કૃષિ અને ખેડૂતોને લગતા ત્રણ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન ગંભીર બન્યું છે ને ખેડૂતો જે રીતે દિલ્હીમાં ખડકાઈ રહ્યા છે એ જોતાં સ્થિતિ મોદી સરકારના કાબૂ બહાર જઈ રહી હોવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે. અત્યાર સુધી મોદી સરકાર ખેડૂતોને નવા કાયદાના લાભ અથાક પ્રયત્નો કરીને સમજાવતી રહી છે. ખેડૂતોની જિદ સામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સફાળી જાગી છે. મોદીએ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. ખેડૂતોનાં ત્રીસ જેટલાં સંગઠનો આ આંદોલન સાથે સંકળાયેલાં છે. આ નેતાઓ સાથે મોદી સરકારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ત્રીજી ડિસેમ્બરે વાત કરવાના છે પણ ખેડૂતોનો ખડકલો જોયા પછી ચિંતિત સરકારે અમિત શાહને આગળ કરીને ખેડૂતોને ૩ ડિસેમ્બર પહેલાં જ વાતચીત કરીને નિવેડો લાવવા રજૂઆત કરી છે. ખેડૂતો પણ અકારણ વટે ચડ્યા છે ને મોદી સરકાર સામે બાંયો ચડાવી દીધી છે. અમિત શાહે આ સંગઠનોના નેતાઓને શનિવારે વિનવણી કરેલી કે, તોમર સાથે વાટાઘાટોની રાહ જોયા વિના આપણે અત્યારે ચર્ચા કરી લઈએ કે જેથી આ ટંટાનો ઉકેલ આવી જાય. શાહે એ ચોખવટ પણ કરેલી કે, મોદી સરકાર ખેડૂતોની તમામ સમસ્યાઓ અને માગણીઓ અંગે વાટાઘાટો કરીને ઉકેલ લાવવા તૈયાર છે. શાહને એમ કે, સરકાર વાટાઘાટોની તૈયારી બતાવશે એટલે ખેડૂતો દોડતા આવશે પણ તેના બદલે ઉલટું જ બન્યું. ખેડૂત સંગઠનોના નેતાઓએ વળતો જવાબ મોકલી દીધો કે, અમને કાંઈ ઉતાવળ નથી ને નિરાંતે મંત્રણા કરીશું. ખેડૂતો પહેલાં રામલીલા મેદાનમાં અડિંગા નાખીને બેસવા માગતા હતા પણ હવે તેમણે એ માગણી પણ પડતી મૂકી દીધી છે. તેના બદલે દિલ્હીની આસપાસના હાઈવે પર જ અઠે દ્વારકા કરી દીધું છે. કોઈ પ્રકારની ઉતાવળ વિના પોતાનું આંદોલન ચલાવવાની તેમણે જાહેરાત કરી દીધી છે. દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં અત્યારે જે સ્થિતિ છે એ સ્ફોટક છે ને ખેડૂતોનું વલણ જોતાં હજુ વધુ સ્ફોટક બનવાના પૂરા અણસાર છે. હરિયાણા ને પંજાબ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન ને કેરળ એમ બીજાં ચાર રાજ્યોના મળીને કુલ છ રાજ્યોના હજારો ખેડૂતો સરહદે ખડકાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સહિતનાં બીજાં રાજ્યોમાંથી હજુ ખેડૂતો આવી રહ્યા છે. જે ખેડૂતો આવી ગયા છે તેમણે દિલ્હીની હરિયાણા ને ઉત્તર પ્રદેશ એમ બંને રાજ્યોની સરહદે મોરચો માંડી દીધો છે. તેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે ને દિલ્હીમાં પ્રવેશવું