વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી પાલિકામાં વિવિધ પ્રશ્ર્નો અંગે બેઠક મળી

અમરેલી,

નગરપાલિકા, અમરેલી ખાતે શહેરના દરેક વોર્ડના વિવિધ પ્રશ્નો સંદર્ભે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ વાઈઝ વિવિધ પ્રશ્નોને ચર્ચામાં આવરી લેવામાં આવ્યા હતા. શહેરમાં સાફસફાઈ, પાણી પાઈપલાઈન, ગેસ લાઈન, રોડ-રસ્તા, ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગો પર દબાણ સહિતના પ્રશ્નોને લઈ દરેક વોર્ડ નંબરના સદસ્યો સાથે વન-ટુ-વન ચર્ચા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્યશ્રીએ કરી હતી. આ ઉપરાંત શહેર અને જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નોનું નિરાકરણ વધુ ઝડપે થાય તે માટે તેમણે વિવિધ સૂચનો પણ કર્યા હતા. વિકાસલક્ષી કાર્યો ઝડપથી આગળ વધે અને પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તે માટે નગરપાલિકાની સમગ્ર ટીમ, ટીમ વર્કથી આગળ વધે તે જરુરી છે. નાયબ મુખ્ય દંડકશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લા અને શહેરના વિકાસ કામો તેજ ગતિથી આગળ વધે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. બેઠકમાં નગરપાલિકા, અમરેલીના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી, નગરપાલિકા અમરેલી, કારોબારી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી ભંડેરી, નગરપાલિકા, અમરેલીના ચીફ ઓફીસરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારી – કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા