વડોદરાના કુમેઠા ગામના તળાવમાંથી પાંચ ફૂટ લાંબા મગરને પાંજરે પૂરવામાં આવ્યો

વડોદરાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના તળાવમાંથી વેહલી સવારે વાઘોડિયા વન વિભાગ અને વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટનો એક મગર પાંજરે પુરવામાં આવ્યો હતો. મગર પાંજરે પૂરાતા ગામલોકોએ રાહત અનુભવી હતી. હજુ પણ ગામના તળાવમાં બે મગર હોવાથી વાઘોડિયા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરિંવદભાઈ પવારને વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે, ગામના તળાવમાં બેથી ત્રણ મગર આવી ગયાં છે અને તે અવાર નવાર બકરી, કુતરા, વાછરડા પર હુમલો કરે છે. આ ઉપરાંત ગામના લોકો તળાવમાં પાણી ભરવા કે કપડા ધોવા માટે જઈ શકતા નથી. આ સાથે આ મગર રાત્રીના સમયે ઘર સુધી આવી પહોંચે છે.

ફોન આવતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વાઘોડિયા વન વિભાગની ટીમ દ્વારા આ મગરને પકડવા માટે તળાવના કિનારે એક પાંજરું મૂકવામાં આવ્યું હતું. જેની અંદર આજ રોજ સવારે છ વાગે એક સાડા પાંચ ફૂટનો એક મગર પાંજરે પૂરાઇ ગયો હતો. મગર પાંજરે પુરાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર યુવરાજિંસહ રાજપૂત, વિશાલ રાઠોડ અને વાઘોડિયા વન વિભાગના અધિકારી જે. પી. મકવાણા ત્યાં પહોચ્યા હતાં. પાંજરે પૂરાયેલા સાડા પાંચ ફુટના મગરને સહી સલામત રીતે બહાર કાઢી વાઘોડિયા વન વિભાગને સોપવામાં આવ્યો હતો.