાર ખેડૂતો પોતાનો માલ વેચી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની તરફેણ કરી છે તેમાં બેમત નથી. ખેડૂતો જૂની વ્યવસ્થાની બહાર નિકળીને ઊંચું વળતર મળે એ રીતની વ્યવસ્થા ગોઠવવા આડેના અવરોધો દૂર કરવાની મનમોહને તરફેણ કરી છે. તેનું એવું ચોક્કસ અર્થઘટન કરી શકાય કે, મનમોહન સિંહ એપીએમસીની વ્યવસ્થાના બદલે નવી વ્યવસ્થા ઉભી કરવા માગે છે પણ આ વ્યવસ્થા ભાજપે બનાવેલા કૃષિ કાયદા જેવી હશે એવું અર્થઘટન ચોક્કસ ન કાઢી શકાય. મનમોહને જે વાત કરી તેના પરથી તો એપીએમસીની બહાર ખેડૂતોનો માલ વેચવાની વ્યવસ્થા ઊભી કરવાની જ વાત છે જ્યારે મોદી સરકારે તો ત્રણ-ત્રણ કાયદા બનાવી દીધા છે ને તેમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જેવો કાયદો પણ નાબૂદ કરી દીધો છે.

બીજું એ કે, મનમોહનસિંહ કે કૉંગ્રેસના બીજા કોઈ નેતાએ કે કૉંગ્રેસની સરકારે તરફેણ કરી એટલે મોદી સરકારના કૃષિ કાયદા સારા ને યોગ્ય સાબિત ન થઈ જાય. કૉંગ્રેસ પણ મોદી સરકારની જેમ જ ખેડૂતોના હિતને બદલે બીજાં લોકોનાં હિતો વિશે વિચારતી હોય એવું બને જ ને ? ને સૌથી મોટી વાત તો એ કે, મોદીએ પોતાની વાત કન્વીન્સ કરાવવા માટે કૉંગ્રેસ કે મનમોહનસિંહનો સહારો લેવો પડે તે કિસાનોને સમજાવવા માટે જ. કૉંગ્રેસે કે મનમોહને આમ કહેલું એટલા માટે અમે કરીએ એ યોગ્ય છે એવી મોદીની વાત છે.

મોદીએ મિનિમિમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) મુદ્દે જે વાત કરી એ પણ રસપ્રદ છે. એમએસપી છે અને રહેશે એવું મોદીએ કહ્યું. આ વાત ભાજપના બીજા નેતા પહેલાં કહી જ ચૂક્યા છે ને ખેડૂત સંગઠનો સાથેની વાતચીતમાં આ મુદ્દે લેખિતમાં બાંહેધરી આપવાની ઓફર પણ મોદી સરકારે કરી હતી. ખેડૂત સંગઠનો આ ઓફરને નકારી ચૂક્યા છે કેમ કે તેમને લેખિતમાં બાંહેધરી નથી જોઈતી પણ સરકાર કૃષિ કાયદામાં એમએસપીનો સમાવેશ કરે એવું જોઈએ છે. મોદી સરકાર એ મુદ્દે ફોડ પાડતી નથી ને મગનું નામ મરી પાડતી નથી.

મોદી સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) સહિતની બાબતોને સમાવી લેતા બંધારણીય સુધારા માટે તૈયાર થઈ છે. ખેડૂતો સાથે થયેલી બેઠકમાં સરકારે નાકલ કહ્યું કે, કૃષિ કાયદામાં સુધારો કરવા અમે તૈયાર છીએ પણ એમએસપી મુદ્દે શું કરાશે એ મુદ્દે ફોડ નથી પાડ્યો. મોદીએ પણ એવું જ કર્યું છે. મોદીએ પણ એમએસપી છે અને રહેશે એવું તો કહ્યું પણ એમએસપી કઈ રીતે રહેશે તેની વાત ના કરી. એ માટે સરકાર શું કરશે તેની વાત પણ ના કરી એ જોતાં મોદીની વાત ઉપરછલ્લી જ છે.

ખેડૂત સંગઠનો કૃષિ કાયદા સમૂળગા નાબૂદ કરવાનું પૂંછડું ઝાલીને બેઠા છે એ ખોટું છે કેમ કે દેશની સંસદે પસાર કરેલા કાયદાને રદ કરીને સરકારને શરમજનક સ્થિતિમાં મૂકવાની જરૂર નથી. ખેડૂતોએ એ જીદ પડતી મૂકવી જ જોઈએ. સામે સરકારે પારદર્શકતા બતાવીને પોતે ક્યા પ્રકારના સુધારા કરવા માગે છે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. મોદી સરકાર આ કાયદાના મુદ્દે પીછેહઠ કરે તેવી શક્યતા નથી ને તેમાં કશું ખોટું નથી પણ ખેડૂતોના વાંધા અંગેનો ઉકેલ લાવવા કશુંક તો કરવું જ પડે ને ? આ માટે મોદી સરકાર કમિટી બનાવવાની ને એવી બધી વાતો કરે છે પણ પોતે ક્યા સુધારા કરવા માટે અત્યારે જ તૈયાર છે તેની વાત કરતી નથી. મોદી પાસેથી એ અપેક્ષા હતી પણ એ અપેક્ષા ફળી નથી.

ખેડૂત આંદોલનનું હવે પછી શું થશે એ ખબર નથી પણ મોદીના પ્રવચન પછી લાગે છે કે, આ મુદ્દો હવે ખેંચાયા કરશે ને નજીકના ભવિષ્યમાં સંઘર્ષ ખતમ થાય એવા કોઈ અણસાર નથી. ખેડૂતોનો એક વર્ગ આ આંદોલન ચાલુ રાખવા મુદ્દે મક્કમ છે ને સરકાર વાતો કરવા સિવાય કશું કરતી નથી એ જોતાં મુદ્દો ખેંચાયા જ કરશે.