વાઈસ પ્રેસિડેન્ટે ટ્રમ્પને રાહત આપી, ૨૫મું સંવિધન સંશોધન લાગૂ નહિ થાય

  • ઉપપ્રમુખ પેન્સ ટ્રમ્પને હટાવવા નથી માગતા, સ્પીકર નેન્સી પેલોસીને જાણ કરી

 

વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણના પચીસમા સુધારા સાથે ઇમ્પીચ કરીને હટાવવાના મુદ્દે ઉપપ્રમુખ માઇક પેન્સ સંમત નથી. તેમણે સંસદના સ્પીકર નેન્સી પેલોસીને જાણ કરી હતી કે હું ટ્રમ્પને હટાવવાનો અભિપ્રાય ધરાવતો નથી.

પ્રમુખપદની ચૂંટણીમાં પોતે પરાજિત થઇ રહૃાા છે એવો ખ્યાલ આવતાં ટ્રમ્પે એક ભાષણ દ્વારા પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા કે ચાલો. આપણે સંસદ પર ચડાઇ લઇ જઇએ. તેમના હજારો સમર્થકોએ કેપિટલ હિલ પર ચડાઇ કરી હતી અને હિંસા આચરીને ભાંગફોડ કરી હતી. ત્યારબાદ કેટલાક સાંસદૃોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમેરિકી બંધારણના પચીસમા સુધારા અન્વયે ટ્રમ્પને હટાવી દઇએ. ટ્રમ્પની મુદત પૂરી થવા આડે માત્ર સાત દિવસ બાકી રહૃાા હતા.

ઉપપ્રમુખ માઇક પેન્સ ટ્રમ્પને હટાવવાના વિચાર સાથે સંમત નથી. ટ્રમ્પની મુદત વીસ જાન્યુઆરીએ પૂરી થાય છે જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન પ્રમુખ તરીકે સોગન લેશે. માઇક પેન્સે સ્પીકર નેન્સી પેલોસીને જણાવ્યું હતું કે હું ટ્રમ્પને હટાવવા બંધારણના ૨૫મા સુધારાનો આશ્રય લેવાનો નથી. તેમણે કહૃાું કે અત્યારે જો બાઇડનને સત્તા સોંપવાનો સમય છી. એવા સમયે ટ્રમ્પને હટાવીને આપણે સત્તાંતરની પ્રક્રિયાને વિલંબમાં નાખી શકીએ નહીં. તેમણે કહૃાું કે અત્યારે ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ લાવવાથી દેશમાં ભાગલા પડી જવાની ભીતિ રહે છે. એવું આપણે કરી શકીએ નહીં. શક્ય છે કે લોકો વધુ ઉશ્કેરાય અને વધુ હિંસા ફેલાય. એના કરતાં ટ્રમ્પને એની મુદત પૂરી થયે જવા દઇએ.

માઇક પેન્સે વધુમાં કહૃાું કે ગયા અઠવાડિયે કેપિટલ હિલમાં જે કંઇ બની ગયું ત્યારબાદ સંજોગોને મલમપટ્ટા કરવાનો અત્યારે સમય છે. ટ્રમ્પને ઇમ્પીચમેન્ટ દ્વારા હટાવવાથી કશું સિદ્ધ થવાનું નથી. આ મુદ્દાને વિસરી જઇએ એ બહેતર છે.

જો કે સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે ખુદ ટ્રમ્પના પક્ષના સેનેટર્સ ઇચ્છે છે કે ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટનું પગલું લેવાય જેથી નાગરિકોના મનમાં ટ્રમ્પના સમર્થકોએ આચરેલી હિંસાની વાત હોય તો એ ભૂલી જવાના સંજોગો સર્જાય. નાગરિકોને એમ લાગે કે ટ્રમ્પે કરેલી ભૂલ માટે એને સજા થઇ ચૂકી હતી. એટલે ખુદ ટ્રમ્પના પક્ષન સેનેટર્સ એને સજા કરવાના મૂડમાં હતા.