જ શક્ય નથી રહ્યું. આ હજુ શરૂઆત છે કેમ કે હજુ તો મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી રહ્યા છે. કેન્દ્ર સરકાર વતી તોમર હજુ છેક ગુરૂવારે ખેડૂતોના આગેવાનોને મળવાના છે ને ત્યાં સુધીમાં કેટલા ખેડૂતો ખડકાઈ જશે એ ખબર નથી. આ ખેડૂતો પાછા ટ્રેક્ટરો ભરી ભરીને ને રહેવા-ખાવા-પીવાનો સામાન ભરી ભરીને આવે છે તેથી તેમને પાછા જવાની ઉતાવળ નથી પણ દિલ્હીની હાલત બગડી જશે તેમાં શંકા નથી. દિલ્હી ફરતે ખેડૂતો અત્યારથી જ કિલ્લેબંધી કરીને બેઠા છે. આ કિલ્લેબંધી હજુ વધશે એ જોતાં દિલ્હીની હાલત બગડશે. આ તો આપણે માત્ર કિલ્લેબંધીની વાત કરી પણ આ હજારો ખેડૂતો દિલ્હીની સરહદે પડ્યા પાથર્યા રહેશે તેના કારણે જે કચરો ને બીજું બધું ઠલવાશે તેના કારણે શું હાલત થશે તેની તો વાત જ નથી કરતા. આ સ્થિતિ ગંભીર છે ને તેને માટે જવાબદાર સરકાર પોતે જ છે. મોદી સરકારે જૂન મહિનામાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન), ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ અને એસેન્શિયલ કોમોડિટીઝ(અમેન્ડમેન્ટ) એ નામે ત્રણ ત્રણ વટહુકમ બહાર પાડ્યા ત્યારે જ તેની સામે ચીંચીંચીં શરૂ થઈ ગયું હતું. ખેડૂત સંગઠનોએ આ વટહુકમોને ખેડૂત વિરોધી ગણાવીને પાછા ખેંચી લેવા માગણી શરૂ કરી દીધી હતી. હરિયાણા-પંજાબ ખેતી પર નભે છે તેથી ત્યાં સૌથી ઉગ્ર વિરોધ હતો. ખેડૂતોની મતબેંક બહુ મોટી છે તેથી રાજકીય લાભ મેળવવા માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પણ વિરોધમાં ઝંપલાવી દીધું હતું. સરકારે તેમના વિરોધને ગંભીરતાથી ન લીધો. તેમની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખીને આ વટહુકમોને કાયદા બનાવવા સંસદમાં ખરડા લાવવાની જાહેરાત કરી દીધી. સરકારની આ જાહેરાત સામે ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા પણ તેને ધરાર અવગણીને સરકારે આ ખરડા પસાર કરાવી દીધા. સરકારે એ વખતે ખેડૂતોને ગણકાર્યા નહીં. સરકારે એ વખતે જ ખેડૂતોની વાતો સાંભળીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા કે તેનું સમાધાન કરવા પ્રયત્ન કર્યા હોત તો સ્થિતિ અલગ હોત. ખેડૂતોને સામે બેસાડીને સમજાવવાની જરૂર હતી. તેમના વાંધા ખોટા હોય તો તેમના વિશે સમજ આપવાની જરૂર હતી પણ તેના બદલે મોદી સરકાર જોરદાર તોરમાં હતી. આ તોરમાં ને તોરમાં ખેડૂતોની વાત સાંભળી નહીં ને સંસદમાં બહુમતીના જોરે કૃષિ અને ખેડૂતોને લગતા ત્રણેય ખરડા પસાર કરાવી દીધા. ખેડૂતો પહેલાં જ ભડકેલા હતા ને આ કાયદા પસાર કરાયા તેથી ખેડૂતો મેદાનમાં આવી ગયા. પંજાબ-હરિયાણા