વડોદરામાં ૫૧ વર્ષીય વૃદ્ધે ૧૦ વર્ષની માસૂમ પર ૬ વાર આચર્યું દુષ્કર્મ, ધરપકડ

રાજ્યમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. તેવામાં વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૫૧ વર્ષીય આધેડે બે મહિનાની અંદર ૧૦ વર્ષીય કિશોરી પર પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે કિશોરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હવસખોરની ધરપકડ કરી છે.

વડોદરાના સેવાસીમાં નિલેશ વિનોદચંદ્ર ઠક્કર (ઉંમર-૫૧) છેલ્લા બે મહિના દરમિયાન ૧૦ વર્ષની કિશોરી સાથે પાંચથી છ વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પીડિત કિશોરીની માતાની ફરિયાદ મુજબ નિલેશ ઠક્કર ૧૦ વર્ષની કિશોરીને રમાડવાના બહાને શારીરિક અડપલાં કરતો હતો. ગત ૨૫ જાન્યુઆરીએ પણ સાંજના સમયે નિલેશ ઠક્કરે આ કૃત્ય કર્યું હતું.

આરોપી નિલેશ ઠક્કર ડ્રાઈવિંગના વ્યવસાય કરતો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહૃાું છે. વડોદરા તાલુકા પોલીસે નિલેશ ઠક્કર સામે પોક્સો એક્ટ હેઠળ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડ્યો હતો. આ કિસ્સો સામે આવતાં જ વડોદરામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ૧૦ વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવતાં લોકોએ આરોપી સામે ફિટકાર વરસાવ્યો હતો.