વડાપ્રધાન મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવાનો ખરેખર હેતુ શું હતો ?

આપણા દેશમાં ગુનાખોરીના તમામ પ્રકારો છે. મોબાઈલ ફોન નવા હતા ત્યારે ટેલિફોન રોમિયો પકડાતા હતા. હવે સાયબર હેકર્સ નીકળ્યા છે. ટ્વીટર અને ફેસબુકમાં લાખો નકલી એકાઉન્ટ છે. કેટલાક લોકો આઠદસ મોબાઈલ કાર્ડ એટલે કે જુદાજુદા નંબરો રાખી ગુનાઓ આચરે છે. જો કે અપરાધી એક જ વાર ઝડપાય પછી એની જિંદગી ખતમ થઈ જાય છે. ડિજિટલ યુગ અપરાધીના ભરપુર દસ્તાવેજો પોલીસને સુલભ કરી આપે છે. હેકિંગના સપાટામાં આપડા વડાપ્રધાન પણ આવી ગયા છે. ભારતમાં સાયબર ક્રાઈમ સતત વધી રહ્યા છે અને સામાન્ય લોકો બેફામ લૂંટાઈ રહ્યા છે. ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ વધ્યો તેમાં હરામનું ખાવાની જેમને આદત છે એવા હેકર ફાવી ગયા છે ને ગમે તેના એકાઉન્ટમાં ઘૂસ મારીને ખંખેરી લે છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ હેકરોની લપેટમાં આવી ગયા.

હેકરે મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લીધું અને મોદીના ફોલોઅર્સને નેશનલ રિલીફ ફંડમાં દાન આપવા માટેની અપીલ કરતી ટ્વિટ કરી નાંખી. ટ્વિટરે પણ મોદીનું એકાઉન્ટ હેક થયું હોવાની વાતને સમર્થન આપ્યું છે ને સધિયારો આપ્યો કે, મોદીનું એકાઉન્ટ સલામત રાખવા તેણે પગલાં ભર્યાં છે. મોદી સિવાય બીજા કોઈ એકાઉન્ટ હેક થયાં કે નહીં એ ખબર નથી પણ મોદીનું એકાઉન્ટ હેક થાય એ જ વાત મોટી કહેવાય. ઘણાંને મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થાય ને ઈન્ટરનેટ બેન્કિંગનાં ફ્રોડ થાય એ બંને વાતો અલગ લાગશે પણ બંને સરખું જ છે. ટ્વિટર એકાઉન્ટ હોય કે ઈન્ટરનેટ બેન્કિંગ હોય, બંને ચાલે તો ઈન્ટરનેટથી જ છે. મોદીનું એકાઉન્ટ હેક થાય તેનો મતલબ કે, મોદીના ટ્વિટર એકાઉન્ટ પર કબજો કરીને હેકર ધારે એ કરી શકે. એ જ રીતે નેટ બેન્કિંગમાં પણ એકાઉન્ટ હેક જ થાય ને એ રીતે ખંખેરી લેવાય તેથી બંને વાત સરખી છે. બંને ઘટનાનો સંકેત એક જ છે કે, ઈન્ટરનેટ પરથી થતી કોઈ પણ પ્રવૃત્તિ સલામત નથી.

મોદી પહેલી એવી હસ્તી નથી કે જેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોય. હજુ મહિના-દોઢ મહિના પહેલાં જ આખી દુનિયામાં ઢગલાબંધ હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક થયેલાં. તેમાં મોટા મોટા રાજકારણીઓ પણ હતા ને ટેકનોલોજીના ખાં ગણાતા ધુરંધરો પણ હતા. પોતાની કમનિય કાયાનાં કામણ પાથરીને ચર્ચામાં રહેતી બ્યૂટી પણ હતી ને સ્પોર્ટ્સપર્સન પણ હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, હાલના પ્રમુખપદના ઉમેદવાર જો બાયડન, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, સિંગર કાયને વેસ્ટ, તેની વાઈફ ને હોટ બ્યૂટી કીમ કર્દાશિયન જેવી ઢગલાબંધ સેલિબ્રિટીનાં એકાઉન્ટ હેક થયેલાં. આ તો જે નામ યાદ આવ્યાં એ લખ્યાં, બાકી જેમનાં એકાઉન્ટ હેક થયેલાં એવી સેલિબ્રિટીની સંખ્યા સો કરતાં વધારે હતી.

