બગસરા,
બગસરા તાલુકામાં વરસાદ પડતાની સાથે જ શીલાણા પાસે આવેલ ખીજડીયા ગામ સંપર્ક વિહોણું બની જાય છે મુખ્ય રસ્તા પર ચેકડેમનું પાણી આવી પડતા, ગામ સંપર્ક વિહોણું બની જાય છે.બગસરા તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પરંતુ બગસરા તાલુકાનું જ ખીજડીયા ગામ વરસાદ પડતાની સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. કારણ કે શીલાણા ગામ ના પાદરમાં બનેલા ચેકડેમમાં ગત વર્ષે રીપેરીંગ કામ કરી ઊંચાઈ વધારવામાં આવતા પાણીનો ભરાવો ખીજડીયા જવા માટેના એકમાત્ર પાકા રસ્તા પર ફરી વળે છે. જેથી વરસાદ પૂર્ણ થઈ ગયા પછી પણ કલાકો સુધી આ ગામની અવરજવર સદંતર બંધ થઈ જાય છે. રસ્તો બંધ થઈ જતા નજીકના ગામ શીલાણા તથા તાલુકા કક્ષાએ ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને પણ કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે. આ બાબતે ગત વર્ષે પણ તંત્રને રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં એક વર્ષ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા ગામ લોકોને ફરી એક ચોમાસુ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ એક સપ્તાહ પહેલા જ એક વીજ કર્મચારી નું બાઈક પુલ પસાર કરવા સમયે પાણીના પ્રવાહમાં નીચે તણાઈ જતા મૃત્યુની ઘટના બની હતી. તંત્ર કોઈ બીજા મૃત્યુની રાહ જોઈ રહ્યું છે કે કેમ એવો પ્રશ્ન લોકોમાં ચર્ચા રહ્યો છે.