વરાછાની કમલપાર્ક સોસાયટીમાં રાજુલાના વતનીની હત્યાનો બનાવ

સુરત,
વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં હિરાની ઓફિસમાં આજે બપોરે અમરેલી જિલ્લાના રાજુલાના વતની એવા હીરાના વેપાર સાથે સંકળાયેલ આધેડ વયસ્ક હાથ પગ બાંધીને મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેઓના મોઢા ઉપર ઇજાના નિશાન મળી આવ્યા છે. બે યુવાનો બાઇક લઇને આવીને હત્યા કરીને પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. હિરાની ઓફિસમાં તિજોરીમાંથી મુદામાલ ગાયબ હોવાના કારણે લુંટના ઇરાદે હત્યા થઇ હોવાથી પોલીસે ઝીણવટપુર્વકની તપાસ આદરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પુણા રોડ ઉપરની મુક્તિધામ સોસાયટીમાં રહેતા પ્રવિણ ભાઈ ભીખા ભાઈ નકુમ (ઉ.62) કમલપાર્ક શેરી નં -4 ખાતે હિરાની ઓફિસ ધરાવે છે. આજે બપોરે આધેડ વયસ્ક પ્રવિણ ભાઈ નકુમનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ તેમના મોઢા ઉપર ઇજાના નિશાન મળી આવ્યા હતા.
હત્યાનો ભોગ બનેલ પ્રવિણ ભાઈ નકુમના પુત્ર અશોકે જણાવ્યુ હતુ કે મારા પિતા ઓફિસમાં બેસીને હિરાનો ધંધો કરતા હતા. ઉપરાંત અમારી મિલ્કતના ભાડાનો હિસાબ પણ તેઓ જ રાખતા હતા. ઓફિસની તિજોરી ખાલી હોવાનું ઉમેર્યુ હતુ.
પોલીસે તેમના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સીસી ટીવી કેમેરામાં બાઇક લઇને આવેલ બે વ્યકિતઓ ઉપર હત્યાની શંકા વ્યકત કરાય રહી છે. હત્યાનો ભોગ બનેલ પ્રવિણ ભાઈ નકુમ અમરેલી જીલ્લાના રાજુલાના વતની હોવાનું જાણવા મળેલ છે.