ભારતમાં શાસ્ત્રીય સંગીતના ધુરંધરો ફિલ્મોમાં પણ સફળ થયા હોય એવું બહુ ઓછા કિસ્સામાં બન્યું છે. શાસ્ત્રીય સંગીત કે વાદ્ય દ્વારા ચોક્કસ ક્લાસને ડોલાવનારા ફિલ્મોના સામાન્ય માણસોના બનેલા માસને પણ ડોલાવી દે એવા વિરલા ભારતમાં બહુ ઓછા પાક્યા. સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા આવા જ વિરલાઓમાંથી એક હતા. મંગળવારે શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ આવા એક વિરલાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. વિરલ વ્યક્તિત્વના માલિક શિવકુમાર શર્મા છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારીથી પિડાતા હતા. શિવકુમાર શર્મા ડાયાલિસીસ પર હતા તેથી સંગીતની દુનિયાથી અલિપ્ત હતા તેથી સંગીત ચાહકોથી તો દૂર હતા જ. મંગળવાર ને ૧૦ મેના રોજ સવારે કાર્ડિયાક અરેસ્ટ આવતાં તેમણે સંગીત ચાહકોની કાયમી વિદાય લઈ લીધી.
શિવકુમાર શર્માનું શાસ્ત્રીય સંગીતમાં બહુ મોટું યોગદાન છે. ભારતમાં શાસ્ત્રીય સંગીતનો ચાહક વર્ગ બહુ મોટો નથી તેથી સામાન્ય લોકો તેમના યોગદાન વિશે બહુ જાણતા નથી. શિવકુમાર શર્માનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે જમ્મુ અને કાશ્મીરના લોકવાદ્ય સંતૂરને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી, વૈશ્વિક સ્તરે એક અદ્ભુત વાદ્ય તરીકે તેને સ્થાપિત કર્યું. આઝાદી પહેલાં ૧૯૩૮માં ૧૩ જાન્યુઆરીના રોજ જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માને શાસ્ત્રીય સંગીતનો વારસો તેમનાં માતા પાસેથી મળ્યો હતો. શિવકુમારનાં માતા ઉમા દત્ત શર્મા લોકગાયિકા હતાં અને તેમની માતૃભાષા ડોગરી હતી. ઉમા દત્ત ડોગરીમાં મોટું નામ ગણાય છે. માતાની અસર હેઠળ પાંચ વર્ષની ઉંમરથી જ શિવકુમારે તબલાં શીખવાની શરૂઆત કરી દીધી હતી. તબલાંમાં તેમનો હાથ બેસી જ ગયો હતો ત્યાં તેમને સંતૂરમાં રસ પડ્યો ને ૧૩ વર્ષની ઉંમરે શિવકુમારે સંતૂર શીખવાનું શરૂ કર્યું.
સંતૂરના પ્રેમમાં શિવકુમાર એવા પડ્યા કે ચાર વર્ષમાં તો સંતૂરવાદનમાં મહારત હાંસલ કરી લીધી હતી. ૧૯૫૫માં મુંબઈમાં ૧૭ વર્ષની ઉંમરે પંડિત શિવકુમારે પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું ને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પરફોર્મન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકવાદ્ય સંતુરનો પંડિત શિવકુમારે વિશ્વને પરિચય કરાવ્યો ને પછી એક એકથી ચડિયાતાં પર્ફોર્મન્સ આપીને વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય બનાવી દીધું. આ પર્ફોર્મન્સીસથી પ્રભાવિત જાણીતા સર્જક વી. શાંતારામે ૧૯૫૬માં બનાવેલી ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેના એક સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તેમના સંતૂરવાદનનો ઉપયોગ કર્યો હતો. શિવકુમારે એ પછી ફિલ્મો માટે નાનાં નાનાં કામ કર્યાં ને ૧૯૬૦માં પહેલું સોલો આલ્બમ પણ બહાર પાડેલું. શિવકુમારે ખ્યાતિ વધતાં જાણીતા ગિટાર વાદક બ્રિજ ભૂષણ કાબરા સાથે જોડી જમાવીને ઘણા પર્ફોર્મન્સ આપેલાં. શિવકુમારનું પહેલું હિટ આલ્બમ ૧૯૬૪મા બહાર પડ્યું એ પણ કાબરા સાથે જ હતું.
શિવકુમારે એ પછી વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા અને કાબરા સાથે મળીને કોલ ઓફ ધ વેલી નામે આલ્બમ બહાર પાડેલું એ પણ સુપરહિટ હતું. આ બધાના કારણે ક્લાસિક સંગીતના રસિયા શિવકુમારને ઓળખતા હતા પણ સામાન્ય લોકોમાં તેમનું નામ જાણીતું નહોતું. સામાન્ય લોકોને શિવકુમારની ઓળખ કરાવવાનું અને તેમનું નામ જાણીતું કરવાનું પણ શ્રેય યશ ચોપરાને જાય છે. યશ ચોપરાએ ૧૯૮૦માં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખાને લઈને ‘સિલસિલા’ બનાવી. બચ્ચન-રેખાની લવ સ્ટોરીના કારણે આ ફિલ્મે ભારે ઉત્સુકતા જગાવેલી. યશ ચોપરા પોતાની શરૂઆતની ફિલ્મોમાં અલગ અલગ સંગીતકારોને લેતા. કભી કભી ફિલ્મથી તેમણે ખય્યામને લેવા માંડ્યા. ખય્યામે યશની ફિલ્મોમાં જોરદાર મ્યુઝિક આપેલું તેથી સૌને લાગતું હતું કે સિલસિલામાં પણ ખય્યામ જ હશે પણ યશ ચોપરાએ આશ્ર્ચર્ય સર્જીને ‘શિવ-હરિ’ નામે નવી સંગીતકાર જોડીને રજૂ કરી.
શિવકુમાર શર્મા અને વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની ‘શિવ-હરિ’ની જોડી શાસ્ત્રીય સંગીતના રસિયાઓમાં જાણીતી હતી. ‘શિવ-હરિ’ના નામે ૧૯૬૭થી બંને સાથે પર્ફોર્મન્સ આપતા ને આલ્બમ પણ બહાર પાડ્યું હતું. આ આલ્બમનું નામ ‘કોલ ઑફ ધ વેલી’ હતું. ત્યાર બાદ બંનેએ અનેક મ્યુઝિક આલ્બમમાં સાથે કામ કર્યું હતું. સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મમાં જ કમાલ કરી નાંખી. જાવેદ અખ્તરનાં ગીતોને શિવ-હરિએ કમાલની ધૂનો બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા પણ સૌથી વધારે ધમાલ રંગ બરસે ભીગે ચુનરવાલી ગીતે મચાવી.
હરિવંશરાય બચ્ચને લખેલા ગીતને અમિતાભ બચ્ચનના સ્વરમાં શિવ-હરિએ એ રીતે રજૂ કર્યું કે, આ ગીત હોળીનું થીમ સોંગ બની ગયું, અમર થઈ ગયું. દેખા એક ખ્વાબ તો યે સિલસિલો હુએ, યે કહાં આ ગયે હમ, નીલા આસમાન સો ગયા, સર સે સરકે સરકે ચુનરીયા વગેરે ગીતોએ પણ ધૂમ મચાવી દીધેલી. સિલસિલાના સંગીતે સંગીતકાર તરીકે શિવ-હરિનો સિક્કો જમાવી દીધો.
સામાન્ય રીતે એક ફિલ્મ સફળ થાય એટલે સંગીતકારો એક પછી એક ફિલ્મો લેવા માંડે પણ શિવ-હરિએ સંયમ રાખીને યશ ચોપરાની ફિલ્મો પૂરતા પોતાને મર્યાદિત રાખ્યા. શિવ-હરિએ આંગળીના વેઢે ગણાય એવી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ ફિદા થઈ જવાય એવું સંગીત આપ્યું.
યશ ચોપરાની ‘સિલસિલા’ પછી ‘ચાંદની’, ‘લમ્હે’, ‘પરંપરા, ‘વિજય, ‘ફાસલે અને ડર’ જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું. આ ફિલ્મોનાં ગીતો આજેય લોકોને ડોલાવી દે છે. આ તમામ ફિલ્મો યશ ચોપરાની હતી. યશ ચોપરાની ના હોય એવી એક જ ફિલ્મમાં શિવ-હરિએ સંગીત આપ્યું અને એ ફિલ્મ સંજય દત્ત અને માધુરીની સાહિબાન હતી પણ બહુ ચાલી નહોતી. એ સિવાયની ફિલ્મોનાં ગીતો આજેય મંત્રમુગ્ધ કરે છે. ચાંદની ફિલ્મનું શ્રીદેવીને સુપરસ્ટાર બનાવનારું ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયા હૈં’ ગીત હોય કે ચાંદની ઓ મેરી ચાંદની સહિતનાં ગીતોએ પણ સિલસિલા જેવી જ ધૂમ મચાવી હતી. શાહરૂખને સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરનારી ડર ફિલ્મના સંગીતકાર પણ શિવ-હરિ હતા. સમય મળે તો તેનાં ગીતો સાંભળજો, શિવ-હરિ પાસે કેવો આગવો ટચ હતો તેની ખબર પડશે. બીમારીના કારણે શિવકુમાર લાંબા સમયથી બીમાર હતા પણ ચાહકોની માગને ધ્યાનમાં રાખીને ‘શિવ-હરિ’ની જોડી ૧૫ મેએ ભોપાલમાં પર્ફોર્મ કરવાની હતી પણ એ પહેલાં પંડિતજી ઉપરવાળાના દરબારમાં પફોર્મ કરવા ઉપડી ગયા. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.