હેકરોએ લોકોને ધૂતીને પોતાનાં ગજવાં ભરવા આ ખેલ કરેલો. હેકરે એક બિટકોઈન એડ્રેસ આપેલું ને તેના પર એક હજાર સેન્ટ મોકલો તો બદલામાં બે હજાર ડોલર મળશે એવા દાણા ફેંકેલા. મોટી સેલિબ્રિટીના નામે આવી ટ્વિટ થાય એટલે લોકોને તરત ભરોસો બેસી જ જાય. બીજું એ કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત ભલે ગુજરાતીમાં હોય પણ લાગુ તો આખી દુનિયામાં પડે. હેકરે તેનો બરાબર લાભ લીધો ને સેલિબ્રિટીના ફોલોઅર્સને લપેટી લીધા. હેકર ચાલાક એટલા કે તેમણે ઝાઝો લોભ કરવાના બદલે એક હજાર સેન્ટ જેવી નાની રકમ જ રાખી. એક હજાર સેન્ટ એટલે લગભગ દોઢ ડોલર થાય ને આટલી રકમ કોઈને પણ વધારે ન લાગે પણ સેલિબ્રિટીઝના ફોલોઅર્સ લાખોમાં હોય તેથી બહુ મોટો વેપલો થઈ જાય. બીજું એ કે, આટલી નાની રકમ જાય તેમાં કોઈ ફરિયાદ પણ ન કરે તેથી કોઈ ડખો પણ ન થાય.

હેકરની ગણતરી સાચી પડી ને ધડાધડ લોકોએ ડોલર મોકલવા માંડેલા. ગણતરીની મિનિટોમાં તો હેકરને રીતસરની ચાંદી ચાંદી થઈ ગઈ. બલકે રીતસરનો ડોલરનો વરસાદ જ થઈ ગયો ને હેકરે લાખો ડોલર લઈ લીધા. મોટી રકમ આવી એટલે તેમણે ધડાધડ ટ્વિટ ડિલીટ પણ કરી દીધી કે જેથી કોઈ પુરાવા જ ન રહે. જો કે આટલી જંગી રકમ જોઈને તેને થોડી વધારે કમાણી કરવાનો લોભ જાગ્યો એટલે તેમણે લોકોને ધૂતવાનો બીજા રાઉન્ડ શરૂ કર્યો તેમાં તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું, બાકી કોઈને ખબર પણ ન પડી હોત. હેકરે બિલ ગેટ્સ ને એલોન મસ્કના ટ્વિટર પરથી બીજી વાર ટ્વિટ મોકલીને હજાર સેન્ટ મોકલવા કહ્યું તેમાં પહેલાં ધૂતાયેલા હતા તેમણે બીજા લોકોને ચેતવવા માંડ્યા તેથી આ કૌભાંડ બહાર આવી ગયું. હેકર સમજી ગયા કે, હવે તેમની પાપલીલા નહીં ચાલે તેથી તેમણે પાપલીલાનો સંકેલો કરી લીધો. આ ખેલ કોણે કરેલો તેની કોઈને ખબર જ ન પડી પણ આ ભેજાબાજોએ કલાકોમાં આખી દુનિયામાંથી ટોપલે ટોપલા ભરાય એટલી રકમ પોતાના ખાતાંમાં જમા કરાવી દીધેલી.

મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું તેમાં એવી કોઈ કળ કરવાની ભાવના નહોતી તેથી લોકો ધુતાયા નથી પણ આ ઘટનાએ એક વાત ફરી સાબિત કરી દીધી કે, ઈન્ટરનેટ પર કશું સલામત નથી. મોદીનું પોતાનું એકાઉન્ટ સલામત ના હોય તો આપણે બધા તો કિસ ખેત કી મૂલી? ટ્વિટર દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં એક છે. તેણે સાયબર સિક્યુરિટીનું બરાબર ધ્યાન રાખ્યું જ હોય. નરેન્દ્ર મોદી તો દુનિયાભરમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલો થતા લોકોમાં એક છે. તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે પણ આ જે એકાઉન્ટ હેક થયું એ તેમની પર્સનલ વેબસાઈટનું એકાઉન્ટ છે. તેના ફોલોઅર્સની સંખ્યા પણ 25 લાખ કરતાં વધારે તો છે જ ને આ આંકડો પણ નાનો નથી જ. આ સંજોગોમાં તેમના એકાઉન્ટની સિક્યોરિટીની વધારે કાળજી લેવાઈ હોય કેમ કે ડિંગલ કરનારા મજા લેવા ખાતર પણ સેલિબ્રિટીનાં એકાઉન્ટ હેક કરી નાખતા હોય છે.

