વિરાટ કોહલી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે જોડાવા માટે ચેન્નઈ પહોંચ્યો

વિરાટ કોહલી પોતાની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે જોડાવા માટે ગુરૂવારે ચેન્નઈ પહોંચ્યો છે. જ્યાં તે સાત દિવસ માટે ક્વોરેન્ટીન રહેશે. હાલમાં ચેન્નઈમાં બેંગલોરનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહૃાો છે. વિશ્વની સૌથી લોકપ્રિય ટી-૨૦ ક્રિકેટ લીગનો પ્રારંભ ૯ એપ્રિલથી થશે.

બેંગલોર ટીમ દ્વારા ટ્વિટ કરીને કોહલી ચેન્નઈ પહોંચ્યો હોવાની જાણકારી આપી હતી. જેમાં ટીમે કોહલીનો ફોટો ટ્વિટ કરી લખ્યું, કેપ્ટન વિરાટ કોહલી ચેન્નઈ પહોંચી ગયો છે.

બેંગલોર અને વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ૯ એપ્રિલે રમાનારા મુકાબલા સાથે આઈપીએલનો પ્રારંભ થશે. ૨૦૦૮મા આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી કોહલી બેંગલોર સાથે જોડાયેલો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સિરીઝ પૂરી થયા બાદ કોહલીએ પૂણેમાં સોમવારે બાયો-બબલ છોડ્યું હતું.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝ અગાઉથી કોહલી જાન્યુઆરીના અંતથી બાયો-સિક્યોર બબલમાં છે. આ દરમિયાન કોહલીએ ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ, પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમી હતી.

વિરાટ કોહલી ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બીજા એક મહત્વનો ખેલાડી એબી ડી વિલિયર્સ પણ ગુરૂવારે ટીમના બાયો-બબલમાં જોડાયો હતો. સાઉથ આફ્રિકાનો સ્ટાર ડી વિલિયર્સ ૨૦૧૧મા ટીમ સાથે જોડાયો હતો અને ત્યારથી તે બેંગલોરનો મહત્વનો ખેલાડી રહૃાો છે.