વર્લ્ડબેન્કના નવા અહેવાલ પ્રમાણે તો હવે મહાનગરોમાં જિંદગી ઠેબે ચડે છે

ચૂંટણીઓની મોસમમાં હવે રાજકીય પક્ષો ગ્રામ્ય વિસ્તારોની સરખામણીમાં કદાચ શહેરોમાં રોડ શો, રેલીઓ અને સભાઓ સહિતના પ્રચાર કાર્યક્રમો થોડા વધુ યોજી રહ્યા હોય તેમ જણાય છે. આનું કારણ શહેરોમાં વધી રહેલી વસ્તી છે. ઘણાં શહેરોની આજુબાજુના ગામડાઓને કાળક્રમે કાં તો શહેરોમાં સમાવી દેવામાં આવ્યા છે, અથવા તો આ ગામડાઓના ધંધા-રોજગાર-નોકરીના કારણે ત્યાંનું જનજીવન નજીકના શહેરો સાથે એટલું બધું સંયોજીત થઈ ગયું છે કે, આ ગામડાઓ શહેરનો જ ભાગ હોય તેવું લાગે. આમ, રોજગારીની શોધ, સુખ-સુવિધાવાળા જીવનનું સ્વપ્ન કે બાળકોના અભ્યાસ માટે તેમજ વ્યાપાર-નોકરી-ઉદ્યોગ-રિયલ એસ્ટેટ જેવા વ્યવસાયોના વિકાસ-વિસ્તરણ માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં જઈને વસવાટ કરનારા લોકોની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

ભારતમાં વધી રહેલા શહેરીકરણને લઈને તાજેતરમાં વિશ્વબેન્કે એક એસ્ટીમેન્ટ રજૂ કર્યું છે, જે માત્ર ભારત સરકાર કે રાજ્ય સરકારો જ નહીં, પરંતુ પાલિકા-મહાપાલિકા-પંચાયતો અને ખાસ કરીને પબ્લિક માટે પણ નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ અંદાજો આવી રહેલા આમુલ પરિવર્તનોની આલબેલ જોવા છે. ભારતમાં એક તરફ જનસહયોગથી વિકાસનું પીપીપી મોડલ વિકસી રહ્યું છે, અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપના આ અભિગમ હેઠળ જ મહદ્અંશે મેગા વિકાસના પ્રોજેકટો આકાર પામી રહ્યા છે. તેવા સમયે વિશ્વબેન્કનો આ રિપોર્ટ વધુ મહત્ત્વપૂર્ણ અને દિશાનિર્દેશ આપનારો બની ગયો છે. આજે વિશ્વની વસ્તી આઠ અબજની થશે, તેવા અહેવાલો છે, તો ભારતની વધી રહેલી વસ્તી અને જનજીવનમાં આવી રહેલા પરિવર્તનોને લક્ષ્યમાં લઈને વિશ્વબેન્કે ભારતમાં વધી રહેલા શહેરીકરણની મૂળભૂત જરૂરિયાતો અને ડેવલપમેન્ટ માટે દર વર્ષે પપ અબજ ડોલરની જરૂર પડશે. તેવો અંદાજ મૂક્યો છે.

‘ફાયનાન્સીંગ ઈન્ડિયાઝ ઈન્ફ્રાસ્ટ્રકચર નીડઝઃ કોમર્શિયલ ફાયનાન્સ એન્ડ પ્રોસ્પેકટ્સ ફોર પોલિસી એકસન’ ના મથાળા હેઠળ વિશ્વબેન્કે આ રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેમાં પ્રાઈવેટ અને કોમર્શિયલ સેકટરોમાં આવી રહેલી ખાધ પુરવાની તાતિ જરૃરિયાત જણાવી છે. છેલ્લા એક દાયકામાં ભારત સરકારની કેટલીક ફલેગશીપ યોજનાઓનો ધીમો અમલ, પંચાયત-પાલિકા-મહાપાલિકાઓ, રાજ્ય સરકારોથી માંડીને કેન્દ્ર સરકારની યોજનાઓમાં પીપીપીમાં ઘટી રહેલું મૂડી રોકાણ તથા ઘટી રહેલી રેવન્યુનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં કરાયો છે. વિશ્વ બેન્કે આગામી દોઢ દાયકામાં ભારતને શહેરીકરણ વધવાથી તથા શહેરોમાં વધેલી રહેલી વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માટે દર વર્ષે પપ અબજ ડોલર એટલે કે લગભગ ૪૬૦૦ અબજ રૂપિયા જેવી જંગી રકમની જરૂર પડશે, અને દોઢ દાયકામાં ઓછામાં ઓછું ૬૯ હજાર અબજ (૬૯૦૦૦ અબજ) રૃપિયાનું ઈન્વેસ્ટમેન્ટ પીપીપી ધોરણે કરવું પડશે. તેવો જે અંદાજ મૂકવામાં આવ્યો છે, તે પડકારરૂપ છે.