મોદી એવી હસ્તીઓમાં આવે જ કે જેમનાં એકાઉન્ટ હેક કરીને પબ્લિસિટી સ્ટંટ પણ થાય એવો ખતરો હોય. મોદીની ટીમ જે સિસ્ટમ પરથી ટ્વિટ કરતી હોય એ પણ હાઈલી સિક્યોર્ડ નેટવર્કનો ભાગ જ હોય કેમ કે ડિંગલ કરનારા મોદીની સિસ્ટમમાં ઘૂસીને પણ હેક કરી શકે. મોદી ભારતના વડા પ્રધાન છે તેથી તેમની સિસ્ટમ સાથે ઘણી બધી સંવેદનશીલ બાબતો પણ જોડાયેલી હોય તેથી તેની સાયબર સિક્યુરિટી પણ જડબેસલાક જ હોય. આમ છતાં મોદીના એકાઉન્ટમાં ઘૂસણખોરી થતી હોય, તેમનું એકાઉન્ટ હેક થતું હોય તો ઈન્ટરનેટ પર ગમે તે થઈ શકે એ કહેવાની જરૂર નથી. મોદીનું એકાઉન્ટ હેક થયું એ આપણા માટે મોટો બોધપાઠ છે. મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું તેના કારણે કોઈ નુકસાન થયું નથી. હેકરે એવો દાવો કર્યો છે કે, લોકોને ખંખેરી લેવાના બીજા કૌભાંડમાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવેલા.

આ મુદ્દે તેમણે મીડિયાને કાગળ લખીને પોતે નિર્દોષ છે એવું કહેલું પણ કોઈએ તેની નોંધ પણ ન લીધી. મીડિયાને એ બધી વાતોમાં રસ જ નહોતો તેથી લોકો સુધી એ વાત જ ન પહોંચી એટલે તેમણે પોતાની વાત પહોંચાડવા માટે મોદીનું એકાઉન્ટ હેક કરી દીધું. આ વાત સાચી છે કે નહીં એ રામ જાણે પણ મોદીનું એકાઉન્ટ હેક કરીને હેકરે કોઈ નુકસાન પહોંચાડ્યું નથી એ જોતાં તેમની વાત પર ભરોસો કરી શકાય. બાકી મોદીનું એકાઉન્ટ હેક કરીને એ લોકો નુકસાન કરી શકે એવી સ્થિતિમાં હતા જ. મોદી બોલ્યા જ નથી એવી કોઈ વાત તેમના નામે ચલાવીને એ લોકો અશાંતિ ઊભી કરી શક્યા હોત કે બીજું પણ કંઈ કરી શક્યા હોત. તેના બદલે તેમણે એકાઉન્ટ હેક કરીને સાદી ટ્વિટ કરીને મૂકી દીધી તેના પરથી તેમના પર ભરોસો કરી શકાય. કમ સે કમ જ્યાં સુધી મોટું નુકસાન ન થાય ત્યાં સુધી તેમની વાત સાચી માનવી પડે.

આપણા માટે બોધપાઠ એ છે કે, આપણે બધા એટલા નસીબદાર ન પણ હોઈએ ને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ આપણને નુકસાન પણ પહોંચાડી શકે. નુકાસન માત્ર આર્થિક જ હોય એ જરૂરી નથી. તમારા અંગત જીવનમાં તકલીફોના પહાડ તૂટી પડે એવું અટકચાળું પણ કોઈ કરી શકે ને બીજું પણ કરી શકે એ જોતાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં સંયમ વર્તવો ને સાયબર સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખવું એ આ ઘટનાનો બોધપાઠ છે. જો કે સળીબાજો છેવટે જેલના સળિયા પાછળ ધકેલાઇ જાય છે. અત્યારે જે સ્થિતિ છે તે જોતાં આપણે તેનાથી દૂર પણ ભાગી શકીએ તેમ નથી એ વાસ્તવિકતા છે. ઈન્ટરનેટ હવે આપણા જીવનનો ભાગ છે ને તેનાથી આપણે તેનો ઉપયોગ કર્યા વિના ચાલવાનું નથી એ હકીકત છે. ઈન્ટરનેટના કારણે નવી જ દુનિયા ખૂલી ગઈ છે ને આર્થિક રીતે તો હવે બધું ઈન્ટરનેટ પર જ નિર્ભર થતું જાય છે. દુનિયામાં હજુ ફિઝિકલ ચલણનો વપરાશ વધારે છે અને મોટા ભાગના લોકો આજેય ચલણી નોટો જ વાપરે છે પણ નેટ બેન્કિંગ, ડિજિટલ વોલેટ વગેરે ડિજિટલ ચલણનું પ્રમાણ વધતું જાય છે. આપણા અંગત જીવનમાં પણ ઈન્ટરનેટનો પ્રભાવ વધ્યો છે તેથી સાવચેતી રાખવી સારી. બાકી સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી.