વર્ષ 2023-23નાં ઇજાગ્રસ્ત 43 સિંહનાં સફળ રેસ્ક્યુ કરાયાં

અમરેલી,

દર વર્ષે 10 ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર જંગલમાં સિંહની વસ્તી વસવાટ કરે છે. દેશ અને વિદેશથી સાસણ ગીરમાં લોકો સિંહ જોવા આવે છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલીમાં વર્ષ 2022-23માં સિંહ સંરક્ષણને લઈને સફળ કામગીરી કરવામાં આવી છે. લીલીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં ગ્રેટર ગીર અટલે કે બૃહદ ગીરના વિસ્તારમાં (જંગલ સિવાયનો વિસ્તાર) અંદાજે 100 થી 110 જેટલા સિંહોનો વસવાટ છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલી અને ભાવનગરનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં વર્ષ 2022-23માં ઈજાગ્રસ્ત 43 સિંહના સફળ રેસ્ક્યુ કરીને સિંહને બચાવવામાં આવ્યા છે. એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એશિયાઈ સિંહોનો વસવાટ છે. ગીર નેશનલ પાર્ક અને ગીર વન્યજીવ અભ્યારણ્ય ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. ગીરમાં સિંહોના વસવાટમાં અને તેમના સંરક્ષણમાં જીવદયામાં માનતી પ્રેમાળ ગાંડી ગીરની પ્રેમાળ અને સંવેદનશીલ પ્રજાનો સિંહ ફાળો છે.ગુજરાતમાં સતત સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ-2005માં સિંહની વસ્તી 359 હતી જે વધીને વર્ષ-2020માં 674 થઈ છે. ગુજરાત સરકારના વન વિભાગ અંતર્ગત સિંહ સહિતના વન્યજીવોને સંરક્ષણને લઈને વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન સિંહો માટે અલાયદી અને વિશેષ વ્યવસ્થાના ભાગરુપે સિંહ માટે પીવાના પાણીની સગવડ ધારી પૂર્વ વન્યજીવ રેન્જમાં કરવામાં આવે છે. ઈજાગ્રસ્ત સિંહો માટે સારવાર અને ઓબ્ઝર્વેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સિંહોનું વિશેષ પ્રકારે સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ અંતર્ગત અમરેલી અને ભાવનગર વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો ખેડૂતોની ખેતીની જમીનમાં ખુલ્લા કુવામાં ના પડે તે માટે 673 કુવાઓની પારાપીટનું બાંધકામ કરીને કુવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે. અમરેલી વિસ્તારમાં ખેડૂતોની ખેતીની જમીનમાં અંદાજે 600 જેટલા મંચાણા (મેડા) બનાવવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં વીજપ્રવાહ ખુલ્લો મૂકી રહ્યા છે, જે સિંહ સહિતના વન્યજીવો માટે જોખમ ઉભું કરે છે. આપણે જીવ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સિંહ સહિતના વન્યપ્રાણીઓના સંરક્ષણને લઈને આગળ આવવું જરુરી છે. આવૌ સૌ જાગૃત્ત નાગરિક બનીને જીવદયા પ્રત્યે સંવેદનશીલ બનીએ અને નાગરિક તરીકેની ફરજ અદા કરીએ.ગુજરાત સરકાર અંતર્ગત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણને લઈને તમામ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહોના સંરક્ષણને લઈને બિમાર સિંહોની સારવાર સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુદ્રઢ રીતે કરવામાં આવી છે.