ભારતમાં વધી રહેલા શહેરીકરણ તરફ ઈશારો કરતા વિશ્વબેન્કના આ રિપોર્ટમાં એવો અંદાજ પણ મૂકાયો છે કે આગામી વર્ષોમાં ભારતની ૪૦ થી ૪પ ટકા વસ્તી એટલે કે ભારતની અંદાજે ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૬૦ કરોડથી વધુ લોકો શહેરોમાં વસવાટ કરતા હશે. આ રિપોર્ટમાં ભારતની આર્થિક સ્થિતિ તથા વ્યવસ્થાઓ અંગે પણ ટકોર કરવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં કેટલાક કરવેરા ઘટી રહ્યા છે અને સેવાકર અથવા સર્વિસ ચાર્જીસ યોગ્ય સ્તર કરતાં ઘણાં ઓછા રાખવામાં આવ્યા હોવાથી રેવન્યુ (આવક) ઘટી રહી છે ! આ રિપોર્ટમાં પરોક્ષ રીતે યોજનાકીય લ્હાણી કરવાની મનોવૃત્તિ તરફ પણ સંકેત કરવામાં આવ્યો છે, જેને હવે રેવડી કલ્ચર જેવા નામો અપાયા છે.

આ ઉપરાંત લોન-ધિરાણોની ઓછી રિકવરી જેવા શબ્દો વાપરીને કદાચ બેન્કીંગ ક્ષેત્રના જંગી કૌભાંડો, જમીન કૌભાંડો અને અન્ય નાણાણીય કૌભાંડોના કારણે ધિરાણો સામે એકંદરે રિવકરી ઘટતા દેશોની નાણાકીય સ્થિરતામાં ઓટ આવી હોવાનો સંકેત પણ વિશ્વ બેન્કે આપ્યો હોવાનું આર્થિક ક્ષેત્રના તજજ્ઞો માને છે. તેવી જ રીતે આ રિપોર્ટમાં જ ભારતમાં વધી રહેલી શહેરી સુવિધાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટોમાં થઈ રહેલી પ્રગતિનો ઉલ્લેખ પણ કરાયો હોય તેમ જણાય છે. આ રિપોર્ટના તારણો મુજબ દેશમાં વધી રહેલા શહેરીકરણની જરૂરિયાતોને પહોંચી વળવા પીપીપી ધોરણે અપેક્ષા  કરતા વધુ મૂડીરોકાણો થવા જરૂરી છે, અને આ ક્ષેત્રે વિકાસ અને નાણાકીય ઉપ્લબ્ધિ વચ્ચેની ખાઈ પુરવી અત્યંત જરૃરી છે. વર્લ્ડ બેન્કના આ રિપોર્ટમાં ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અવલ બનેલી કેટલીક લોક-કલ્યાણ અને વિકાસની યોજનાઓનો યોજનાવાર ઉલ્લેખ કરીને તેમાં પર્યાપ્ત મૂડી રોકાણની જરૂર પણ જણાવી છે.

કેટલીક નામજોગ ચોક્કસ યોજનાઓનો અમલ નાણાની જંગી તેમ જ પૂરતા ઈન્વેસ્ટમેન્ટ આ અભાવે ઘણો જ ધીમો રહ્યો હોવાના તારણો પણ પ્રસ્તૂત કરાયા છે, અને તેના કારણો પણ રજૂ થયા છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીની વોર્નિંગ બેલ આઈએમએફ દ્વારા વગાડવામાં આવી રહી છે, અને મોંઘવારીના કારણે ડિમાન્ડમાં ઘટાડો, રશિયા-યૂક્રેન યુદ્ધની માઠી અસરો અને પ્રોડકશનમાં ઘટાડો થતા વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પડી રહી હોવાના તારણો નીકળી રહ્યા છે. બીજી તરફ ભારતમાં કોરોનાકાળ પછી પણ અર્થતંત્ર વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પ્રગતિશીલ રહ્યું હોવા છતાં શહેરીકરણ, મોંઘવારી અને રેવન્યૂમાં ઘટાડો થવા દેવા પરિબળો પડકારરૂપ હોવાનો અભિપ્રાય પણ મહદ્અંશે વ્યકત થઈ રહ્યો છે, ત્યારે વિશ્વબેન્કના આ રિપોર્ટની નોંધ દેશભરની પંચાયતો-પાલિકાઓથી લઈને રાજ્યોની સરકારો તથા કેન્દ્ર સરકારે લેવી જ પડે તેમ છે.

દેશમાં શહેરોની વધતી જતી જરૂરિયાતો માટે રૂ. ૪૬૦૦ અબજ રૂપિયા જેવી આવક કયાંથી વધારવી અથવા ખોટા ખર્ચા કયાં ઘટાડવા, તે હવે ‘ટોપ-ટુ-બોટમ’ શાસન-પ્રશાસનોએ સાથે મળીને નક્કી કરવું પડે તેમ છે. જે ચૂંટણીની મોસમમાં રાજકીય પક્ષો માટે  બૂમરેંગ પૂરવાર થઈ શકે તેમ હોવાથી હાલ તુરત તો આ ચર્ચિત રિપોર્ટ પર ગોળ-ગોળ વાતો જ થશે, પરંતુ ચૂંટણી પછી આ દિશામાં વિચાર-વિમર્શ જરૂર થશે, અથવા કરવો જ પડશે. આમ, નીતિન ગડકરી ગમે તેટલા દાવા કરે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર અને શહેરોના વિકાસની દિશામાં હજુ ઘણાં વધુ પ્રયાસો કરવા પડે તેમ છે તે નક્કી છે.