વડોદરા-છોટાઉદેપુરમાં રક્ત ચંદનના રોપા ઉછેરવામાં પ્રાથમિક સફળતા બાદ રૂદ્રાક્ષના અંકુર ફૂ્ટ્યા

સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકોની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ ખેતીની યોજના અમલમાં મૂકી છે. છોટાઉદેપુર જિલ્લામાં હવે રૂદ્રાક્ષના વૃક્ષો થશે, તે દિવસો દૂર નથી. વડોદરા જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે આ વૃક્ષ ખેતીમાં વિવિધતા અને આવક આપવાની ક્ષમતા વધારવા નર્સરી ઓમાં ગુજરાતમાં પ્રચલિત નથી એવી નોખી પ્રજાતિઓના રોપાઓનો ઉછેર શરૂ કર્યો છે. જેને વૃક્ષ ખેતી હેઠળ ખેડૂતોને વાવેતર માટે આપવાનું આયોજન છે.

આ અંગે જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે આ અનયુઝવલ કહી શકાય તેવી પ્રજાતિઓમાં ચંદન, રક્ત ચંદન, સીતા અશોક અને રૂદ્રાક્ષ જેવી પ્રજાતીઓનો સમાવેશ થાય છે જે બહુધા આપણા વિસ્તારમાં થતી નથી. ચંદન, રક્ત ચંદનના રોપા ઉછેરવામાં પ્રાથમિક સફળતા મળી છે.તો વડોદરા જિલ્લામાં રૂદ્રાક્ષના ઉછેરમાં મુશ્કેલીઓ જણાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની નર્સરીમાં રૂદ્રાક્ષના વાવેતરમાં અંકુર ફૂટવા જેવી ખૂબ જ પ્રાથમિક પરંતુ આશા જગાવતી સફળતા મળી છે.

વન વિભાગના નેતૃત્વ હેઠળ રાજ્યના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં વિવિધ પ્રકારના વૃક્ષોની ખેતી માટેના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ રોપાઓ ખેડૂત માટે સોનાના ઈંડા આપતી મરઘીનું જેમ ફાયદાકારક બને છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં રકતચંદન, સીતા અશોક, ચંદન, તુલસી અને રૂદ્રાક્ષના રોપા ૧૧ નર્સરીઓમાં કેળવવામાં આવ્યા છે. તેની સાથે આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાતા તાડના વૃક્ષો ઘટી રહૃાા છે ત્યારે તેના રોપાઓનો ખાસ ઉછેર શરૂ કરાવવામાં આવ્યો છે.તેની સાથે સાગ અને વાંસ પણ ઉછેરવામાં આવી રહૃાા છે.