વડાપ્રધાન મોદીએ એકલે હાથે કોલસાના બ્લોકની સિસ્ટમ બદલી કાળા ધંધા રોક્યા

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ કબાડેબાજ છે ને ગાદી પર બેસતાં જ સત્તાનો દુરુપયોગ કરીને ઘર ભરવામાં પાવરધા છે. બહુ ઓછા રાજકારણી એવા હોય કે સત્તા મળી હોય ત્યારે ભ્રષ્ટાચાર ના કરે. કમનસીબી એ છે કે, આપણી સિસ્ટમ આવા ભ્રષ્ટ રાજકારણીઓનાં ચરણમાં રમે છે તેથી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરવા છતાં તેમને કશું થતુ નથી. દેશના અબજો રૂપિયા ખાઈ જનારા ને આપણી નજર સામે ભ્રષ્ટાચાર કરનારા છટકી જાય ને આખી જિંદગી લીલાલહેર કરે એવું આપણી નજર સામે બન્યા જ કરે છે. આ માહોલમાં કોઈ રાજકારણીને ભ્રષ્ટાચાર બદલ દોષિત ઠેરવીને સજા કરવામાં આવે ત્યારે ચોક્કસ સુખદ આશ્ચર્ય થાય.

અટલ બિહારી વાજપેયી સરકારમાં રાજ્ય કક્ષાના કોલસા પ્રધાન દિલીપ રેને દિલ્હીની કોર્ટે કોલસાના બ્લોકની ફાળવણીમાં કરેલા પક્ષપાત બદલ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી ત્યારે આવું જ સુખદ આશ્ચર્ય થયું. 1999માં થયેલા આ કૌભાંડ માટે દિલીપ રેની સાથે કોલસા મંત્રાલયના ત્રણ સીનિયર અધિકારી પ્રદીપ કુમાર બેનરજી, નિત્યા એન અને ગૌતમને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા થઈ છે. આ ચારેયને કોર્ટે દસ-દસ લાખનો દંડ પણ ફટકાર્યો છે. રે આણિ મંડળીએ ઝારખંડના કોલસાના બ્લોકની ફાળવણી નિયમોની ઐસીતૈસી કરીને કેસ્ટ્રોન ટેકનોલોજિસ લિમિટેડ નામની કંપનીને કરી નાખેલી. આ કંપનીની રાતોરાત ઊભી કરાયેલી પેટાકંપની કેસ્ટ્રોન માઈનિંગ લિમિટેડને બ્લોક ફાળવાયેલા. કંપનીના માલિક મહેન્દ્ર કુમાર અગ્રવાલને પણ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી દીધી છે ને એનેય દસ લાખનો દંડ ફટકાર્યો છે. અગ્રવાલની બંને કંપનીને મળીને સિત્તેર લાખ રૂપિયાનો દંડ કરાયો છે.

દિલીપ રે ઓડિશામાં જેમનો સૂરજ હજુ તપે છે એવા નવિન પટનાઈકની પાર્ટીના નેતા છે. વાજપેયીના સમયમાં નવિન પટનાઈકની પાર્ટી બિજુ જનતા દળ (બીજેડી) એનડીએનો ભાગ હતી ને નવિન પોતે વાજપેયી સરકારમાં પ્રધાન હતા. પટનાઈકની સાથે દિલીપ રે પણ રાજ્ય કક્ષાના પ્રધાન હતા ને તેનો ગેરલાભ લઈને તેમણે આ કૌભાંડ કરેલું. દિલીપ રેને સજા થઈ એ ઘટના મહત્ત્વની છે કેમ કે આપણે ત્યાં કોલસાનાં કૌભાડ વરસોથી ચાલે છે પણ સજા ભાગ્યે જ થાય છે. ભારતમાં કોલસાનો ધંધો મલાઈદાર છે ને કોલસાની કાળી કમાણીમાં મોં કાળાં કરીને સેંકડો રાજકારણી ને અધિકારી માલદાર થઈ ગયા, પણ સજા ભાગ્યે જ થાય છે. બલકે તેમનાં કૌભાંડ જ બહાર આવતાં નથી ને તેમનો વાળ પણ વાંકો થતો નથી. દિલીપ રેનાં નસીબ વાકાં કે એ ઝપટે ચડી ગયા. બાકી કોલસાના કૌભાંડમાં કોઈને સજા થતી જ નથી.

રેને સજા થઈ એ સારું થયું પણ લાંબા સમય જેલમાં રહેશે ને પોતાનાં કુકર્મોની સજા ભોગવશે એવી આશા રાખવા જેવી નથી. તેનું કારણ એ કે, આ તો નીચલી કોર્ટનો ચુકાદો છે. રે પાસે હજુ હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે જ. આપણા ન્યાયતંત્રમાં જેની પાસે સત્તા ને પૈસો છે તેને કશું થતું નથી એ જોતાં રે પણ જામીન મેળવીને કે બીજી રીતે બહાર આવી જાય એવી પૂરી શક્યતા છે. ભૂતકાળમાં કોલસાના કૌભાંડમા સજા થઈ હોય એવા એક માત્ર રાજકારણી મધુ કોડા છે. ઈ. સ. 2017ના ડિસેમ્બરમાં કોર્ટે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને કોલસા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા.

રેની જેમ કોડાના કેસમાં પણ કોડાની સાથે સાથે કેન્દ્રીય કોલસા સચિવ એચ. સી. ગુપ્તા અને ઝારખંડના ચીફ સેક્રેટરી એ. કે. બસુ જેવા ટોચના અધિકારીઓ દોષિત ઠર્યા હતા. કોડાની કબાડેબાજીથી મલાઈ ખાનારી વિનિ આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગના કારભારીઓને પણ કોર્ટે દોષિત ઠરવ્યા હતા. મધુ કોડા 2007માં ઝારખંડના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અદ્ભૂત કારીગરી કરીને વિનિ આયર્નને મલાઈ ખવડાવેલી. આ બધાંને સજા તો થઈ પણ મહિના પછી બધા હાઈકોર્ટમાંથી જામીન મેળવીને જેલની બહાર આવી ગયા.

કોડા અત્યારે પણ રાજકારણમાં સક્રિય છે ને પોતાનાં પત્ની ગીતા કોડાને આગળ કરીને ઝારખંડમાં જલસા કરે છે. ગીતા કોડા કોંગ્રેસનાં ધારાસભ્ય છે. ઝારખંડમાં હેમંત સોરેન સરકારને કોંગ્રેસે ટેકો આપેલો છે તેથી કોડા દંપતીને જલસા છે. દિલીપ રેના કિસ્સામાં પણ એવું થવાની પૂરી શક્યતા છે કેમ કે કોડાની જેમ દિલીપ રે આણિ મંડળીએ પણ કોલસાની કાળી કમાણીમાંથી કરોડોની કમાણી કરી છે તેથી મોટો વકીલ રોકીને જામીન મેળવવા અઘરા નથી. અત્યારે કદાચ જેલભેગા થવું પડે તો પણ માંડ મહિનો બહાર આવવામાં લાગશે. આપણું ન્યાયતંત્ર મોટા લોકોના કેસોમાં એકદમ સક્રિયતા બતાવે છે એ જોતાં રેના લાંબા જેલવાસની આશા રખાય એમ નથી.

રેનું શું થશે એ આપણને ખબર છે પણ આ સજાએ આ દેશમાં કોલસાના નામે થયેલાં મોટાં મોટાં કૌભાંડોની યાદ તાજી કરી નાખી. મોદી સરકારનું ભલું થજો કે તેણે આ સિસ્ટમ બદલીને કોલ બ્લોક સહિતની ફાળવણીમાં પારદર્શકતા દાખલ કરી. મોદી સરકારે અગાઉની સરકારોની જેમ કુલડીમાં ગોળ ભાંગીને પોતાના મળતિયાઓને લાભ ખટાવવાના બદલે મોદીએ દેશની તિજોરી ભરાય એવો રસ્તો પસંદ કર્યો તેના કારણે કોલસાના નામે થતી કબાડેબાજી બંધ થઈ ગઈ. બાકી પહેલાં કોલસા મંત્રાલય કૌભાંડોનો અડ્ડો હતો ને જે પણ રાજકારણી કે અધિકારી ત્યાં બેસે એ રીસતર નોટો છાપતો.

કોલસા મંત્રાલયના આ બેફામ ભ્રષ્ટાચારનું કારણ કોલસાના બ્લોકની કમાણી માટે ગોઠવાયેલી સિસ્ટમ હતી. ભારતમાં બિહાર, ઓડિશા, ઝારખંડ સહિતનાં રાજ્યોમાં કોલસાની ખાણોનો ખજાનો છે તેથી દેશભરમાંથી કોલસાનું કામ કરતી કંપનીઓ આ રાજ્યોમાં કમાણી કરવા આવે છે. પહેલાંની સિસ્ટમ પ્રમાણે કોલસાના બ્લોકની ફાળવણી કઈ કંપનીને કરવી તેની ભલામણ રાજ્ય સરકાર કરતી હતી. આ ભલામણ કરવા માટેનાં ધારાધોરણો નક્કી થયેલાં હતાં ને તેનું પાલન ન કરતી હોય તેવી કંપનીને બ્લોકની ફાળવણી ન થાય.

