વાપીમાં રસ્તા પર બેઠેલી ગાયને કારમાં ભરીને તસ્કરો ફરાર

ઔદ્યોગિક નગરી વાપીમાં છેલ્લા કેટલાક સમયથી ગૌ તસ્કરો ની એક ટોળકી સક્રિય થઇ છે. આ ટોળકી વાપીના છેવાડાના વિસ્તારોમાંથી ગાયોની તસ્કરી કરીને કારમાં ભરીને ફરાર થઇ જતી હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસથી એક સફેદ કલરની કારમાં ગૌ તસ્કરોની આ ટોળકી મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર બેસેલી ગાયોને બાંધીને ગાડીમાં ભરીને ફરાર થઈ જાય છે. આ મામલે અત્યારે સુધી ચર્ચા ચાલી રહી હતી, હવે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે સામે આવેલા સીટીટીવીમાં જોઈ શકાય છે કે તસ્કરો એક ગાયની ચોરી કરીને તેને ગાડીમાં ભરી દૃે છે.
આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વહેતો થયા બાદ ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વાયરલ થયેલો આ વીડિયો વાપીના ચલા વિસ્તારનો છે. ચલા વિસ્તારમાં મુક્તાનંદ માર્ગ પર આવેલા ગુરુકૃપા બંગલોની સામે મોડી રાત્રે એક ગાય બેઠી હતી. આ સમયે એક સફેદ કલરની કાર ગાયની નજીક આવીને ઉભી રહે છે. કારમાંથી પાંચ લોકો નીચે ઉતરે છે.
આ લોકો રસ્તાની બાજુમાં બેસેલી ગાયને દોરડાથી બાંધી તેને ક્રૂરતાપૂર્વક ગાડીમાં પાછળના ભાગે ભરીને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ જાય છે. ચલાના મુખ્ય માર્ગ પર ગૌ તસ્કરીના દ્રશ્યો બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહૃાો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌ તસ્કરીની વધી રહેલી ઘટનાઓ અને તસ્કરો રસ્તે બેસેલી ગાયને ક્રૂરતાપૂર્વક ગાડીમાં ભરીને ફરાર થઈ જતા હોવાના બનાવોને લીધે ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ મામલે ઝડપથી કાર્યવાહી કરવાની લોક માંગણી ઉઠી છે.