સહિતનાં કેટલાંક રાજ્યોમાં તો ખેડૂતોએ બધું ઠપ્પ કરીને આ આંદોલનને અત્યંત ઉગ્ર બનાવી દીધું. આ આંદોલન શરૂ થયું ત્યારે પણ સરકાર જાગી નહીં. જાગી નહીં એવું કહેવા કરતાં તો તોરમાં હતી એવું કહીએ તો ચાલે. મોદી સરકારે ખેડૂતોની વાતો સાંભળવાના બદલે તેમનું આંદોલન રાજકારણથી પ્રેરિત હોવાના આક્ષેપો શરૂ કર્યા. ભાજપના નેતાઓ ખેડૂતો કોંગ્રેસના દલાલ છે એ રીતની વાતો કરવા માંડ્યા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તો હજુ ગયા અઠવાડિયા સુધી એવી જ વાતો કર્યા કરતા હતા કે, પંજાબની કેપ્ટન અમરિન્દરસિંહ સરકારે આ આંદોલન ભડકાવ્યું છે. ભાજપના આગેવાનોએ તો ગૃહ મંત્રી અમિત શાહને મળીને આ આંદોલન માટે કેનેડાથી ખાલિસ્તાનવાદીઓ નાણાં મોકલતા હોવાની રજૂઆત પણ કરી છે. પંજાબના લોકપ્રિય કલાકારો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે. આંદોલનને દબાવી દેવાની વાતો પણ આ નેતાઓ કરી રહ્યા છે. આ બધાના કારણે ખેડૂતો પણ બગડ્યા છે ને નમતું જોખવા તૈયાર નથી. આ વિરોધ શરૂ થયો ત્યારે કોરોનાનો ખતરો ઉભો હતો. લોકડાઉનની અસર તાજી હતી તેથી ખેડૂતો આંદોલન કરવા રસ્તા પર નહોતા ઉતર્યા. દિલ્હી આવવાની તેમની ઈચ્છા હતી પણ સમજદારી બતાવીને દિલ્હી નહોતા આવ્યા. હવે પક્ષો સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરતા નથી તેથી ખેડૂતોએ પણ એ ચિંતા છોડી દીધી છે ને દિલ્હી આવી ગયા છે. ખેડૂતો અને મોદી સરકારની આ લડાઈ બે જોરાવરની લડાઈ છે. બે આખલાની આ લડાઈમાં દિલ્હીની પ્રજાનો ખો નીકળી જવાનો છે. બલકે તેની શરૂઆત થઈ ગઈ છે કેમ કે દિલ્હીમાંથી બહાર નીકળું કે અંદર જવું અત્યારે શક્ય રહ્યું નથી. દિલ્હીની પ્રજા એક રીતે કેદ થઈ ગઈ છે ને આ સ્થિતિ કમ સે કમ અઠવાડિયા સુધી તો બદલાય તેમ નથી. દિલ્હીમાં અત્યારે પ્રદૂષણની સમસ્યા ગંભીર છે ને તેના કારણે કોરોનાનો ખતરો વધી ગયો છે. ધડાધડ કેસો વધી રહ્યા છે ને હવે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતાં દિલ્હી બોમ્બ જ બની ગયું છે એમ કહીએ તો ચાલે. મોદી સરકારે આ સ્થિતિનો ઉકેલ લાવવો હોય તો થોડીક પહેલ કરવી પડે. ખેડૂતોને કૃષિ કાયદાના કારણે માર્કેટ યાર્ડ્સ ખતમ થઈ જશે ને મિનિમમ સપોર્ટ સિસ્ટમ (એમએસપી) એટલે કે લઘુતમ ટેકાના ભાવની સિસ્ટમ પતી જશે એવી ચિંતા છે. સરકાર આ વાતો ખોટી છે એવું કહ્યા કરે છે પણ ખેડૂતોને તેના પર ભરોસો નથી. સરકારે આ ભરોસો બેસે એટલા માટે કાનૂની જોગવાઈઓ કરી દેવી જોઈએ. અત્યારે સંસદનું સત્ર ચાલુ નથી તેથી વટહુકમ લાવીને એ કામ કરી શકાય. સંસદનું સત્ર મળે ત્યારે તેનો કાયદો બનાવી દેવાનો.
|
|
|