વાતો ભલે ગમે તેમ થાય પરંતુ મોદી ક્રિપ્ટો કરન્સીને માન્યતા નહિ આપે

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કૃષિ કાયદા પાછા ખેંચવાનું એલાન કરેલું પણ સત્તાવાર રીતે નિર્ણય લેવાવાનો બાકી હતો. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં એ નિર્ણય પણ લેવાઈ જતાં કૃષિ કાયદા રદ કરવાની દિશામાં વધુ એક નક્કર પગલું ભરાઈ ગયું. મોદી સરકારે સંસદમાં ત્રણેય કૃષિ કાયદા પસાર કરેલા તેથી આ કાયદા રદ કરવા માટે સંસદમાં જ બિલ લાવવું પડે. મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, સંસદના શિયાળુ સત્રમાં આ માટેનો ખરડો લવાશે ને તેના પર ચર્ચા કર્યા પછી ત્રણેય કૃષિ કાયદાનું અચ્યુતમ્ કેશવમ્ કરી દેવાશે. કૉંગ્રેસ સહિતના વિપક્ષો કૃષિ કાયદાની વિરૂદ્ધ હતા તેથી કૃષિ કાયદાને રદ કરવાનો ખરડો સર્વાનુમતે પસાર થઈ જશે તેમાં મીનમેખ નથી. સંસદનું શિયાળુ સત્ર આવતા સપ્તાહથી જ શરૂ થવાનું છે તેથી એક ને બહુ બહુ તો બે અઠવાડિયાંમાં ત્રણેય કૃષિ કાયદાનું રામ બોલો ભાઈ રામ થઈ જશે એ નક્કી છે.

મોદી કેબિનેટમાં કૃષિ કાયદા અંગે નિર્ણય લેવાશે એ નક્કી હતું ને સાથે સાથે ક્રિપ્ટો કરન્સી મુદ્દે પણ નિર્ણય લેવાશે એવી આશા હતી પણ મોદી સરકારે મગનું નામ મરી ન જ પાડ્યું. મોદી સરકારે આ મહિને  ક્રિપ્ટો કરન્સી અંગે બે ઉચ્ચ કક્ષાની બેઠકો કરી છે ને ૧૩ નવેમ્બરે તો મોદી પોતે બેઠકના અધ્યક્ષસ્થાને હતા. આ બેઠકોના અંતે ક્રિપ્ટો કરન્સી અંગે સંસદમાં ખરડો લવાશે એ નક્કી થયેલું પણ આ ખરડો કેવા પ્રકારનો હશે તેનો ફોડ નહોતો પડાયો. મોદી સરકાર ક્રિપ્ટો કરન્સીને લગતા નિયમો ઘડી રહી છે એવી વાતો આવ્યા કરતી હતી.  પણ આ નિયમો શું હશે તેની વાત નથી કરાતી.

ચીન સરકારે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો તેના પગલે ક્રિપ્ટો કરન્સી પર ભારતમાં પણ પ્રતિબંધ મૂકી દેવાશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. સાથે સાથે એવી વાતો પણ ચાલી રહી છે કે, મોદી સરકાર ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મૂકે પણ રોકાણના એક માધ્યમ તરીકે તેને માન્યતા આપશે. જે રીતે બીજાં રોકાણો પર ટેક્સ લાગે છે એ રીતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર પણ કેપિટલ ગેઈન ટેક્સ લાગે એવો કાયદો લવાશે એવી વાતો ચાલી રહી છે. એક વાત એવી પણ છે કે, ભારત સરકાર બીજી તમામ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકીને પોતાની જ ક્રિપ્ટો કરન્સી બહાર પાડશે. આ બધી વાતોને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળતું નથી તેથી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે એવી આશા હતી પણ એ આશા ફળી નથી.

હવે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ જાય પછી કેબિનેટની બેઠક મળશે તેથી અઠવાડિયા લગી ક્રિપ્ટો મુદ્દે કોઈ નિર્ણય આવવાની શક્યતા નથી. મોદી સરકારના મનમાં શું છે એ કળાતું નથી પણ અત્યાર સુધી મળતા સંકેત અને મોદી સરકારના વલણ પરથી પણ લાગે છે કે, મોદી સરકાર ક્રિપ્ટોને માન્યતા આપવાનું જોખમ નહીં ઉઠાવે. મોદી સરકારનું મૂળ વલણ ક્રિપ્ટો કરન્સી વિરોધી છે ને મોદી સરકાર એ વલણને વળગી રહેશે. મોદી સરકાર વર્ચ્યુઅલ કરન્સીની સાવ વિરૂદ્ધ વલણ દર્શાવી ચૂકી છે. ૨૦૧૭માં  ભારતમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીનાં સંખ્યાબંધ કૌભાંડો બહાર આવેલાં ત્યારે મોદી સરકારે રિઝર્વ બેંક મારફતે પ્રતિબંધ મૂકાવરાવી દીધેલો. એ વખતે વર્ચ્યુઅલ કરન્સીના નામે લોકોને છેતરીને ખંખેરી લેવાના ઉપરાછાપરી કિસ્સા બહાર આવતાં વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડનો પર્યાય બની ગઈ હતી.

ગુજરાતમાં બિટકોઈન્સનાં કૌભાંડ સૌથી વધારે ગાજ્યાં હતાં અને ગુજરાતમાં રોજ સવાર પડે ને ક્રિપ્ટો કરન્સીનું એક નવું કૌભાંડ બહાર આવતું હતું. આ કૌભાંડ પણ પાછાં નાનાં નહીં પણ કરોડોમાં હતાં. સુરતના ક્રિપ્ટો કરન્સી કૌભાંડે તો ખળભળાટ મચાવેલો કેમ કે તેમાં ઘણાં મોટાં માથાં સામેલ હતાં. એમાં આપડા અમરેલીના કેટલાક દિગ્ગજો પણ હતા. આ કૌભાંડમાં ધારાસભ્ય નલિન કોટડિયાએ તો જેલની હવા ખાવી પડેલી. મોદી સરકારે આ કૌભાંડોને ગંભીરતાથી  લીધેલાં. સરકારે સત્તાવાર રીતે લોકોને સલાહ આપેલી કે, વર્ચ્યુઅલ કરન્સીથી દૂર જ રહેજો ને તેના લફરામાં ના પડતા. કમાણીનો શોર્ટ કટ લેવા ગયા તો લાંબા થઈ જશો.  ઝડપથી કમાણી કરવાની લાલચમાં વર્ચ્યુઅલ કરન્સી તરફ વળ્યા તો લાખના બાર હજાર કરીને રાતા પાણીએ રડવાનો વારો આવશે એવી સાફ ચેતવણી સરકારે આપેલી. ૨૦૧૭માં જ મોદી સરકારે નાણાં મંત્રાલયના સેક્રેટરીના વડપણ હેઠળ સમિતિ પણ બનાવી હતી. આ સમિતિમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર, સેબીના ચેરમેન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી સહિતના ધુરંધરો હતા.

આ સમિતિનું કામ વર્ચ્યુઅલ કરન્સીને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરીને આ દૂષણને રોકવા શું કરવું તે અંગેનાં પગલાં સૂચવવાનું હતું. આ સમિતિએ ૨૦૧૮ના માર્ચમાં રીપોર્ટ આપ્યો તેમાં વર્ચ્યુઅલ કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાની ભલામણ કરેલી. બેંકો વર્ચ્યુઅલ કરન્સીથી દૂર રહે  એટલે તેમના પર પણ નિયંત્રણો લાદવાની ભલામણ કરાયેલી. આ ભલામણોના આધારે કેન્દ્ર સરકારે કાયદો બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરેલી. રિઝર્વ બેંકે ૨૦૧૮ના એપ્રિલમાં બેંકોને ફરમાન કર્યું હતું કે, કોઈ પણ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સીના સોદામાં પડવું નહીં કે તેને પ્રોત્સાહન આપવું નહીં. કેન્દ્ર સરકારે કરેલા ફરમાનના આધારે વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ માટે બાનિંગ ઓફ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૧૯ તૈયાર કરાયેલું. આ બિલમાં વર્ચ્યુઅલ કરન્સીના સીધા કે આડકતરા કોઈ પણ વ્યવહારમાં સંકળાયેલી વ્યક્તિને દસ વરસની કેદની સજાની જોગવાઈ હતી.

બેંક સહિતની કોઈ નાણાંકીય સંસ્થા વર્ચ્યુઅલ કરન્સીના સોદામાં સામેલ હોય તો તેના પર પ્રતિબંધની પણ જોગવાઈ તેમાં હતી. મોદી સરકારે લીધેલા વલણને અનુરૂપ આ કાયદો બનવાનો હતો પણ કમનસીબે વાત આગળ વધી નહીં. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી તેથી આ બિલ લટકી ગયું. જો કે મોદી સરકારે અગમચેતી વાપરીને આગોતરાં પગલાં લઈ જ લીધેલાં. ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધનો કાયદો અમલ ના હોય તેનો લાભ લઈને ક્રિપ્ટો કરન્સીનો કારોબાર ફૂલેફાલે નહિ એટલે મોદી સરકારના ફરમાનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પરિપત્ર બહાર પાડીને તમામ વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધેલો. રિઝર્વ બેંકે વર્ચ્યુઅલ કરન્સીને ગેરકાયદેસર જાહેર કરીને તેનો સોદો કરનારી બેંકો પર પણ પ્રતિબંધ મૂકવાનું એલાન કરેલું.

ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએનએઆઈ)એ આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો. સુપ્રીમ કોર્ટે એ અરજીને માન્ય રાખીને વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને અને તેના સોદા કરતી બેંકો પરના પ્રતિબંધને પણ ગેરબંધારણીય ગણાવતો ચુકાદો આપ્યો હતો. મોદી સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકીને દસ વર્ષની સજાની જોગવાઈનો કાયદો લાવી દીધો હોત તો ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર અત્યારે પ્રતિબંધ હોત. રીઝર્વ બેંકે મૂકેલા વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવીને ફગાવી દીધો એવું ના બન્યું હોત. બલ્કે રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂકવાની જરૂર ના પડી હોત કેમ કે કાયદાથી જ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ આવી ગયો હોત. મોદી સરકારે એ વખતે લીધેલું વલણ યોગ્ય હતું પણ કામના ભારણમાં કાયદો ના બની શક્યો એટલી ચૂક રહી ગઈ.

હવે મોદી સરકાર જે કાયદો લાવશે એ પહેલાં લાવવા ધારતા હતા એવો આકરો હશે કે નહીં એ ખબર નથી પણ મોદીએ ગયા સપ્તાહે આપેલા નિવેદન પરથી લાગે છે કે, સરકાર પોતાના વલણને વળગી રહેશે. મોદી સરકારે તમામ દેશોને ક્રિપ્ટો કરન્સીની ચુંગાલથી બચવાની સલાહ આપી છે અને યુવાનો તેના રવાડે ચડશે તો બરબાદ થઈ જશે એવી ચેતવણી પણ આપી છે. મોદીનું નિવેદન જોતાં લાગે છે કે, કેન્દ્ર સરકારનું વલણ નહીં બદલાય. સરકાર પોતાનું વલણ ન બદલે એ દેશના હિતમાં પણ છે કેમ કે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ તમામ પ્રકારના ગોરખધંધા માટે થાય છે. આતંકવાદીઓથી માંડીને ડ્રગ્સનો ધંધો કરનારા સુધીના બધા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારો કરે છે.  ક્રિપ્ટો કરન્સીમાં બ્લેકના પૈસા મોટા પ્રમાણમાં ઠલવાય છે તેના કારણે દુનિયામાં એક સમાંતર અર્થતંત્ર ઊભું થવાનો ખતરો પણ છે. ભવિષ્યમાં આ સમાંતર અર્થતંત્ર કોઈ પણ દેશના સત્તાવાર અર્થતંત્ર કરતાં મોટું થઈ જાય ને બધા વ્યવહારો તેનાથી જ ચાલે તો એ દેશ તો પતી જ જાય. આ ખતરો બહુ મોટો છે તેથી  મોદી સરકાર ક્રિપ્ટો કરન્સીને માન્યતા ન આપે એ દેશના હિતમાં છે.