અમરેલી,
ગુજરાતના દરેક નાગરિકોને વધુમાં વધુ બસ સેવા મળી રહે તે માટે રાજ્યનું એસટી તંત્ર કાર્યરત છે. એક સ્થાનથી અન્ય સ્થાન સુધી જવા માટે એસટી બસની સગવડો નાગરિકોને પ્રાપ્ત થઈ રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે નવી એસ.ટી.બસ લોન્ચ કરી છે. વડીયા એસટી બસસ્ટેશન ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વડીયા-અમદાવાદ-કૃષ્ણનગર અને વડીયા-સુરત નવી એસટી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. મુસાફરોને આ નવી એસટી વડીયા-અમદાવાદ બસની સુવિધા સાંજના 7 વાગ્યે બગસરાથી અને બપોરના 4 વાગ્યે વડીયાથી મળશે. આ ઉપરાંત વડીયા-સુરત નવી એસટી બસની સુવિધા બપોરના 3 વાગ્યે બગસરાથી ઉપરાંત સાંજે 4 વાગ્યે વડીયાથી મળશે. આ બંને નવી એસટી બસમાં 3 બાય 2 બેઠક વ્યવસ્થા છે અને આ નવી એસટી બસમાં મુસાફરો સરળતાથી લાંબી મુસાફરીનો લાભ માણી શકશે. વડીયા અને બગસરાના મુસાફરોને લાંબા રૂટ સુરત અને અમદાવાદ સુધી અવર જવર માટે એસટીની નવી બસોની આ સુગમ સગવડ સરળતાથી મળશે ઉપરાંત મુસાફરોની સુવિધાઓમાં વધારો થશેઆ પ્રસંગે વડીયા બસ સ્ટેશનના નવીનીકરણની નાગરિકોની માંગણી ધ્યાને લઇ રાજ્ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયને લીધે પૂર્ણ કરવામાં આવશે. મહત્વનું છે કે, આગામી સમયમાં રુ.21 લાખના ખર્ચે વડીયા એસટી બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. વડીયા બસ સ્ટેશનમાં સી સી રોડની કામગીરી, વિટ્રીફાઈડ ટાઇલ્સની કામગીરી, બારી દરવાજા રીપેરિંગ કામગીરી, કલર કામગીરી, ટોઈલેટ બ્લોકનું રિનોવેશન, સેપ્ટીટેંક કામગીરી, નવીન બોર કામગીરી સહિતની કામગીરી કરવામાં આવશે, તેમ એસટી અમરેલી વિભાગીય અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.