વાઇબ્રન્ટ અમરેલી : 11.27 કરોડનાં એમઓયુ થયાં

અમરેલી,
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં “વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અમરેલી’ કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે મ્2મ્ અને મ્2ભ કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ 11.27 કરોડ રૂપિયાના પાંચ એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લાના 11 તાલુકામાંથી 07 તાલુકામાં જી.આઈ.ડી.સી. કાર્યરત છે. લાઠી અને સાવરકુંડલામાં જી.આઈ.ડી.સી. મંજૂર થઈ ગઈ છે. જોકે, જંત્રીના દર ઉંચા હોવાથી વેપારીઓ પ્લોટ ખરીદી માટે આગળ આવ્યા નથી ત્યારે આ અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. સાવરકુંડલાના 3000થી વધુ કાંટાના ઉદ્યોગકારોને જી.આઈ.ડી.સી.માં સ્થાન મળે તે માટે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાની મગફળીની પસંદગી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરી અને લાભ મેળવી શકે છે. ટેક્સ્ટાઈલ, ખનિજ અને જિનિંગ-સ્પિનિંગ ક્ષેત્રે અમરેલી જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અમરેલીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લા વહીવટી તંત્રને વઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ટૂંકા ગાળાના આયોજન દ્વારા ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઘડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અમરેલી જિલ્લો સોલાર/વિન્ડ ફાર્મ માટે સાનુકૂળતા ધરાવે છે ત્યારે આ ક્ષેત્રે રોજગારીની વિપૂલ તકો રહેલી છે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અમરેલી કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અમરેલી જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.કાર્યક્રમમાં મહાનુભાવો અને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દિનેશ ગુરવના હસ્તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી અમલીકૃત યોજનાઓના 04 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલીના સરખેડી ગીરધરભાઈને પીએમઈજીપી યોજના હેઠળ રૂ. 393825ની સબસિડી, વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત અમરેલીના શ્રી કાજલબેન મકવાણાને રૂ. 80000ની સબસિડી, મોટા ગોખરવાળાના શ્રી. બિપીનગીરી ગોસાઈને રૂ. 72000ની સબસિડી, અમરેલીના શ્રી ખલીલભાઈ કુરેશી દંત્તોપંત ઢેંગડી યોજના હેઠળ રૂ. 18000ની સબસિડીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયા, બાબરા-લાઠી વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, વેપારીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા .