વડાપ્રધાન મોદી ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ જાન્યુઆરીના દેશમાં કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાનની શરૂઆત કરવાના છે. આ સાથે પીએમ મોદી દ્વારા કો-વિન એપને પણ લૉન્ચ કરવામાં આવશે. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસની વિરુદ્ધ રસીકરણનું મહાભિયાન શરૂ થવા જઈ રહૃાું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ અભિયાનને વર્ચુઅલ રીતે શરૂ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોમાં એક સાથે રસીકરણ શરૂ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે જેમને કોરોના રસી આપવામાં આવશે, તેમને બે ડોઝ આપવાના છે. દરેક વ્યક્તિએ પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે, આ પછી તારીખ, સ્થાન અને અન્ય માહિતી કો-વિન એપ્લિકેશન દ્વારા આવશે. બંને ડોઝ પછી, પ્રમાણપત્ર પણ વ્યક્તિના ફોન પર આવશે. જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં રસીકરણનું અભિયાન શરૂ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

આ ઉપરાંત રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ અભિયાન શરૂ કરવામાં આવશે, જ્યાં કોરોના રસીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેનો પુરવઠો ભૂતકાળમાં શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ રસી દેશના દરેક રાજ્યમાં આપવામાં આવી રહી છે. ભારતમાં અનેક ચરણોમાં વેક્સિનેશનનું કામ થવાનું છે, જેની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

અત્યારે ૩ કરોડ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે. જે પછી, ફ્રન્ટલાઈન કામદારો, ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ગંભીર બીમારીવાળા લોકોને આપવામાં આવશે. દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ ઉપરાંત, ભારત બાયોટેકની કોવેક્સિનની સપ્લાય પણ શરૂ થઈ ગઈ છે.