રાજ્ય સરકાર જે ભલામણો મોકલે તેની ચકાસણી કરવા કેન્દ્ર સરકાર સ્ક્રીનિંગ કમિટી બનાવતી અને તેના આધારે બ્લોકની ફાળવણી થતી. આ કમિટી રાજ્ય સરકારની ભલામણ ધરાવતી કંપની ધારાધોરણોનું પાલન કરે છે કે નહીં એ ચકાસીને પછી કોલસા મંત્રાલયને આગળ ભલામણ કરે તેના આધારે કોલસા મંત્રી બ્લોકની ફાળવણીનો નિર્ણય લે એ સિસ્ટમ હતી. એ વખતે સ્ક્રીનિંગ કમિટીએ ભલામણ ના કરી હોય એવી કંપનીઓને પણ બ્લોક આપી દેવાતા કેમ કે અંતિમ નિર્ણય તો સરકારે જ લેવાનો હતો. અધિકારીઓને ફોડી નાંખો તો એ ગમે તે કંપનીનાં નામ ઘૂસાડીને બ્લોક આપી દેતા.

મધુ કોડાના કેસમાં એવું જ થયેલું. કોડા મુખ્યમંત્રી બન્યા એ પહેલાં ઝારખંડમાં ભાજપના અર્જુન મુંડાની સરકાર હતી ને આ સરકારે નિયમો પાળનારી કંપનીની ભલામણો મોકલી હતી. કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયે ઝારખંડ સરકારે મોકલેલી ભલામણો ચકાસ્યા પછી આગળ જવા દીધેલી. આ કંપનીઓમાં કોડાએ જેને લાભ ખટાવ્યો એ વિનિ આયર્ન નહોતી પણ કોડા-બસુની જોડીએ કોલસા સચિવ ગુપ્તાને સાધ્યા. ગાંધીછાપનો વ્યવહાર પણ થયો ને ગુપ્તાએ જે કંપનીનું નામ જ લિસ્ટમાં નહોતું એ કંપનીને રઝારા નોર્થ કોલ બ્લોક ફાળવવાની ભલામણ કરી નાખી.

આ કારીગરી કરાઈ એ વખતે મનમોહનસિંહ પાસે કોલસા મંત્રાલય હતું ને તેમણે કોલસા સચિવ પર ભરોસો કરીને કોલસા બ્લોક ફાળવી દીધો. કોડા આણિ કંપનીએ વડા પ્રધાનને ઉંધા પાટે ચડાવીને કરોડોની કબાડેબાજી કરી નાખી હતી. આ કેસમાં મનમોહનસિંહ પણ શંકાના દાયરામાં આવેલા કેમ કે કોલસા મંત્રાલય તેમની પાસે હતું. કોલસાના ધંધામાં કેવી કબાડેબાજી થતી તેનું આ તો એક જ ઉદાહરણ છે પણ આ રીતે અંદરખાને કેટલું ધૂપ્પલ ચાલ્યું હશે તેની કલ્પના કરી જુઓ.

મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે તો આવાં કૌભાંડોની હારમાળા જ સર્જાયેલી ને કોલસા કૌભાંડે આખા દેશને હચમચાવી દીધેલો. શરમજનક વાત તો એ હતી કે, અબજો રૂપિયાના કૌલસા બ્લોક ફાળવણી કૌભાંડમાં મનમોહનસિંહને આરોપી બતાવીને કોર્ટે સમન્સ મોકલ્યું હતું. મનમોહનસિંહ ઉપરાંત બિરલા ગ્રુપના કર્તાહર્તા કુમાર મંગલમ બિરલા, ભૂતપૂર્વ કોલસા મંત્રાલય સચિવ પી. સી. પરખ સહિત છ લોકો સામે સમન્સ નિકળ્યાં હતાં. મનમોહનસિંહ આ દેશના વડા પ્રધાન હતા ને પહેલી વાર આ દેશના વડા પ્રધાન રહી ચૂકેલા માણસ સામે કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સમન્સ કાઢ્યું તેના કારણે હાહાકાર મચી ગયેલો.

મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે આ મામલો દબાઈ ગયેલો કેમ કે આપણે ત્યાં સમરથ કો નહીં દોષ ગુંસાઈ સિધ્ધાંત કામ કરે છે. મોદી સરકાર સત્તામાં આવી ને કેગ દ્વારા જૂનાં કેસ ઉખેડાયાં તેમાં તેમનું પાપ છાપકરે ચડીને પોકારેલું. બાકી મનમોહન સત્તામાં હતા ત્યારે તાબા હેઠળની સીબીઆઈનો ઉપયોગ કરીને આખી વાતને રફેદફે કરી નાંખવાની કોશિશ કરેલી જ. આ તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થતી હતી તેથી સુપ્રીમે સીબીઆઈને તતડાવી તેથી તેણે પરાણે મનમોહનસિંહ સામે તપાસ કરવી પડેલી તેમાં તે ભેરવાઈ ગયેલા. આ કેસમાં પણ મનમોહનને હજુ તો કશું થયું નથી ને બીજા કેટલાય પણ બચી ગયા છે પણ મૂળ વાત કોલસા મંત્રાલયમાં કેવાં કબાડાં થતાં હતાં તેની છે ને મોદી સરકારે પહેલ ન કરી હોત તો હજુ એ કબાડાં ચાલુ હોત