વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

રાષ્ટ્રપતિ ભવને ટ્વીટર પર આ મુલાકાત વિશે જાહેર કર્યું હતું. હાલ દેશ સમક્ષ એક કરતાં વધુ પડકારો ખડા છે. એક તરફ ચીન સાથે તનાવની પરિસ્થિતિ  છે, તો બીજી બાજુ પાકિસ્તાન સરહદે છમકલાં કરી રહૃાું છે. આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક છે અને કોરોના હજુય દેશમાં કાળો કેર વર્તાવી રહૃાો છે.

સૌથી મોટી ચિંતા તો કહેવાતા ખેડૂત આંદૃોલનની છે. છેલ્લા લગભગ સવા મહિનાથી ખેડૂતો દિલ્હીના સીમાડે અડ્ડો જમાવીને બેઠાં છે. સરકારે મોકલેલી તમામ દરખાસ્તો તેમણે નકારી હતી. તેમણે એવી જિદ પકડી હતી કે તાજેતરમાં સરકારે રચેલા ત્રણ નવા કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી ખેડૂતો નવી દિલ્હી છોડીને પાછા જવા તૈયાર નથી. એક માસમાં ત્રીસથી વધુ ખેડૂતોએ જાન ગુમાવ્યા હતા. સાથોસાથ કુદરત પણ વિફરી હોય એમ અત્યારે દિલ્હીમાં કાતિલ કહેવાય એવી ભયાનક ઠંડી પડી રહી હતી. નેપાળમાં ઓલી સરકારે સંસદ વિસર્જન કરી નાખ્યું હતું.

રશિયા અને ચીન વચ્ચે ઘરોબો વધી રહૃાો હતો. આ અને આવા બીજા ઘણા મુદ્દા વડા પ્રધાને રાષ્ટ્રપતિ સાથે ચર્ચ્યા હતા. આજે ૨૦૨૦નું વર્ષ વિદાય લઇ રહૃાું છે ત્યારે વડા પ્રધાને અને રાષ્ટ્રપતિએ એકબીજાને આવી રહેલા નવા ઇસાઇ વર્ષની શુભેચ્છા પણ આપી હતી એેમ રાષ્ટ્રપતિ ભવનની ટ્વીટમાં જણાવાયું હતું.

સામાન્ય રીતે વડા પ્રધાન વિદેશ યાત્રાથી પાછાં ફરે ત્યારે રાષ્ટ્રપતિની મુલાકાત લેતાં હોય છે. ઘરઆંગણે આવી મુલાકાતો બહુ ઓછી થતી હોય છે એટલે વડા પ્રધાને લીધેલી રાષ્ટ્રપતિની મુલાકાતે સારું એવું કુતૂહલ સર્જ્યું હતું.